રઘુરામ રાજને ક્રિપ્ટોકરન્સી પર આપી ચેતવણી – ‘ચીટ ફંડ્સ જેવી સમસ્યાઓ સર્જાશે…’

કેટલાક મૂર્ખ તેમાં રોકાણ કરવા તૈયાર બેઠા – RBIના ભૂતપૂર્વ ગવર્નર

RBI પૂર્વ ગવર્નર રઘુરામ રાજનનું માનવું છે કે, હાલ અસ્તિત્વ ધરાવતી મોટાભાગની ક્રિપ્ટોકરન્સી થોડા સમયમાં લુપ્ત થઈ જશે. રાજનનું માનવું છે કે, હાલ છ હજાર જેટલી ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં છે, જેમાંથી માંડ એકાદ-બે જ પોતાનું અસ્તિત્વ જાળવી શકશે. એક ટીવી ચેનલમાં આપેલા એક ઈન્ટર્વ્યુમાં અર્થશાસ્ત્રી એવા રાજને કહ્યું હતું કે કોઈ વસ્તુ માત્ર મોંઘી હોવાના કારણે જ તેનું મૂલ્ય વધારે હોય તો સમજી લેવું કે તેનો ફુગ્ગો ગમે ત્યારે ફુટી શકે છે.

તેમણે એમ પણ કહ્યું હતું કે કેટલાક કોઈન્સ માત્ર એટલા માટે જ વેલ્યૂ ધરાવે છે કે કેટલાક મૂર્ખ તેમાં રોકાણ કરવા તૈયાર બેઠા હોય છે.

રઘુરામ રાજનનું કહેવું છે કે, ક્રિપ્ટોકરન્સી પણ ચીટ ફંડ્સ જેવી સમસ્યાઓ સર્જી શકે છે. ચીટ ફંડ્સ લોકો પાસેથી રુપિયા ઉઘરાવે છે અને એક દિવસ તેમનો ફુગ્ગો ફુટી જાય છે. ક્રિપ્ટો એસેટ્સ ધરાવતા ઘણા લોકો સરકારના આ વર્તનથી નારાજ હશે. તેમણે જણાવ્યું હતું કે મોટાભાગના ક્રિપ્ટોમાં કોઈ પરમેનન્ટ વેલ્યૂ નથી, પપરંતુ કેટલીક ક્રિપ્ટોકરન્સી ક્રોસ-બોર્ડર પેમેન્ટને સરળ બનાવવાનો હેતુ સારી રીતે પૂરો પાડતી હોવાથી તે કદાચ ટકી જાય. બ્લોકચેઈન ટેક્નોલોજી પર તેમણે જણાવ્યું હતું કે સરકારે તેને વધુ સુદ્રઢ બનાવવા પ્રયાસ કરવા જોઈએ.

સંસદના શિયાળુ સત્રમાં રજૂ થઈ શકે છે બિલ

સરકાર ક્રિપ્ટોકરન્સી પર બિલને સંસદના શિયાળુ સત્રમાં રજૂ કરશે. આ બિલનું નામ ‘ધ ક્રિપ્ટોકરન્સી એન્ડ રેગુલેશન ઓફ ઓફિશિયલ ડિજિટલ કરન્સી બિલ, 2021’ છે. આ બિલમાં દેશમાં તમામ પ્રાઇવેટ ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ લગાવવાની માંગ કરવામાં આવી છે. તેવામાં જો આ બિલ સંસદમાં પાસ થાય તો બિટકોઇન જેવી ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરનાર માટે મુશ્કેલી ઉભી થઈ શકે છે. પરંતુ તે માંગ પણ કરવામાં આવી છે કે અંતર્ગત ટેકનોલોજી અને તેના ઉપયોગોને પ્રોત્સાહન આપવા માટે અમુક અપવાદોને મંજૂરી આપવામાં આવી શકે છે.

એક સત્તાવાર દસ્તાવેજથી મળેલી જાણકારી પ્રમાણે, ‘ધ ક્રિપ્ટોકરન્સી એન્ડ રેગુલેશન ઓફ ઓફિશિયલ ડિજિટલ કરન્સી બિલ, 2021’માં ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા જાહેર થનારી સત્તાવાર ડિજિટલ કરન્સીના ક્રિએશન માટે એક ફ્રેમવર્ક બનાવવાની માંગ કરવામાં આવી છે. 

 48 ,  7 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી