કમિશનર રાકેશ અસ્થાનાને રાહત, નિમણૂંકને પડકારતી પિટિશન હાઈકોર્ટે ફગાવી દીધી

પોલીસ કમિશનર તરીકે નિમણૂંક અને એક્સ્ટેન્શનની સામે ઉઠાવ્યો હતો વાંધો

ગુજરાત કેડરના આઈપીએસ ઓફિસર અને દિલ્હી પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાની નિમણૂંકને પડકારતી પિટિશનને હાઈકોર્ટે ફગાવી દીધી છે. આ પિટિશનમાં રાકેશ અસ્થાનાની દિલ્હી પોલીસ કમિશનર તરીકે નિમણૂંક અને તેમને અપાયેલા એક વર્ષના એક્સ્ટેન્શનની સામે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. લાંબા સમયથી આ મામલા પર સુનાવણી ચાલી રહી હતી. આ પહેલા અસ્થાનાએ આરોપ મુક્યો હતો કે, જ્યારથી મને સીબીઆઈનો વિશેષ ડાયરેકટર બનાવાયો ત્યારથી કેટલાક સંગઠનો મને ટાર્ગેટ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર મારી સામે સતત અભિયાન ચલાવાઈ રહ્યુ છે અને દિલ્હી પોલીસ કમિશનર તરીકે મારી નિમણૂંક સામે થયેલી પિટિશન પાછળ બદલાની ભાવના છે.

રાકેશ અસ્થાના 31 જુલાઈએ રિટાયર થવાના હતા પણ તેના કેટલાક દિવસ પહેલા જ તેમને દિલ્હી પોલીસ કમિશનર બનાવાયા હતા. તેઓ હવે એક્સટેન્શન મળ્યુ હોવાથી બીજા એક વર્ષ સુધી આ હોદ્દા પર રહેશે.

જોકે સુપ્રીમ કોર્ટ દ્વારા 2018માં એક ચુકાદો અપાયો હતો અને તેમાં કહેવાયુ હતુ કે, રિટાયર થવાના ઓછામાં ઓછા ત્રણ મહિના બાકી હોય તો જ કોઈ અધિકારીને પોલીસ વડાના હોદ્દા પર નિમવા જોઈએ. આ ચુકાદાને આગળ ધરીને રાકેશ અસ્થાના સામે પિટિશન કરવામાં આવી હતી.

અસ્થાના સીબીઆઈના સંયુક્ત નિર્દેશક પણ રહી ચૂક્યા છે. અસ્થાના સીબીઆઈના એસપી હતા ત્યારે તેમણે રાજદ પ્રમુખ લાલુ યાદવને સંડોવતા ઘાસચારા કૌભાંડની તપાસ કરી હતી. સીબીઆઈમાં હતા ત્યારે તત્કાલીન નિર્દેશક આલોક વર્મા સાથે વિવાદ થતાં રાકેશ અસ્થાનાની નાગરિક ઉડ્ડયન સલામતી અને એનસીબીના મહાનિર્દેશકપદે નિયુક્ત કરાઈ હતી. સામાન્ય રીતે અરૂણાચલ પ્રદેશ, ગોવા મિઝોરમ અને કેન્દ્રશાસિત પ્રદેશ કેડરના આઈપીએસ અધિકારીને દિલ્હીના કમિશનર તરીકેની જવાબદારી સોપવામાં આવી હતી.

 20 ,  2 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી