September 26, 2022
September 26, 2022

‘મુજે ગબ્બર ચાહિયે, વો ભી ઝીંદા.”

શોલે ફિલ્મને રીલીઝ થયે તો ઘણા વર્ષો વીતી ગયા. પણ તેની વાર્તા, પાત્રો, અને માહોલ હજી પણ લોકોની સ્મૃતિમાં જીવંત છે. શોલે એક એવી ફિલ્મ હતી કે જેની મૂળ કથા કરતા પણ તેના પાત્રો, અને સંવાદોની અભિવ્યક્તિએ લોકોના હૃદયમાં ખાસ સ્થાન મેળવ્યું. ફિલ્મની વાર્તા તો ખરી જ, પણ આ ફિલ્મના તમામ પાત્રોની પણ પોતાની અલગ વાર્તા હતી. ખાસ કરીને ઠાકુર બલદેવસિંહનું પાત્ર કે જેની મિમિક્રી હજી પણ અમુક ફિલ્મો કે ટીવીના કાર્યક્રમોમાં કોમેડી કરવા માટે થાય છે, અમુકને જ ખ્યાલ હશે કે આ પાત્ર પહેલા અભિનેતા ધર્મેન્દ્ર ભજવવાના હતા. રમેશ સિપ્પીએ તેમને જણાવ્યું કે તો પછી સંજીવકુમારે વીરુનું પાત્ર ભજવવું પડશે અને ધર્મેન્દ્ર હેમા માલિનીના પ્રેમમાં હોવાથી તેમણે વીરુના પાત્ર માટે હા પાડી દીધી હતી! પોતાની આગવી અભિનયકળાથી ઠાકુરનું પાત્ર અમર થઇ ગયું.

ફક્ત શોલે જ નહિ અભિનેતા સંજીવકુમારે બીજી પણ અનેક ફિલ્મોમાં યાદગાર ભૂમિકાઓ ભજવી છે. તેમનો જન્મ આજના દિવસે એટલે કે 9 જુલાઈ 1938ના દિવસે સુરતમાં ગુજરાતી પરિવારમાં થયો. સંજીવકુમાર તો બોલીવુડ માટે, પરિવાર અને સ્વજનો માટે તો તેઓ ‘હરિભાઈ’ હતા. મૂળ નામ હરિહર જેઠાલાલ જરીવાલા. વીસ વર્ષની ઉમરથી તેમણે મુંબઈમાં નાટકોમાં કામ કરવાનું શરૂ કર્યું. અને અભિનયની આ યાત્રા પછી અવિરતપણે ચાલતી રહી.  

સંજીવ કુમારની સૌથી મોટી વિશેષતા તે હતી કે તેઓ હંમેશા દરેક પ્રકારની ભૂમિકાઓ માટે તૈયાર રહેતા હતાં. બોલીવુડમાં તે સમયે દરેક જણની ઇમેજ નક્કી હતી કે અમિતાભ તો એગ્રી યંગ મેન, શશી કપૂર તો રોમેન્ટીક, ધર્મેન્દ્ર તો એક્શન, દિલીપ કુમાર તો ટ્રેજડી કિંગ, મનોજ કુમાર તો દેશભક્તિ વગેરે. પરંતુ માત્ર સંજીવ કુમાર એક માત્ર એવો અભિનેતા હતો કે જેના પર આવો કોઇ ટેગ લાગેલો ન હતો. તેમણે પોતાની કારકીર્દીની શુરુઆત ‘હમ હિન્દુસ્તાની’ ફિલ્મથી ૧૯૬૦માં કરી. ૧૯૬૮માં મુખ્ય પાત્ર મળ્યું ફિલ્મ નિશાનમાં. તેમણે  દિલીપકુમાર જેવા દિગ્ગજ અભિનેતા વિરુદ્ધ સંઘર્ષ ફિલ્મમાં કામ કર્યું. પણ તેમને સ્ટારનો દરજ્જો દેવડાવ્યો ફિલ્મ ‘ખિલૌના’એ. ફિલ્મ ‘નયા દિન નઇ રાત’માં એકસાથે નવ પાત્ર ભજવીને તેમણે એક નવો જ રેકોર્ડ બનવ્યો હતો. તેમની પાસે અભિનયક્ષમતાની એક વિશાળ રેંજ હતી.

 ત્યાર બાદ તેમની હિટ ફિલ્મ સીતા ઔર ગીતા (૧૯૭૨) અને મનચલી(૧૯૭૩) પ્રદર્શિત થઈ. ૭૦ના દાયકામાં ગુલઝાર જેવા દિગ્દર્શક સાથે કામ કર્યું. તેમણે કુલ ૯ ફિલ્મો ગુલઝાર સાથે કરી જેમાંની જેમાં આંધી (૧૯૭૫), મૌસમ (૧૯૭૫), અંગૂર (૧૯૮૧), નમકીન (૧૯૮૨) આજે પણ યાદગાર ગણાય છે.

1968માં ફિલ્મ શીખરમાં અભિનય માટે તેમને શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો ફિલ્મફેર એવોર્ડ, 1971માં ફિલ્મ દસ્તક માટે શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર, 1973માં ફિલ્મ કોશીશ માટે શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર, 1975માં ફિલ્મ આંધી માટે શ્રેષ્ઠ અભિનેતાનો ફિલ્મફેર એવોર્ડ અને 1976માં ફિલ્મ અર્જુન પંડિત માટે શ્રેષ્ઠ અભિનેતાનો ફિલ્મફેર એવોર્ડ સંજીવ કુમારને એનાયત કરવામાં આવ્યો હતો. 

તેમની એક માન્યતા હતી કે તેમના પરિવારમાં મોટો પુત્ર ૧૦ વર્ષનો થતા પિતાની મૃત્યુ થઈ જાય છે. તેમના દાદા, પિતા અને ભાઈ સાથે આ થઈ ચૂક્યૂં હતું. સંજીવ કુમારે પોતાના દિવંગત ભાઈ ના પુત્ર ને દત્તક લીધો હતો અને તે દસ વર્ષનો થતાં તેમનું મૃત્યુ થયું!

અભિનેત્રી હેમામાલીનીને તેઓ આજીવન પ્રેમ કરતા રહ્યા. તે પણ એટલી હદ સુધી કે હેમામાલિનીએ પ્રપોઝલનો જવાબ ‘ના’ માં આપતા છેલ્લે સુધી કુંવારા રહ્યા.

6 નવેમ્બર 1985ના રોજ ફક્ત 47 વર્ષની ઉંમરે તેમને હૃદયરોગનો હુમલો આવ્યો અને તેમણે દુનિયાને અલવિદા કહી દીધી. નવાઈની વાત તો એ છે કે જે અભિનેતાએ રૂપેરી પડદે અનેક વખત કુશળતાપૂર્વક વૃદ્ધની ભૂમિકા નિભાવી હતી તે પોતે જીવનના પચાસમાં મુકામ સુધી પણ પહોંચી ન શક્યા. 

 26 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી