September 19, 2021
September 19, 2021

તાલિબાને ભારત સાથે આયાત-નિકાસ પર લગાવી રોક

તાલિબાને દેખાડ્યો પોતાનો અસલી રંગ..!

અફઘાનિસ્તાન પર તાલિબાને કબ્જો કર્યા પછી પડોશી તેમજ અન્ય દેશો વચ્ચેના સંબંધો પણ બદલાવા લાગ્યા છે. ભારત-અફઘાનિસ્તાન ગાઢ મિત્રો રહ્યા છે પરંતુ તાલિબાન સત્તામાં આવ્યા બાદ નીતિ ખૂબ જ ઝડપથી બદલાઈ રહી છે. ભારત હજુ પણ તાલિબાનને લગતી પોતાની વિદેશ નીતિને લઈને મૂંઝવણમાં છે, પરંતુ તાલિબાનનો દૃષ્ટિકોણ ખૂબ જ સ્પષ્ટ થઈ ગયો છે. તાલિબાને ભારત સાથેની તમામ આયાત અને નિકાસ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે.

ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશન (FIEO) ના ડાયરેક્ટર જનરલ ડો. અજય સહાયે મીડિયાને જણાવ્યું કે તાલિબાનોએ કાર્ગોની અવર જવર બંધ કરી દીધી છે. આ વેપાર પાકિસ્તાના પરિવહન માર્ગ દ્વારા કરવામાં આવતો હતો.

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેના વેપાર સંબંધોની વાત કરીએ તો, 2021 માં અત્યાર સુધી ભારતે અફઘાનિસ્તાનને 835 મિલિયન ડોલરની નિકાસ કરી છે. આ સમયગાળા દરમિયાન, ભારતે અફઘાનિસ્તાનથી 510 મિલિયન ડોલરની આયાત પણ કરી છે. સહાયે કહ્યું કે વેપાર સિવાય ભારતે 3 અબજ ડોલર એટલે કે લગભગ 22 હજાર કરોડ રૂપિયાનું વિશાળ રોકાણ કર્યું છે. અફઘાનિસ્તાનમાં આવા લગભગ 400 પ્રોજેક્ટ છે, જ્યાં ભારતનું રોકાણ કરવામાં આવ્યું છે.

નિકાસની વાત કરીએ તો, ભારત અફઘાનિસ્તાનમાં ખાંડ, દવાઓ, ચા, કોફી, મસાલા અને કપડાંની નિકાસ કરે છે. સૂકા મેવા મુખ્યત્વે અફઘાનિસ્તાનથી આયાત કરવામાં આવે છે. આ સિવાય ગમ અને ડુંગળી પણ અફઘાનિસ્તાનથી આયાત કરવામાં આવે છે.

સહાયે કહ્યું કે અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે તાલિબાન શાસકો જલ્દીથી સમજી જશે કે વેપાર વિકાસનો માર્ગ છે. તેનાથી બંને દેશો વચ્ચે ફરી વેપારના દરવાજા ખુલશે. FIEO એ કહ્યું કે આગામી દિવસોમાં દેશમાં ડ્રાય ફ્રુટ્સના દરમાં વધારો થશે. ભારત 85 ટકા ડ્રાયફ્રુટ્સ માત્ર અફઘાનિસ્તાનથી આયાત કરે છે.

 75 ,  1