વેક્સિન બની વરદાન..! છેલ્લા 3 વર્ષથી ગુમ પુત્રનો પરિવાર સાથે મિલાપ..

વેક્સિનેશનને કારણે પુત્રની ભાળ મળી, તમામની આંખો છલકાઈ ઉઠી..

હાલમાં કોરોના વિરૂદ્ધની લડાઈમાં ગુજરાત સહિત દેશભરમાં વેક્સિનેશન અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે આ વેક્સિનેશન અભિયાન કોરોનાથી તો રક્ષણ આપે છે પરંતુ અહીં જે બનાવ બન્યો છે જેને સાંભળી તમે પણ ચોંકી જશો. વેક્સિનેશન અભિયાને એક પુત્રને તેના પરિવારને મળાવી દીધો છે.

મળતી માહિતી પ્રમાણે, સુરતના પરિવારનો એક દીકરો અચાનક 3 વર્ષ પહેલા ગુમ થઈ ગયો હતો. ઘણા લાંબા સમયથી તેની શોધખોળ ચાલી રહી હતી. જોકે છેલ્લા 3 વર્ષથી કોરોનાકાળને કારણે તેની શોધખોળમાં પણ મુશ્કેલી પડી રહી હતી. ત્યારે વેક્સિનેશન અભિયાને એક દીકરાને તેના પરીવાર સુધી પહોંચાડ્યો છે.

ગાંધીનગર આઈબીના ડીસીઆઈ ભગવતસિંહ વનાર સાહેબે માર્ગદર્શન આપ્યું હતું કે, હાલ કોરોના વેક્સિનેશન ચાલી રહ્યું છે. શક્ય છે કે ગુમ થયેલ લકેશ વેક્સિન લેવાની હોય જેથી તેના આધાર નંબર પરથી તેની ઓળખ થઇ શકશે અને તે કયા શહેરમાં છે તે જાણી શકાય.

આ માર્ગદર્શન બાદ આધારકાર્ડના આધારે તે કયા શહેરમાં છે તે અંગેની માહિતી મેળવવાની શરૂઆત કરી અને આખરે તેમને સફળતા મળી. ગુમ થયેલ પુત્ર બેંગ્લોરમાંથી મળી આવ્યો હતો અને પરિવારને ત્યાં પહોંચી તેને સાથે મિલાપ કરાવવામાં આવ્યો હતો.
યુવકના પિતાએ જણાવ્યું કે, દીકરાને શોધવા માટે અમે અનેક પ્રયાસો કર્યા હતા. જોકે આજે કોરોના વેક્સિનેશન માટે આધારકાર્ડની લિંકે દીકરાને મળાવ્યો છે. બસ અમે તો વનાર સાહેબના આભારી છીએ. દીકરાને મળીને અમારૂ છેલ્લા 3 વર્ષનું દર્દ પણ ગાયબ થઈ ગયું છે.

દીકરાએ જણાવ્યું કે, હું કંઈક બનવા ઈચ્છતો હતો એટલા માટે ઘરેથી નીકળ્યા બાદ મેં નોકરી માટે ઘણી મહેનત કરી અને ત્યારબાદ કામમાં વ્યસ્ત થઈ ગયો અને સમય એટલો નીકળી ગયો કે ખબર જ ન પડી. જોકે આજે પરિવારને મળીને પુત્રની આંખો પણ છલકાઈ ઉઠી હતી.

 66 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી