મહારાષ્ટ્ર: પાલઘરમાં રિક્ષા ચાલકની હત્યા, ચોરીની શંકામાં માર મારી ઉતાર્યો મોતને ઘાટ

મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં ચોરની શંકામાં એક 38 વર્ષીય રિક્ષા ચાલકને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. મળતી વિગત મુજબ, ચોરીની શંકામાં ત્રણ સ્થાનિક લોકોએ રિક્ષા ચાલકને બેરહેમીથી માર માર્યો હતો. જો કે બાદમાં રિક્ષા ચાલકનું મોત નિપજ્યું હતું. મૃતક પાલઘર જિલ્લાના નાલાસોપારાનો રહેવાસી છે.

ઘટના શનિવાર સવારે મુંબઇ-અમદાવાદ રાજમાર્ગ પર ચિંટોઇ નજીક સર્જાઇ હતી. પોલીસના જણાવ્યા મુજબ, ચિંટોઇના આશાનગરના રહેવાસી ત્રણ લોકોએ સવારના પરોઢીયે રીક્ષા ચાલક નસીમ શેખને રોક્યો હતો. અને ચોરીના ઇરાદે વિસ્તારમાં આવ્યો હોવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ બોલચાલ થતા વિવાદ વકર્યો અને મારા મારી પર ઉતરી આવ્યા હતા. ત્રણેય લોકોએ બેલ્ટ અને લોખંડના સળિયાથી માર મારી નસીમ શેખને મોતને હવાલે કરી દીધો.

હત્યાને અંજામ આપી ત્રણેય આરોપીઓ ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયા હતા. હાલ પોલીસે આરોપીઓની ઓળખ કરી વધુ તપાસ હાથ ધરી છે.

 28 ,  3