ગાંધીનગર ડેપોમાં લૂંટ, દાગીના ભરેલું મહિલાનું પર્સ સેરવી ગઠિયો ફરાર

માણસાની મહિલાએ સેકટર-7 પોલીસ મથકમાં નોંધાવી ફરિયાદ

ગાંધીનગર એસ.ટી ડેપોમાં ગઠિયાઓ સક્રિય થયા હોય તેમ લાગી રહ્યું છે. અમદાવાદની જેમ હવે ગાંઘીનગર ડેપોમાં ગઠિયાઓ ચોરી, લૂંટની ઘટનાને અંજામ આપી રહ્યા છે. તાજેતરમાં એસ.ટી ડેપોથી વિસનગરની બસમાં ચઢતા સમયે ભીડભાડનો લાભ ઉઠાવી ગઠિયો રૂ. 87 હજાર 500ની કિંમતના સોનાના દાગીના ભરેલું પર્સ સેરવીને છૂમંતર થઈ ગયો હોવાની ફરિયાદ માણસાની મહિલાએ સેકટર-7 પોલીસ મથકમાં નોંધાવી છે.

ગાંધીનગર એસ.ટી ડેપોમાં છાશવારે ગઠિયાઓ કરામત કરીને મુસાફરોના કિંમતી સર સામાન લઈને છૂ થઈ જતાં હોવાની વ્યાપક બૂમરાણ ઉઠવા પામી છે. ત્યારે વધુ એક મહિલાનું પર્સ ચોરી લેવાયું હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. માણસા તાલુકાના સોજા ગામે અંબિકાનગરમાં રહેતા મીનાબેન અજીતસિંહ વાઘેલા તેમના પુત્ર જયદીપસિંહ સાથે ગત તા. 16 મી નવેમ્બરના રોજ વડોદરાથી બસમાં બેસી ગાંધીનગર એસ.ટી ડેપો આવ્યા હતા. જેમને સોજા ગામ જવાનું હોવાથી તેઓ ડેપોના પ્લેટફોર્મ નંબર-3 પર બસની રાહ જોઈને ઉભા હતા.

આ દરમિયાન બપોરના સમયે ગાંધીનગરથી વિસનગરની બસ આવી પહોંચતા તેઓ ભીડ ભાડ વચ્ચે બસમાં ચઢ્યા હતા. બાદમાં બસની ટિકિટ લેવા માટે તેમણે છીંકણી કલરનું સાઈડનું પર્સ ચેક કર્યું હતું. જેમાં તેમણે એક કોફી કલરનું પર્સ મૂકી રાખ્યું હતું. જે પર્સ મળી નહીં આવતાં ઘણી શોધખોળ કરવા છતાં પર્સ મળી આવ્યું ન હતું.

ઘરે મહેમાન આવ્યા હોવાથી જે તે સમયે મીનાબેન ઘરે જતાં રહ્યાં હતાં. આ અંગે મીનાબેને રૂ. 65 હજાર 500 ની કિંમતનો સોનાનો દોરો તેમજ રૂ. 25 હજારની સોનાની કાનસર રાખેલું પર્સ અજાણ્યો શખ્સ ચોરી ગયો હોવાની ફરિયાદ સેકટર-7 પોલીસ મથકમાં નોંધાવી છે.

 16 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી