અમદાવાદ, અમરેલી અને સુરતમાં જ્વેલર્સની દુકાનોમાં હથિયાર બતાવી લાખો રૂપિયાની લૂંટ

નિકોલમાં ફિલ્મી સ્ટાઈલમાં 4 રાઉન્ડ ગોળીબાર કરી જ્વેલર્સની દુકાનમાંથી 7 લાખની લૂંટ ચલાવી 

શહેરમાં કાયદો અને વ્યવસ્થા દિવસેને દિવસે કથળતા જઇ રહ્યા છે. હવે ગુજરાતમાં પણ હથિયારો બતાવીને લૂંટની ઘટનાઓ અને ફાયરિંગની ઘટનાઓ સામે આવવા લાગી છે. ઠક્કરનગરમાં પાન મસાલાના હોલસેલના વેપારી પર ફાયરિંગની ઘટનાની સ્યાહી સુકાઇ નથી ત્યાં નિકોલ વિસ્તારમાં ઉમિયા સર્કલ પાસે આવેલા વિરલ જ્વેલર્સ નામની દુકાનમાં લૂંટની ઘટના બની છે. ઘટના અંગે માહિતી મળતા નિકોલ પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

નિકોલ ઉમિયા સર્કલ પાસે આવેલા વિરલ જ્વેલર્સના માલિક પ્રકાશ મોદી રવિવારે રાતે દુકાનમાં હતા ત્યારે 4 લુટારુ હાથમાં બંદૂકો સાથે દુકાનમાં ઘૂસી આવી તેમને બંદૂકની અણીએ ડરાવી માર મારીને રોકડા રૂ.2.60 લાખ અને રૂ.3-4 લાખના સોના-ચાંદીના દાગીના લૂંટી લીધા હતા. માલિકે પ્રતિકાર કરતાં લુટારુઓએ બંદૂક અને પાણીના જગ વડે માર માર્યો હતો. અન્ય એક વ્યક્તિ પણ આવતા એક લુટારુ દુકાનની બહાર નીકળી તેની સામે પણ ફાયરિંગ કર્યું હતું. આ અંગે એસીપી એન.એલ.દેસાઈ એ જણાવ્યું હતું કે, લુટારુઓ દુકાનમાંથી રૂ.2.60 લાખ રોકડા અને રૂ.3-4 લાખના દાગીના લઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. તેમ છતાં લૂંટનો ચોક્કસ આંકડો તો વેપારી સ્ટોકની ગણતરી કરીને કહેશે.

અમરેલીમાં પણ લૂંટની ઘટના

અમરેલીના ટાવર રોડ પર આવેલી સોનીની દુકાનમા દિવસે લૂંટની ઘટના બની હતી. એમ.વિઠ્ઠલદાસ જવેલર્સ નામની સોનીની દુકાનમાથી 3.84 લાખના સોનાના દાગીનાઓની લૂંટ થતા ચકચાર મચી જવા પામી છે. સોનાના 6 ચેઇન લઈને લૂંટ કરીને અજાણ્યો શખ્સ ફરાર થઇ ગયો. લૂંટની સમગ્ર ઘટના સીસીટીવીમા કેદ થઇ હતી. 40 થી 45 વર્ષની ઉંમર ધરાવતા અજાણ્યા શખ્સ વિરુદ્ધ અમરેલી સીટી પોલીસમા ફરીયાદ દાખલ થઇ છે. પોલીસ દ્વારા આરોપીને ઝડપી લેવા માટે ટેક્નીકલ સર્વેલન્સ અને સીસીટીવીના આધારે તપાસ ચાલુ કરવામાં આવી.

સુરતમાં પણ લૂંટની ઘટનાથી ચકચાર

સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા પ્રસંગ જ્વેલર્સમાં દિન દહાડે લૂંટારૂઓ ત્રાટક્યા હતા. લૂંટના ઈરાદે ધસી આવેલા 2 અજાણ્યા શખ્સોએ જ્વેલર્સમાં કામ કરતાં કર્મચારી અને માલિક પર હુમલો કર્યો હતો. ચપ્પુના ઘા ઝીંકીને પીઠ સહિતના ભાગે કર્મચારીને ઈજાગ્રસ્ત કરીને લૂંટારુઓ નાસી ગયા હતા. ઈજાગ્રસ્ત કર્મચારીને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. બીજી તરફ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતના કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી છે.

 54 ,  1