September 20, 2021
September 20, 2021

VIDEO : સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું રોદ્ર સ્વરૂપ, 30 ઈંચ વરસાદ

ત્રણ લોકોનાં મોત, ઠેરઠેર તારાજીના દ્રશ્યો

રાજયમાં છેલ્લા ઘણા સમયથી મેઘરાજા હાથ તાળી આપી રહ્યા હતા જળસંકટના પગલે ખેડૂતો સહિત લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. જોકે, ગઈકાલે મેઘરાજાએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું જેમાં ખાસ કરીને રાજકોટ, જામનગર, જૂનાગઢમાં આભ ફાટ્યું હતું જેના પગલે ઠેરઠેર તારાજીના દ્રશ્યો સર્જાયા હતા. ઈંતજાર કરતા સૌરાષ્ટ્રવાસીઓ પર આજે એક દિવસમાં જ મેઘરાજાએ વિજળીના કડાકા-ભડાકા અને તીવ્ર પવન સાથે છપ્પર ફાડકે જળવર્ષા કરીને ધરતીને પાણી પાણી કરી દીધી હતી. 4300 કરતાં વધુ લોકોને સલામત સ્થળે ખસેડાયા અને 43ને એરલિફ્ટ કરાયા હતા.

જામનગર અને રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં સિઝનનો સૌથી વધુ વરસાદ પડ્યો હતો. રાજકોટના લોધિકામાં 18 કલાકમાં 21 ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે જામનગરમાં એક જ ગામમાં 22 ઇંચ વરસાદ પડ્યો હતો.

ભારે વરસાદને કારણે રસ્તાઓ અને ખેતરો બધુ એક સરખું થઇ ગયું છે. એક સ્થળેથી બીજા સ્થળે ન જવા માટે આદેશ કરવામાં આવ્યો છે. તંત્રને ખડે પગે રહેવા માટે આદેશ આપવામાં આવ્યા છે. NDRF, નેવી, આર્મી અને SDRFની ટીમો રેસ્ક્યુની કામગીરીમાં લાગી છે. રાજ્ય સરકારે આગામી દિવસોમાં વરસાદની આગાહીને લઇ કેન્દ્ર સરકાર પાસેથી મદદ માગી છે. કેન્દ્ર સરકાર પાસેથી વધુ 5 NDRFની ટીમની માંગણી કરવામાં આવી છે. પંજાબના ભટિંડા ખાતેથી ત્રણ ટીમ હવાઈમાર્ગે રાજકોટ આવી પહોંચી છે.

રાજકોટ, જામનગર અને જુનાગઢ જિલ્લામાં 4થી 23 ઈંચ સુધી અતિ ભારે ધોધમાર વરસાદ વરસ્યો હતો તો અન્ય જિલ્લાઓમાં પણ 1થી 4 ઈંચ મેઘવર્ષા થઈ છે. સાંજે પણ વરસાદનું જોર યથાવત્ રહ્યું છે. વરસાદના પગલે સૌરાષ્ટ્રમાં ઠેરઠેર માર્ગ વાહન વ્યવહાર બંધ થઈ ગયો હતો, એસ.ટી.-રેલવે વ્યવહાર પણ ખોરવાયો છે.

રાજકોટ અને જામજોધપુર પંથકમાં 3 મોટરકારો તણાતા 3 વ્યક્તિઓના મોત નીપજ્યાનું અને 2 લાપત્તા બન્યાનું જાહેર થયું છે. સેંકડો લોકો પૂરમાં ફસાતા ફાયરબ્રિગેડ, એન.ડી.આર.એફ., એરફોર્સ તથા સ્થાનિક લોકોની મદદથી બચાવ કાર્ય હાથ ધરાયું હતું જે આજે રાત્રિના પણ જારી રહ્યું હતું. ધોધમાર વરસાદથી રાજકોટ, જામનગર, જુનાગઢ શહેર તથા નાના-મોટા ગામો,શહેરોનો પાણી પ્રશ્ન અને સિંચાઈનો પ્રશ્ન પણ હળવો થયો છે.

વરસાદના પગલે રાજકોટ જામનગર, જેતપુર, કાલાવડ રોડ સહિત અનેક મુખ્યમાર્ગો અને ગ્રામ્ય વિસ્તારના માર્ગો પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો. રાજકોટ,ગોંડલમાં 1700 સહિત હજારો લોકોનું સૃથળાંતર કરાયું હતું. જામજોધપુર તાલુકાના સમાણા ગામે કોઝવે પરથી પસાર થતી કાર લઈને ખરીદી માટે જઈ રહેલા દંપત્તિ કાર સાથે પાણીમાં તણાતા મોત નીપજ્યાનું સૂત્રોએ જણાવ્યું છે.

 54 ,  1