સંતરામપુર નગરમાં વર્દીનો રોફ, બેરહેમીથી ડોકટરને ફટકાર્યા ડંડા : વિડીયો વાયરલ

પોલીસકર્મીઓ અર્ધ નગ્ન ડોકટરની પાછળ ડંડો લઇને દોડ્યા, જાહેરમાં માર્યો માર

રાજ્યમાં વધુ એકવાર પોલીસની ગુંડાગર્દી કેમેરામાં કેદ થઇ છે. સંતરામપુર નગરમાં પોલીસના માણસો બેરહેમીથી ડોકટરને ડંડાથી માર મારતાં પોલીસ સ્ટેશન લઇ જતા વિડીયો વાયરલ થયો છે. શહેરના સુરેખા હોસ્પિટલની બાજુ ખાડો કરવામાં આવ્યો હતો તે બાબતે પોલીસ હોસ્પિટલ પહોંચી હતી. આ દરમિયાન વર્દીનો ખોટો રોફ જમાવતા જનતાના રક્ષક ભક્ષક બની ડૉક્ટર પર ડંડા લઇ તૂટી પડ્યા હતા. એટલું જ નહીં અર્ધનગ્ન હાલતમાં તબીબને જાહેરમાં માર મારી ગાડીમાં બેસાડી સ્ટેશને લઇ ગયા હતા.

સંતરામપુર નગરમાં પોલીસ દ્વારા અર્ધ નગ્ન ડોકટરની પાછળ ડંડો લઇને દોડતો વિડિયો વાઇરલ થયો હતો. સુરેખા હોસ્પિટલની બાજુ ખાડો કરવામાં આવ્યો હતો. આ ખાડાને લીધે સંતરામપુરના પીઆઇ અને ટ્રાફિક જમાદાર તથા પોલીસ સ્ટાફ મળીને હોસ્પિટલ પાસે પહોચ્યા હતા.

પોલીસે ટ્રાફિક અવરોધ પડતાં ખાડો પૂરી દેવાનું કહ્યું હતું. ડોકટરે કહ્યું હું બે દિવસમાં કામ કરી દઇશ તેમ કહ્યું હતું, પરંતુ પોલીસે ડોકટરને ચલો ગાડીમાં બેસી જાઓ તમારા નામની એફઆઈઆર થઈ છે. તેમ કહેતાં પોલીસ અને ડોક્ટર વચ્ચે બોલાચાલી થઇ હતી. બનાવને લઇને ટોળેટોળાં ઊમટી પડ્યાં હતાં.

જયારે ઘટનાનો સીસીટીવી ફુટેજનો વિડિયો વાઇરલ થયા હતા, જેમાં પોલીસ ઘરના દરવાજા પર લાતો મારતાં અને ડોકટરને ડંડો મારતાં ડોકટર ભાગતા દેખાયા હતા. પોલીસના દંડાના મારથી ડોકટરને ઇજાઓ થઇ હતી. સોશિયલ મીડિયામાં વિડિયો વાઇરલ થતાં મહીસાગર જિલ્લા ડીવાયએસપી સંતરામપુર પોલીસ સ્ટેશનને દોડી આવ્યા હતા. અને સુરેખા હોસ્પિટલની મુલાકાત લીધી હતી. જયારે સમગ્ર ઘટનાની હજુ સધી કોઇ પોલીસ ફરીયાદ નોધાઇ ન હતી. ડોકટરે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી.

જોકે આ અંગેનો વિડીયો વાયરલ થતા મીડિયા દ્વારા PSIનો  સંપર્ક કર્યો હતો. જેમાં સમાધાન થઈ ગયું હોવાનું રટણ કર્યું હતું.  PSI એ. ટી. પટેલે જણાવ્યું કે, સંતરામપુર સુરેખા હોસ્પિટલ પાસે માટીના ઢગલા પર મુકેલા હતા ખસેડવા માટેની વાત કરેલી પરંતુ બોલા ચાલી થઈ હતી અને સમાધાન કર્યું હતું.

બે દિવસ પહેલા અમરેલી અને અમદાવાદમાં પોલીસની દાદાગીરી સામે આવી હતી. અમરેલી જિલ્લાના બાબરામાં ભરાતી બુધવારી બજારમાં મહિલા PSIને મહિલાઓ પર લાઠીચાર્જ કરવો ભારે પડ્યો છે. ઉચ્ચ અધિકારીઓ આ અંગે ગંભીરતાથી લઇ મહિલા પીએસઆઇ દીપીકા ચૌધરીને સસ્પેન્ડ કરવામાં આવી છે. બાબરાના ધારાસભ્ય વીરજી ઠુંમરે પણ આ ઘટનાને વખોડી કાઢી હતી. અને તાત્કાલિક પગલાં ભરવા માંગ કરી હતી.

અમદાવાદમાં એક એવો જ વીડિયો વાયરલ થયો છે, જેમાં એક યુવકને પોલીસ માસ્કના દંડને લઈ ગાડીમાં બેસાડે છે અને તેની સાથે રહેલી યુવતી એ બાબતે રકઝક કરે છે, ત્યારે પોલીસકર્મી યુવતીને બે લાફા મારી દે છે. એક મહિલા પર પોલીસકર્મી હાથ ઉપાડી શકતો નથી છતાં પણ તે યુવતીને લાફા મારે છે. વિડિયો વાતો તે ચારે તરફ લોકો ફિટકાર વરસાવી રહ્યા છે.

પોલીસ સ્ટેશનના કર્મચારીઓનું આ રીતે વર્તન કેટલું યોગ્ય છે? પોલીસ કાર્યવાહીના નામે લોકો સાથે ગુંડાગીરી અને દાદાગીરી કરવા લાગી છે. કાયદાના દુરુપયોગ કરી પ્રજા પર ખોટો રોફ જમાવે તે કેટલું અયોગ્ય છે. આવા ગુંડાગીરી કરતા પોલીસકર્મીના કારણે ખાતાની છાપ નહી ખરડાય?

 41 ,  1