RTE હેઠળ પ્રવેશ પ્રક્રિયાની ડામાડોળ પરીસ્થિતિ

સરકાર દ્વારા મધ્યમ વર્ગીય બાળકો ભણી શકે તે હેતુસર રાઈટ ટુ એજ્યુકેશન એકટ લાવવામાં આવ્યું છે જેનાથી આ પ્રકારના વિદ્યાર્થીઓને લાભો મળી શકે. અમદાવાદ શહેર સહિત રાજયભરમાં રાઇટ ટુ એજયુકેશન એક્ટ (RTE) હેઠળ ચાલુ વર્ષ 2019-20 માટે ધોરણ-1માં પ્રવેશની કામગીરીનાં આ વર્ષે માર્ચ મહિનો પૂરો થવા આવ્યો હોવા છતાં કોઈ ઠેકાણાં નથી, જેને લઇ ખાસ કરીને ગરીબ અને નબળા વર્ગના વાલીઓમાં ચિંતા વ્યાપી ગઇ છે.

ઉલ્લેખનીય છે કે દર વર્ષે ગુજરાત હાઇકોર્ટ દ્વારા રાજય સરકાર સહિત શિક્ષણ અધિકારીઓને ઉદ્દેશીને RTE હેઠળના પ્રવેશ માટે કરાતા મહત્વના આદેશો છતાં સરકારી તંત્ર દ્વારા પ્રવેશ કાર્યવાહીને લઇ કોઇ ગંભીરતા દાખવાઇ હોય તેવું જણાતું નથી.

ગત વર્ષની RTE હેઠળની પ્રવેશ કાર્યવાહીની વાત કરીએ તો તા. ૧૬ ફેબ્રુઆરીથી શરૂ કરાઈ હતી, જયારે આ વર્ષે માર્ચ વીતવા આવ્યો છતાં હજુ સુધી RTE પ્રવેશ પ્રક્રિયાના ઠેકાણાં પડયા નથી.

એક તરફ રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત વિદ્યાર્થીઓને મોડાં એડમિશન આપવામાં આવે તો વિદ્યાર્થીઓને એક સત્રનું ભણતર ગુમાવવું પડે અને પાયો કાચો રહી જાય તેવું કહી પ્રવેશ અપાતો નથી તો બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા RTE અંતર્ગત જૂનથી તમામ બાળકોને સમયસર પ્રવેશ મળી જાય એવું આયોજન ઘડાતું નથી.

ત્યારે આ બે વચ્ચે આરટીઇમાં પ્રવેશ લાયક વિદ્યાર્થીઓની હાલત સેન્ડવિચ થાય છે. ગત વર્ષે જ રાજ્યમાં 33,883 વિદ્યાર્થીઓ ધો.1માં પ્રવેશથી વંચિત રહી ગયા હતા.

જ્યારે રાજ્યની શાળાઓમાં 33838 બેઠકો ખાલી રહી હતી. ઉલ્લેખનીય છે કે લઘુમતી શાળાઓ આરટીઈ પ્રવેશ મુદ્દે કોર્ટમાં ગઈ છે. સાથે સાથે બાળકોને શાળામાં પ્રવેશ માટે પાંચ વર્ષ અને છ વર્ષની મર્યાદા અંગેનો કેસ પણ કોર્ટમાં છે.

આ વર્ષે માર્ચ માસનો મધ્ય ભાગ વીતી ગયો છે, છતાં રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત ધો.૧માં પ્રવેશની પ્રક્રિયાનો આરંભ પણ થયો નથી. ગત વર્ષે ફેબ્રુઆરીના આરંભમાં આરટીઇ અંતર્ગત પ્રવેશ પ્રક્રિયા શરૂ થયેલી પણ બાદમાં છ માસ વીત્યા છતાં પૂર્ણ થઇ ન હતી.

આ વર્ષે તો જૂન-2019થી શરૂ થનારા સત્રમાં સમયસર પ્રવેશ મળે તેવી આશા લાગતી નથી. આ અંગે પ્રાથમિક શિક્ષણ નિયામક એમ.આઈ. જોશીએ જણાવ્યું હતું કે, હાલમાં પોર્ટલ ચેક કરવાની કામગીરી ચાલી રહી છે. RTE પ્રવેશ અંગે જાહેરાત કરવામાં આવશે. ગત વર્ષે પ્રવેશના ત્રણ-ત્રણ રાઉન્ડ યોજ્યા છતાં ગુજરાતમાં 33,883 વિદ્યાર્થીઓ ધો.1માં પ્રવેશથી વંચિત રહી ગયા હતા.

અમદાવાદ શહેર સહિત રાજયભરની પ્રાથમિક શાળાઓમાં સમાજના ગરીબ અને નબળા વર્ગનાં બાળકો માટે 25 ટકા અનામત બેઠકો પર ઓનલાઇન પ્રવેશ આપવાની પ્રક્રિયાનો પ્રારંભ સામાન્ય રીતે ફેબ્રુઆરીથી થઈ જાય છે. ગત વર્ષે અમદાવાદ શહેરમાં 19 હજાર જેટલાં બાળકોને RTE એકટ હેઠળ પ્રવેશ આપવાનો ટાર્ગેટ રખાયો હતો.

 37 ,  3 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર