લોકડાઉન મામલે સાંજે રૂપાણી સરકારનો ફેંસલો…

મીની લોકડાઉનની મુદત વધશે કે પછી..?

વરક્તમાન મહામારીમાં રાજ્યમાં હાલ ચાલી રહેલા મિની લોકડાઉનનો આવતીકાલે અંતિમ દિવસ છે. તેવામાં આ લોકડાઉન હજુ કેટલું ચાલશે અથવા રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉન આવશે કે કેમ તે અંગે આજે સાંજે નિર્ણય લેવાઈ શકે છે.

આજે જુનાગઢની સ્થિતિની સમીક્ષા કરવા આવેલા સીએમ વિજય રૂપાણીએ પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે આજે મળનારી કોર ગ્રુપની મિટિંગમાં જિલ્લાવાર સ્થિતિની સમીક્ષા કરીને આ અંગેનો નિર્ણય લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, હાલ રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે.

હાલ રાજ્યના 29 શહેરોમાં રાત્રે 8થી સવારે છ વાગ્યા સુધી કરફ્યૂનો અમલ કરાઈ રહ્યો છે. આ ઉપરાંત, આ શહેરોમાં તો જીવનજરુરિયાતની ચીજવસ્તુઓને બાદ કરતાં લગભગ તમામ દુકાનો અને બજારો પણ બંધ કરાવી દેવામાં આવ્યા છે. કરફ્યૂ સિવાય લોકોના ઘરની બહાર નીકળવા પર કોઈ નિયંત્રણ નથી, પરંતુ બજારોમાં ભીડભાડ ના દેખાય અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય તે માટે પોલીસ દ્વારા તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ સિવાય, રાજ્યના બીજા પણ નાના-નાના શહેરોમાં હાલ સ્વયંભૂ બંધ પાળવામાં આવી રહ્યો છે.

સુપ્રીમ કોર્ટે તાજેતરમાં જ કેન્દ્ર સરકારને લોકડાઉન અંગે વિચારવા માટે સલાહ આપી હતી. આજે વધુ એક રાજ્ય બિહારે પણ સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી દીધી છે. મહારાષ્ટ્ર, કર્ણાટક અને દિલ્હીમાં પહેલાથી જ લોકડાઉન ચાલી રહ્યું છે. ગુજરાતમાં સત્તાવાર રીતે ભલે લોકડાઉન ના હોય, પરંતુ સ્વયંભૂ બંધના નામે વેપારીઓને ધંધા-રોજગાર બંધ રાખવા માટે જણાવાઈ રહ્યું છે. રાજ્યના 29 શહેરોમાં મોલ્સ, પાનના ગલ્લા, હેરકટિંગ સલૂનો પણ બંધ કરાવી દેવામાં આવ્યા છે. આમ, એક રીતે ગુજરાતમાં પણ લોકડાઉન જેવી જ સ્થિતિ પ્રવર્તી રહી છે.

 40 ,  1