સાબરમતી ડબલ મર્ડર કેસના આરોપીઓની સુરતમાંથી ધરપકડ

છેલ્લા 12 વર્ષથી ફરાર ક્રાઇમ બ્રાન્ચે બે હત્યારાઓને દબોચી લીધા

સાબરમતી વિસ્તારમાં વર્ષ 2009માં થયેલા ડબલમર્ડરના ગુનામાં છેલ્લા 12 વર્ષથી ફરાર આરોપીઓને અમદાવાદા ક્રાઇમ બ્રાન્ચે સુરતથી ધરપકડ કરી છે. ધંધાની હેરાફેરીમાં બે સગા ભાઇઓની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. જેમાં 15 લોકોની સંડોવણી સામે આવી હતી. જ્યારે ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે ક્રાઇમ બ્રાન્ચે વધુ બે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

વર્ષ 2009માં સાબરમતી વિસ્તારમાં ધંધાકીય હરીફાઈની અદાવતમાં બે વ્યક્તિઓની ઉપર હુમલો કરવામાં આવ્યો અને આ બંને સગાભાઇઓના મોત નિપજતા સાબરમતી પોલીસે ગુનો નોંધી ત્રણ આરોપીઓની ધરપકડ પણ કરી હતી. જોકે 12 વર્ષ બાદ પણ હત્યા કેસમાં કેટલાક આરોપીઓ ફરાર હતા. જેને શોધવા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરતા સુરત વિસ્તારમાંથી બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

આરોપી બબલુ કુશવાહ અને સુંદર સિંઘ કુશવાહની પોલીસે પૂછપરછ કરતા સામે આવ્યું કે સામાન્ય તકરારમાં બન્ને ભાઈઓની હત્યા કરવામાં આવી હતી. બનાવ અંગે વાત કરીએ તો આરોપી ભૂરા સિંહ કુશવાહ અને તેના ભાઈ સહિત ભત્રીજો અમદાવાદ એરપોર્ટ પર ઉભા રહીને ચણાચોર ગરમનો વેચવાનો વ્યવસાય કરતા હતા.

આ દરમિયાન તેમના જ ગામના 4 અન્ય લોકો એરપોર્ટ પર આવી ચણાચોર ગરમ વેચવા લાગ્યા હતા. જેથી ધંધાકીય હરિફાઈને કારણે ઝઘડા થવા લાગ્યા અને અવારનવાર મારામારી પણ થતી હોવાથી અદાવત રાખી હુમલો કરવા માટે પ્લાનિંગ કર્યું હતું. જેમાં 22 નવેમ્બર 2009ના રોજ રામ અવતાર પ્રજાપતિ અને તેના ચાર સાળાઓ એરપોર્ટથી ઓટો રીક્ષામાં બેસી સાબરમતી જતા હતા. 

તે દરમિયાન પ્રબોધ રાવળ બ્રિજના છેડા પર  2 રીક્ષાઓ આવી ફરિયાદી અને મરણ જનાર મુકેશ પ્રજાપતિ અને શ્રીકાંત પ્રજાપતિ પર ફાયરિંગ કરી જીવલેણ હુમલો કર્યો હતો. જોકે સારવાર દરમ્યાન શ્રીકાંત તને મુકેશ પ્રજાપતિનું મોત નીપજ્યું હતું. આ કેસમાં પોલીસે તપાસ કરતા 15 જેટલા શખ્સોની સંડોવણી બહાર આવતાં ત્રણ આરોપીઓની અગાઉ ધરપકડ કરી ચૂકી હતી. જ્યારે હજુ પણ અન્ય આરોપીઓ આ કેસમાં પોલીસ ચોપડે ફરાર છે.

 21 ,  1