Saudi Aramco રિલાયન્સ ન્યૂ એનર્જી સોલારમાં કરી શકે છે રોકાણ : રિપોર્ટ

અરામ્કો અને રિલાયન્સ વચ્ચે રોકાણ માટે ફરી વાટાઘાટો શરૂ

ભારતની સૌથી મોટી કંપનીની વિશ્વની સૌથી મોટી ઓઈલ ઉત્પાદક કંપની સાથે ગત મહિને છેલ્લા બે વર્ષથી ચાલી રહેલ લાંબી ઓ ટૂ સી(ઓઈલ ટુ કેમિકલ) ડીલ અંતે રદ્દ થતા રિલાયન્સને ફટકો પડવાની આશંકા સેવાઈ રહી હતી. જોકે રિલાયન્સે જ અગાઉથી કાર્બન ઉત્સર્જનની સમસ્યા અને નવી પેઢીની ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાને રાખીને સોલાર એનર્જી તરફ મીટ માંડી હતી.

આ સેગમેન્ટમાં મસમોટું રોકાણ કરવાની ગત મહિનાની રિલાયન્સ ચેરમેન મુકેશ અંબાણીની મેગા જાહેરાત બાદ સંભવિત હતું કે અંબાણી વિશ્વકક્ષાના ટોચના રોકાણકારોને ભારતના આ સેગમેન્ટમાં ઝંપલાવવા પ્રેરિત કરશે. સંભવિત હતુ તે અનુસાર જ હવે પેટ્રોકેમિકલ કારોબારનો સોદો કરનાર સાઉદી અરામ્કો જ રિલાયન્સના આ નવા વિઝનમાં તેની સાથે આવવા તૈયાર છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર સાઉદી અરામ્કો મુકેશ અંબાણીની રિલાયન્સ ન્યૂ એનર્જી સોલરમાં રોકાણની શોધમાં છે. સાઉદી અરામ્કો અને અન્ય રોકાણકારોએ રિલાયન્સ ક્લીન એનર્જીમાં રોકાણ માટે રસ દાખવ્યો છે. સામે પક્ષે રિલાયન્સ પણ તેના રિન્યુએબલ એનર્જી બિઝનેસમાં વિદેશી રોકાણ આકર્ષવાની યોજના ધરાવે છે.

ઓક્ટોબરમાં રિલાયન્સ ન્યૂ એનર્જી સોલર લિમિટેડે આરઈસી સોલરને 77.1 કરોડ ડોલરમાં હસ્તગત કરી હતી.

જોકે અરામ્કોના રોકાણના અહેવાલ પર રિલાયન્સે જવાબ આપવાનું ટાળ્યું છે અને અરામ્કોએ એક નિવેદનમાં કહ્યું છે કે રિલાયન્સ અને અરામ્કો વચ્ચે ઘણા લાંબા અને સ્થાયી સંબંધ છે. સાઉદી જાયન્ટ કંપની ભારતમાં રોકાણની તકો શોધવાનું ચાલુ રાખશે. ભારતમાં લાંબાગાળે વિકાસની વિશાળ સંભાવના છે અને અરામ્કો ભારતમાં તેના ભાગીદારો સાથે મળીને આ તકોનો લાભ ઉઠાવવાનો પ્રયાસ કરશે. જો આ મોરચે કોઈ પ્રગતિ થશે તો યોગ્ય સમયે માહિતી આપવામાં આવશે.

 37 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી