હજુ રાજ્યમાં ગાત્રો થીજવી દેતી ઠંડી પડવાની શક્યતા-હવામાન વિભાગ
4 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર
જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં છેલ્લા ઘણા દિવસથી થઇ રહેલી હિમવર્ષાને કારણે સમગ્ર ઉત્તર ભારતમાં હાડ થીજવી દે તેવી ઠંડી પડી રહી છે. ત્યારે ત્યાંની જ ઠંડીની અસરને કારણે ગુજરાતના વિવિધ શહેરોના તાપમાનમાં ૨૪ કલાકમાં જ એકથી લઇ ત્રણ ડિગ્રી સુધીનો નોંધપાત્ર ઘટાડો થતાં સમગ્ર રાજ્યમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. ગઇકાલની સરખામણીએ આજે અમદાવાદનું તાપમાન સામાન્ય ઘટી 9.9 પર પહોંચી જતા લોકોએ ગાત્રો થિજવી દેતી ઠંડીનો અહેસાસ લોકોએ કર્યો હતો. બીજી તરફ હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, આગામી એક રાત્રિ દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છનાં વિવિધ વિસ્તારોમાં ઠંડા પવન યથાવત્ રહેશે, જેને પગલે ઠંડીનું જોર વધવાની સંભાવના છે.
રાજ્યમાં ઠંડી વચ્ચે ગુરુવારે 12થી 14 કિ.મી.ની ઝડપે ફૂંકાયેલા ઠંડા પવનને પગલે રાજ્યનાં મોટાભાગના શહેરોનું લઘુત્તમ તાપમાન 10 થી 12 ડિગ્રીની વચ્ચે નોંધાતા લોકોએ કાતિલ ઠંડીનો અનુભવ કર્યો હતો. ઠંડીના બીજા તબક્કાની શરૂઆત સાથે જ નલિયા વધુ એક વખત 4 ડિગ્રી સાથે રાજ્યમાં સૌથી ઠંડું શહેર બન્યુ હતુ. ખાસ કરીને રાજ્યનાં ડીસા, પોરબંદર, રાજકોટ, મુહવા, અમદાવાદ, ગાંધીનગર અને વલસાડમાં લઘુત્તમ તાપમાન 10 થી 14 ડિગ્રીની વચ્ચે નોંધાયું હતું. આજે વહેલી સવારે પણ રાજ્યનાં વિવિધ શહેરોમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું હતું. જેના કારણે લોકોએ વહેલી સવારે કામ વગર ઘરમાંથી નિકળવાનુ ટાળ્યુ હતુ. બીજી તરફ ગાત્રો થિજવી દેતી ઠંડીને કારણે રોડ પર કામ કરતા અને રહેતા લોકોની હાલત કફોડી બનાવી દીધી હતી.
ત્યારે હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, ઉત્તર દિશા તરફથી સુકા અને બર્ફિલા પવન ફુંકાઇ રહ્યા છે જેના કારણે રાજ્યમાં ઠંડી પડી રહી છે. આ ઠંડી આગામી ૨૪ કલાક દરમિયાન યથાવત્ રહેશે અને કેટલાક ભાગોમાં તાપમાનનો પારો 4 ડિગ્રીની નીચે જાય તેવી પણ શક્યતા છે.
વિવિધ શહેરના લઘુતમ તાપમાન
- અમદાવાદ 9.9
- ડીસા 8.8
- વડોદરા 11.4
- સુરત 12.6
- રાજકોટ 9.6
- કેશોદ 8
- ભાવનગર 11.7
- પોરબંદર 10.5
- દ્વારકા 14
- નલિયા 4
- ભૂજ 10.7
- સુરેન્દ્રનગર 12
- કંડલા 8.8
- અમરેલી 11.8
- ગાંધીનગર 8.2
- મહુવા 11.1
- વલસાડ 10
- વીવીનગર 10.2
12 , 1