ગાંધીનગર : પોલીસને જોઇ શખ્સ બારીમાંથી કૂદીને ભાગ્યો, સામાનની તપાસ કરતા મળ્યા હથિયાર

 લક્ઝરી બસમાંથી દેશી તમંચો અને પાંચ જીવતા કારતૂસ ઝડપાયા

ગાંધીનગરના ચીલોડા – હિંમતનગર હાઇવેના ચંદ્રાલા આગમન હોટલ આગળ લકઝરી બસની તપાસ દરમિયાન એક શખ્સ બારીમાંથી કુદને ફરાર થઇ ગયો હતો. ફરાર આરોપીનો સામાન ચેક કરતા એક દેશી તમંચો, પાંચ જીવતા કારતૂસ તેમજ મોબાઈલ ફોન, આધાર કાર્ડ સહિતના કાગળો પણ મળી આવ્યા હતા. જેનાં પગલે પોલીસે ઉત્તરપ્રદેશનાં રીંકુ યાદવ નામના મુસાફર વિરુદ્ધ આર્મ્સ એકટ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વિગત મુજબ, દારૂની હેરાફેરીને અટકાવવા પોલીસ ગત મોડી સાંજે ગાંધીનગરના ચીલોડા હિંમતનગર હાઇવે પર વાહનો ચેંકિગ કરતી હતી. તે દરમિયાન ચંદ્રાલા આગમન હોટલ સામેનાં રોડ પર હિંમતનગર તરફથી આવતી મારુતિ કૃપા ટ્રાવેલ્સની લકઝરી બસને રોકી દેવાઈ હતી. બાદમાં પોલીસે બસમાં સવાર મુસાફરોની તપાસ શરૂ કરી હતી. તે દરમિયાન પોલીસને જોઈને સીટ નંબર 17 – 18 ની બારીમાંથી એક મુસાફર કૂદીને બહાર નીકળી દોડવા લાગ્યો હતો. જેનાં પગલે પોલીસ ટીમ પણ લકઝરીમાંથી નીચે ઉતરીને મુસાફરની પાછળ દોડવા લાગી હતી. પરંતુ અંધારાનો લાભ ઉઠાવી મુસાફર પોલીસને હાથ તાળી આપીને નાસી જવામાં આબાદ રીતે સફળ રહ્યો હતો.

પોલીસે તેના સામાનની તલાશી લેતાં તેમાંથી એક દેશી બનાવટનો તમંચો તેમજ પાંચ જીવતા કારતૂસ અને આધાર કાર્ડ સહિતના કાગળો મળી આવ્યા હતા. જેનાં પરથી મુસાફરનું નામ રીંકુ બ્રિજ રાજસિંઘ યાદવ (રહે. ખિતોર, જી. ઈંટાવા, ઉત્તરપ્રદેશ) હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું.

આ અંગે પોલીસે લકઝરી બસના ડ્રાઇવર અને કલીનરની પૂછતાંછ દરમ્યાન ઉક્ત મુસાફર ફઝલગંજ ચોરાયા કાનપુર ઉત્તર પ્રદેશથી બેઠેલો તેમજ અમદાવાદના મેમકો ઉતારવાનો હોવાની હકીકત પણ જાણવા મળી હતી. જેનાં પગલે પોલીસે રીંકુ યાદવ વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

 40 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી