September 18, 2021
September 18, 2021

સિન્ધુ-ચાનુની સફળતા જોઇને દિકરીઓને અવતરવા દેજો..!

ટોક્યો ઓલિમ્પિકમાં ભારતની દિકરીઓએ રંગ રાખ્યો..

દિકરીઓની ભ્રૂણ હત્યાની માનસિકતા બદલાય તો સારૂ..

લાલ કિલ્લા ખાતે ખાસ હાજર રહેશે ઓલિમ્પિક ટીમ..

2024ની ઓલિમ્પિકમાં મોકલીએ વધુમાં વધુ દિકરીઓને..

પીવી સિન્ધુ સાથે વડાપ્રધાન આઇસક્રીમ પણ આરોગશે..

(ખાસ અહેવાલ-દિનેશ રાજપૂત)

દિલ્હીમાં 12 મે, 1638માં લાલ કિલ્લો બંધાયો ત્યારે તેને બનાવનાર મોગલ રાજા શાહજહાંને એવી કલ્પના પણ નહીં હોય કે આવનારા સમયમા આ જ કિલ્લા પર ભારતની ઓલિમ્પિક વિજેતા ટીમ પણ ખાસ મહેમાન તરીકે બિરાજમાન હશે. શાહજહાંએ તો પોતાના એશો-આરામ માટે રહેઠાણ તરીકે લાલ કિલ્લાનું નિર્માણ કરાયુ હતું. જો કે ત્યારબાદ 15 ઓગસ્ટ 1947ના રોજ આઝાદ ભારતનો પહેલો તિરંગો આઝાદીના પ્રતિક તરીકે લાલ કિલ્લા પર જ પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરૂ દ્વારા ફરકાવવામાં આવ્યો હતો.

લાલ કિલ્લો ભારતની આઝાદીનું એક આઇકોનિક પ્રતિક અને સ્થળ પણ છે. તેના શિખરે તિરંગા સિવાય બીજુ કાંઇ ફરકી શકે નહીં. તેમ છતાં 26 જાન્યુઆરી 2021ના રોજ કિસાન આંદોલન વખતે શીખ ધર્મના પ્રતિક સમાન નિશાનસાહેબ ધ્વજ લાલ કિલ્લા પર ફરકાવવામાં આવ્યો ત્યારે ભારે ધમાસાણ મચ્યું હતું.

હવે લાલ કિલ્લા પર આ 15 ઓગસ્ટે આનંદ, ઉલ્લાસ, રોમાંચ અને ભારત ગૌરવ લઇ શકે એવું ઓલિમ્પિક ધમાસાણ મચવા જઇ રહ્યું છે…યસ, આ 15 ઓગસ્ટે લાલ કિલ્લા પર વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તિરંગો લહેરાવી રહ્યાં હશે ત્યારે તેમની સામે ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેનાર આખી ટીમના રમતવીરો ખાસ મહેમાન તરીકે ગૌરવમય વાતાવરણમાં ઉમેરો કરી રહ્યાં હશે. જેમાં વેઇટ લિફટીંગમાં રજત ચંદ્રક જીતનાર સાઇકોમ મીરાબાઇ ચાનુ હાજર હશે તો બે ઓલિમ્પિક ચંદ્રક જીતનાર ભારતની પ્રથમ રમતવીર પીવી સિન્ધુ પણ તિરંગાને સલામી આપી રહી હશે. બોક્સર મેરીકોમ પણ હાજર હશે. મહિલા હોકી અને પુરૂષ હોકીની ટીમ પણ હાજર હશે.

એવુ પહેલીવાર બની રહ્યું છે કે જ્યારે દેશની આઝાદીના મહોત્સવમાં ઓલિમ્પિક ટીમ ખાસ આમંત્રિત તરીકે હાજર રહેશે. અને તે શક્ય બન્યુ છે વડાપ્રધાન મોદીને કારણે. તેમણે 15 ઓગસ્ટે લાલ કિલ્લા પર ઉપસ્થિત રહેવા ટોક્યો ઓલિમ્પિક-2020 (ભલે આ રમતોત્સવ 2021માં યોજાયા પણ તે 2020 તરીકે જ ઓળખાય છે)માં ભાગ લેનાર તમામને નિમંત્રિત કર્યા છે. આ રમતવીરોને કેટલુ સરસ લાગશે કે જ્યારે ખુદ વડાપ્રધાન તેમને વ્યક્તિગત મળશે, વિજેતાને અભિનંદન આપશે, ચંદ્રક નહીં જીતનારાને પ્રોત્સાહન આપશે અને વચન મુજબ બેટમિન્ટન સ્ટાર પીવી સિન્ધુ સાથે આઇસક્રીમ પણ આરોગશે..લાલ કિલ્લા ખાતે સ્વાતંત્ર્ય દિની ઉજવણીમાં રાજકારણીઓ કરતાં ઓલિમ્પિકમાં ભાગ લેનાર ટીમના રમતવીરો આન બાન અને શાનથી ઓલિમ્પિક ચંદ્રક સાથે સીના તાન કે બેઠા હોય અને તેમના પર કેમેરો ફરતો હોય અને સમગ્ર ભારત જુએ તો શક્ય છે કે તેમાંથી કોઇ ઉત્સાહી ભાવિ રમતવીર પ્રેરણા લે અને તે પણ આગામી ઓલિમ્પિકની તૈયારીઓ શરૂ કરી દે..!

ટોક્યો ઓલિમ્પિકમાં ભારતની ટીમમાં મહિલા ખેલાડીઓએ તરખાટ મચાવ્યો છે અને તેમનું માન સન્માન જોઇને કદાજ કોઇ એમ વિચારે કે, ના ભલે દિકરી અવતરે પણ હું તેને જન્મ આપીશ… તેને પણ રમતવીર બનાવીશ.. એમ જો નક્કી કરે તો દિકરીઓને ગર્ભમાં જ મારી નાંખવાના પાપ બંધ થશે. ગુજરાતમાં રાજકિય રીતે વગદાર એક જ્ઞાતિમાં દિકરીને દૂધ પીતી કરવાની કૂપ્રથા હતી. દિકરીઓ જોઇએ જ નહીં…એવી માનસિકતા ધરાવનાર આ જ્ઞાતિમાં પુરૂષો ભૂલી ગયા કે તેઓ પણ કોઇ મહિલાના પેટે જ જન્મ્યા છે…! સમય જતાં સમાજમાં લગ્ન માટે છોકરીઓનો દુકાળ પડ્યો એટલે બીજી જ્ઞાતિની છોકરીઓની સાથે પોતાના સંતાનોને પરણાવવા પડી રહ્યાં છે. આવી કૂપ્રથાને રોકવા માટે જ બેટી બચાવો અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. જે હજુ પણ ચાલી રહ્યું છે.

માત્ર ગુજરાતમાં જ નહીં પણ ભારતમાં ઘણાં રાજ્યોમાં ઘણી જ્ઞતિઓ અને સમાજમાં આવી કૂપ્રથા છે.કુદરતના નિયમમાં દખલ આપવાનો કોઇને અધિકાર નથી. અને હવે તો હમ દો હમારે દો..ના યુગમાં બે દિકરા અવતર્યા એટલે ત્રીજી દિકરી આવવાની હોય તો સ્ટોપ….! એક દિકરી એક દિકરો હોય તો ભયો ભયો અને બે દિકરીઓ હોય કે દિકરા ન થતાં હોય ત્યારે પતિમહાશયો અને સાસરિયા સ્ત્રીનો દોષ કાઢતા હોય છે. એમાં સ્ત્રીનો કોઇ વાંક ખરો…? ટોક્યો ઓલિમ્પિક જીતનાર પીવી સિન્ધુ, મીરાબાઇ ચાનુ અને મેરીકોમના માતાપિતાએ દિકરી ના જોઇએ…એવુ જડ વલણ અપનાવ્યું હોત તો…?

આગામી ઓલિમ્પિક સમર ગેમ્સ 2024માં ફ્રાન્સની રાજધાની પેરિસ યોજાય ત્યારે તેમાં ભારતમાંથી મોટી સંખ્યામાં દિકરીઓ ભાગ લે તેવા પ્રયાસો અત્યારથી જ ભારત સરકારે શરૂ કરી દેવા જોઇએ..15 ઓગસ્ટ 2021ના રોજ આઝાદીના 74મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણીમાં લાલ કિલ્લા ખાતેના કાર્યક્રમમાં ખાસ આમંત્રિત રહેવા બદલ ઓલિમ્પિક ટીમને બધાઇ હો…ભારત કી આન બાન ઔર શાન…. હમે તુમ પર નાઝ હૈ…!

 33 ,  1