ડાંગના ચુનંદા યુવક-યુવતિઓ વાંસદા ખાતે લઈ રહ્યા છે શિસ્તબદ્ધ તાલીમ

તૈયાર કરવાનુ બીડુ આદિજાતિ વિકાસ વિભાગ હસ્તકની ડાંગ પ્રાયોજના કચેરીએ ઝડપ્યુ

સો ટકા આદિવાસી વસ્તીનુ પ્રભુત્વ ધરાવતા ડાંગ જિલ્લાના યુવક-યુવતિઓને શારીરિક, અને માનસિક તાલીમથી સુસજ્જ કરી, વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયાર કરવાનુ બીડુ આદિજાતિ વિકાસ વિભાગ હસ્તકની ડાંગ પ્રાયોજના કચેરીએ ઝડપ્યુ છે.

ડાંગના પ્રાયોજના વહીવટદાર કે.જે.ભગોરાએ એક મુલાકાતમા જણાવ્યા અનુસાર, ડાંગ જિલ્લાના ત્રણેય તાલુકાઓ આહવા, વઘઈ, અને સુબીરના ૫૦ યુવકો, અને ૫૦ યુવતિઓ મળી કુલ ૧૦૦ જેટલા ચુનંદા યુવક/યુવતિઓને શિસ્તબદ્ધ તાલીમથી સજ્જ કરીને, ભવિષ્યની પોલીસ, આર્મી, ફોરેસ્ટજેવી વિવિધ ફોર્સ માટે તૈયાર કરવામા આવી રહ્યા છે.

પૂર્વ આર્મી ઓફિસરના માર્ગદર્શન હેઠળ કુશળ ઇન્સટ્રકટરો દ્વારા ડાંગના આ યુવક-યુવતિઓને વાંસદા સ્થિત‘કુકણા સમાજની વાડી’ખાતે સઘન તાલીમ આપવામા આવી રહી છે. ભોજન, અને નિવાસ સાથેની દોઢ માસની આ તાલીમ દરમિયાન ડાંગના આ યુવક/યુવતિઓને વિનામૂલ્યે નિવાસ, ભોજન ઉપરાંત યુનિફોર્મ, પુસ્તકો વિગેરે પણ પુરા પાડવામા આવ્યા છે.

રાજ્યમા આગામી ટૂંક સમયમા જ અંદાજીત ૨૮ હજાર જેટલી પોલીસ વિભાગની વિવિધ સંવર્ગની ભરતી ઉપરાંત ફોરેસ્ટ ફોર્સ, અને આર્મીની ભરતીમા પણ આ યુવક-યુવતિઓ સરળતાથી ભાગ લઈ શકે, તે રીતે તેમણે સોનગઢના સયાજીરાવ ગાયકવાડ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા નિષ્ણાત ઇન્સટ્રકટરોની મદદથી તાલીમબદ્ધ કરવામા આવી રહ્યા છે તેમ ભગોરાએ વધુમા જણાવ્યુ હતુ.

તાલીમ સાથે આ આદિજાતિના યુવક-યુવતિઓને નવી સમજણ, અને નવી દ્રષ્ટી આપી, તેમને જીવનના ચઢાવ ઉતારમા સમદ્રષ્ટી રાખી, પોતાનુ નૈતિક મનોબળ ટકાવી રાખવાના પાઠ પણ ભણાવવામા આવી રહ્યા છે, તેમ જણાવતા પ્રાયોજના વહીવટદાર કે.જે.ભગોરાએ જીવનમા કારકિર્દી ઘડતરની સાથે આ યુવક/યુવતિઓને આદર્શ નાગરિક બનવાની તાલીમ પણ અહીંથી મળી રહી છે, તેમ સહર્ષ જણાવ્યુ હતુ. આગામી દિવસોમા આ તાલીમાર્થી યુવક/યુવતીઓ કારકિર્દીના ક્ષેત્રમા ઉત્કૃષ્ઠ દેખાવ કરવા સાથે, આદર્શ નાગરિક બનીને સમાજને પ્રેરણા આપશે, તેવો આશાવાદ પણ પ્રાયોજના વહીવટદારએ વ્યક્ત કર્યો છે.

રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ વિભાગ હસ્તકની ડાંગ જિલ્લા પ્રાયોજના વહીવટદારની કચેરી દ્વારા છેલ્લા પાંચ વર્ષોમા વિવિધ રોજગારલક્ષી તાલીમી યોજનાઓ, અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ લક્ષી તાલીમ વર્ગો માટે કુલ રૂ.૪૫૬.૮૪ લાખના ખર્ચે ૪૯૬૮ લાભાર્થીઓને લાભાન્વિત કરાયા છે.

 14 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી