ભાજપના વરિષ્ઠ નેતા દિલીપ સંઘાણી બન્યા IFFCOના ચેરમેન

રાજ્ય અને કેન્દ્ર સરકારની ગુડ બુકમાં સામેલ છે દિલીપ સંઘાણી

ઈન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કો-ઓપરેટિવ લિમિટેડ (IFFCO)ને લઇને મોટા સમાચાર સામે આવ્યાં છે. IFFCOના ચેરમેન તરીકે ભાજપના નેતા દિલીપ સંઘાણીની વરણી કરવામાં આવી છે. મહત્વનું છે કે ઇફકોના ચેરમેન બી.એસ.લકાઈનું મૃત્યુ થતાં કલમ 44ની જોગવાઈ પ્રમાણે વાઈસ ચેરમેનને આ જવાબદારી સોંપવામાં આવી છે. નોંધનીય છે કે, દિલીપ સંઘાણી ઇફકોના વાઇસ ચેરમેન હતા.

ભાજપના વરિષ્ઠ નેતા દિલીપ સંઘાણી ખેડૂતો માટે સતત કામ કરતા આવ્યા છે. તેઓ ઈફકોમાં ઘણા સમયથી વાઇસ ચેરમેનની ભૂમિકા ભજવી રહ્યા હતા. દિલીપ સંઘાણીએ આ અંગે વાત કરતા કહ્યુ કે, ચેરમેન બીએસ લકાઈના નિધન બાદ કલમ 44ની જોગવાઈ મુજબ વાઇસ ચેરમેનને જવાબદારી સોંપવામાં આવે છે. એટલે મને ચેરમેન તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.

તેઓ નાફસ્કોબ, નાફેડ, ઇફકો અને ગુજકોમાસોલ સહિતની અનેક સંસ્થાઓ સાથે કાર્યરત રહેલા છે. વડાપ્રધાને દેશમાં સહકારી માળખાને આગળ લઈ જવા માટે રાજ્યના ટોચના સહકારી અગ્રણી દિલીપ સંઘાણી પર ભરોસો મૂક્યો છે. વડાપ્રધાન પદે નરેન્દ્ર મોદી બિરાજમાન થયા બાદ દિલીપ સંઘાણી નાફસ્કોબના ચેરમેન અને નાફેડના વાઇસ ચેરમેન તરીકે મુકાયા હતાં.

દિલીપ સંઘાણીએ કહ્યુ કે, અમિત શાહની હાજરીમાં ઈફકોના ચેરમેન તરીકે બી.એસ. લકાઈએ દીપ પ્રાગટ્ય કર્યુ હતું. આજે તેમનો દીપ બુઝાઈ ગયો છે. એટલે કે ઇફકો બાયોલોજીની કલમ 44ની જોગવાઈ મુજબ ચેરમેનની જવાબદારી વાઈસ ચેરમેનને સોંપવામાં આવી છે, એટલે મને આ જવાબદારી મળી છે.

તદુપરાંત તેઓ હાલમાં ગુજકોમાસોલના ચેરમેન પદે પણ સેવા આપી રહ્યાં છે. ત્યારે વર્તમાનમાં હવે તેઓ IFFCO સંસ્થાના ચેરમેન બન્યા છે કે જેમાં તેઓ પહેલા વાઇસ ચેરમેનના પદે હતાં. તેઓ અનેક સંસ્થાઓ સાથે કાર્યરત હોવાથી તેમની સ્પષ્ટ છબીના કારણે તેઓ રાજ્ય અને કેન્દ્ર સરકારની ગુડ બુકમાં સામેલ છે.

 16 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી