ભાઇએ બહેનને ગળાટૂંપો આપી પતાવી દીધી, બાદમાં ઝેરી દવા પીને હાથની નશો કાપી કર્યો આપઘાત

જામનગરમાં સનસની ઘટના, ભાઇએ બહેનની હત્યા કર્યા બાદ કરી લીધો આપઘાત

જામનગરમાં એક સનસની ઘટના સામે આવી છે. શહેરના રામેશ્વરનગરમાં એક મહિલાની હત્યા તો ભાઇનો આપઘાતનો મામલો પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઇ છે. જેમાં વૃદ્ધ ભાઇએ બહેનને મોતને ઘાટ ઉતારી, બાદમાં તેણે પણ આપઘાત કરી લીધો હતો. હત્યા અને આપઘાતની ઘટનાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી તો બીજી તરફ માનસિક બિમારીના કારણે ભાઇએ આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. આ અંગે એક સુસાઇડ નોટ પણ મળી આવી છે. હાલ આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જામનગર શહેરના રામેશ્વરનગરમાં રહેતા હર્ષિદાબેન છગનલાલ જેઠવા (ઉ.વ.67) નામના વૃદ્ધાની લાશ મંગળવારે રાત્રે સવા આઠ વાગ્યે તેના ઘરેથી મળી આવી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. તો બીજી તરફ સવારે હર્ષિદાબેનના ભાઈ અનિલ છગનભાઈ જેઠવા (ઉ.વ.58)ની લાશ જૂની આરટીઓ પાસેના તળાવ નજીકથી મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી હતી. એક સાથે વૃદ્ધ ભાઈ-બહેનની લાશો મળતા શહેરભરમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો હતો.

જો કે આ દરમિયાન તપાસ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી જેમાં અનિલભાઈએ તેની વૃદ્ધ બહેનનું ગળું દાબીને હત્યા કરી હોવાનું ખૂલ્યું હતું ત્યારબાદ અનિલને લાગી આવતા તેણે ઝેરી દવા પી લીધી હતી, પરંતુ તેનાથી તે મરશે નહીં તેવું લાગતા તેણે બન્ને હાથોની નસો કાપીને આપઘાત કરી લીધો હતો.આખો ઘટનાક્રમ બહાર આવતા પોલીસ પણ ચોંકી ઉઠી છે. વૃદ્ધ ભાઈ-બહેનનું આવા સંજોગોમાં મૃત્યુનું કારણ પ્રાથમિક રીતે તો માનસિક બીમારી માનવામાં આવી રહ્યું છે.

પોલીસને પ્રથમ તો આ બનાવ આપઘાતનો લાગ્યો હતો, પરંતુ ભાઈ પાસેથી મળીને સ્યુસાઈટ નોટ અને પોસ્ટમોર્ટમ થતાં ઘટસ્ફોટ થયો હતો કે, વૃદ્ધ ભાઈએ પ્રથમ તેની બહેનને ગળાટૂંપો આપી મારી નાખી હતી બાદમાં પોતે ઝેરી દવા પી બન્ને હાથોની નસો કાપી આપઘાત કરી લીધો હતો. આ બનાવથી શહેરભરમાં ભારે ચકચાર મચી જવા પામી છે.

હાલ આ મામલે પોલીસે મૃતક અનિલની લખેલી મનાતી સ્યુસાઈટ નોટ કબજે કરી તપાસ આગળ ધપાવી છે.

 101 ,  1