September 23, 2020
September 23, 2020

ચીખલી પૂર્વ ઉપસરપંચની હત્યા કેસમાં સનસનીખેજ ખુલાસો, છ મહિના બાદ ભેદ ઉકેલાયો

ક્રાઈમ પેટ્રોલ અને સાવધાન ઇન્ડિયા સિરિયલ જોઇ હત્યાનો પ્લાન ઘડાયો

ચીખલીનાં બામણવાડા ગામના પૂર્વ સરપંચની હત્યાનો 6 મહિના બાદ ભેદ ઉકેલાયો છે. પ્રેમપ્રકરણમાં હત્યા થઇ હોવાનું નવસારી LCBએ ખુલાસો કર્યો છે. આ મામલે એક મહિલા અને તેના પતિ તેમજ અન્ય બે યુવાનો સહિત ચાર આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી. મૃતક પૂર્વ સરપંચની પ્રેમિકા અને તેના પતિએ ક્રાઇમની સિરિયલો જોઇ હત્યાનો પ્લાન ઘડ્યો હતો. પ્રેમિકાએ તેના પતિ તેમજ અન્ય બે શખ્સો સાથે મળી યુવકને બેહરહેમીપૂર્વક મોતને ઘાટ ઉતારી દીધો હતો. સીસીટીવી, ફોનનું લોકેશન તેમજ ફિંગરપ્રીંટ ન આવે તે રીતે હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો.

આજથી 6 મહિના પહેલા ચીખલી તાલુકાના બામણવાડા ગામના માજી સરપંચ નિલેશ છનાભાઈ પટેલ(ઉ.વ.36)ની હત્યા કરાયેલી લાશ શેરડીના ખેતરમાં મળી આવી હતી. સમગ્ર કેસની તપાસ ચીખલી પોલીસ પાસેથી એલસીબીને સોંપવામાં આવી હતી. એક પછી એક કડીઓ જોડતી ગઈ અને અંતે 6 મહિના બાદ એલસીબીને સફળતા મળી અને હત્યાનો હત્યાઓ અંજામ આપનાર પ્રેમિકા ધર્મિષ્ઠાબેન(ઉ.વ.28)તેનો ચિન્મય રમેશ પટેલ(ઉ.વ. 37)અને અન્ય બે મદદગાર શખ્શોને ઝડપી જેલને હવાલે કરી દીધા છે.

મૃતક નિલેશ પટેલને છેલ્લા કેટલાક સમયથી ચીખલી તાલુકાના ફડવેલ ગામે રહેતા ચિન્મય પટેલ સાથે મિત્રતા બંધાઇ હતી. બપોરનાં સમયે ચિન્મયની પત્ની ધર્મિષ્ઠાબેન ટિફિન આપવા આવતી હતી. તે દરમિયાન નિલેશની આંખ ધર્મિષ્ઠા સાથે મળતા બંન્ને વચ્ચે ગાઢ પ્રેમસંબંધ બંધાયો હતો.

છેવટે ધર્મિષ્ઠા અને નિલેશ પટેલના પ્રેમસંબંધની વાતો ધર્મિષ્ઠાના પતિ ચિન્મય પટેલ સુધી પહોચી હતી. વાત સામે આવતા ચિન્મય ઉશ્કેરાઇ પત્ની ધર્મિષ્ઠાને ધમકી આપી પ્રેમી નિલેશને છોડી દેવા કહ્યું હતું. જો કે ધર્મિષ્ઠા પોતાના પતિની વાત માની નિલેશ હંમેશા માટે છોડી દેવાનું જણાવ્યું હતું. ત્યાર બાદ ચિન્મય પટેલે નિલેશનું કાસળ કાઢી નાખવાનું વિચાર્યું હતું.અને પતિ પત્ની તેમજ અન્ય બે સાથીઓને પૈસાની લાલચ આપી નિલેશની હત્યાનો પ્લાન ઘડ્યો હતો.

પતિ ચિન્મય અને પત્ની ધર્મિષ્ઠાએ પ્લાન મુજબ નિલેશ પટેલની સાદકપોર ગામની હદમાં બ્રહ્મદેવ મંદિર પાસે પોતાના સાગરીતો સાથે મળીને લોખંડના પાઈપ અને લાકડાના હાથા વડે માથામાં મારમારી પ્રેમી નિલેશને મોતને ઘાટ ઉતારી નાખ્યો હતો. રાત્રીના સમયે જ લાશને શેરડીના ખેતરમાં ચારેય હત્યારાઓએ નાંખીને ભાગી ગયા હતા.

હત્યા કરનાર આરોપી ચિન્મય પટેલ અને પત્ની ધર્મિષ્ઠા ટીવી ઉપર ક્રાઈમ પેટ્રોલ અને સાવધાન ઇન્ડિયા નિયમિત જોતા હતા. નિલેશને મારવા માટેનો પ્લાન પણ તેઓએ સિરિયલ જોઈ બનાવ્યો હતો. જેમાં પોલીસ તપાસમાં ફોનનું લોકેશન ગુનાનું સ્થળ ન આવે તે માટે દરેકના ફોન પોતપોતાના ઘરે જ મૂકી દીધા, જે જગ્યા ઉપર સીસીટીવી ન હોય તેવા રસ્તાનો ઉપયોગ કર્યો, હત્યા કરતી વખતે ફિંગરપ્રિન્ટ ન આવે તે માટે દરેકે હાથમાં સેલોટેપ બાંધી હતી. હત્યા બાદ કપડાં, ચંપલ, સેલોટેપ સળગાવી દીધા, મૃતક નિલેશનો મોબાઈલ અવાવરું જગ્યા ઉપર ફેંકી દીધો હતો અને હત્યા કરી હત્યામાં વપરાયેલા લોખંડનો સળિયો, પાઈપ, કોદાળીનો હાથો તથા લાકડું ફેંકી પુરાવાનો નાશ કર્યો હતો.

હત્યાના છ મહિના બાદ પણ ભેદ ખુલયો ન હતો. જો કે આમ તો આરોપીઓ ચાલાક હતા પરંતુ મિત્રો સાથે દારૂના નશામાં લવારે ચઢતા પોલીસના બતમીદારો સુધી વાતો પોહચતા આખરે ભાંડો ફૂટી ગયો. અને તમામ આરોપીઓને દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દીધા. હાલ પોલીસે તમામ આરોપીને ઝડપી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

આરોપીના નામ સરનામાં

  • ચિન્મય કુમાર આર ધોડિયા પટેલ, ઉમર 37, રહે ફડવેલ ભૂતિયા ટેકરા તા ચીખલી
  • ધર્મીષ્ઠા ચિન્મય પટેલ, ઉમર 28, ફડવેલ તા ચીખલી
  • દીપેશ ઉર્ફે બુધીયો ડી હળપતિ, ઉમર 22, ધંધો મજૂરી ફડવેલ
  • મનોજભાઈ ઉર્ફે મનકો પી હળપતિ, ઉમર 22, રહે ધંધો મજૂરી ફડવેલ તા ચીખલી

 64 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર