તું સાઇડમાં આવ તેમ કહી યુવકની હત્યાનો પ્રયાસ

યુવતીની તકરારમાં ત્રણ યુવકોએ છરી વડે હુમલો કર્યો

શાહીબાગ પોલીસે હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી

શહેરના શાહીબાગ વિસ્તારમાં રહેતો યુવક જમી ઘરની બહાર નિકળ્યો હતો. ત્યારે તેના જ વિસ્તારમાં રહેતા ત્રણ યુવકો આવ્યા હતા અને તુ સાઇડમાં આવ કહી યુવકને બાજુમાં લઇ ગયા હતા. ત્યારબાદ યુવતી બાબતમાં તકરાર કરી છરી વડે યુવક પર હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો. જો કે, યુવકને લોહીલુહાણ હાલતમાં સિવિલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ મામલે યુવકની બહેને ત્રણ સામે હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

શહેરના શાહીબાગ વિસ્તારમાં ભાવેશ વાઘેલા તેની બહેન-ભાઇ અને પિતા સાથે રહે છે. ગઇકાલે ભાવેશ જમીને ઘરેથી બહાર નિકળ્યો હતો. ભાવેશ તેના કાકાના દિકરા રવિ સાથે અષ્ટમંગલ એસ્ટેટ પાસે ઉભો હતો. ત્યારે 9.45 વાગ્યે તેના જ વિસ્તારમાં રહેતો રોહિત ઉર્ફે જેન્ગો કનુભાઇ ભીલ, ગૌતમ ઉર્ફે ગૌતી વિનોદભાઇ ભીલ, મિતેશ ઉર્ફે અમિત જ્યંતિભાઇ ભીલ ત્યાં આવ્યા હતા. ત્રણે ભાવેશને કામ છે કહી સાઇડમાં બોલાવ્યો હતો. ત્યારબાદ કોઇ છોકરીની બાબતમાં તેની સાથે ઝઘડો કર્યો હતો. ભાવેશને ગૌતમ અને મિતેષે પકડી રાખ્યો હતો. આ દરમિયાન રોહિતે એક છરી કાઢી ભાવેશને પેટમાં મારી દીધી હતી. જેથી ભાવેશ લોહીલુહાણ થઇ નીચે પટકાયો હતો. આમ છતા હુમલાખોરોએ છરીથી હુમલો ચાલુ રાખ્યો હતો.

આ સમયે બુમાબુમ થતા આસપાસના લોકો એકત્ર થઇ ગયા હતા. ત્યારે ત્રણે હુમલાખોર ત્યાંથી ભાગ્યા હતા. તેમણે ધમકી આપી હતી કે, આ વાત સાચી નિકળી તો હજુ હું તને મારીશ. આટલુ કહ્યાં બાદ ત્રણે ત્યાંથી પલાયન થઇ ગયા હતા.

બીજી તરફ લોહીલુહાણ હાલતમાં ભાવેશને સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. આ મામલે ભાવેશના પરિવારને જાણ થતા તેઓ હોસ્પિટલ પહોંચ્યા હતા. આ મામલે ભાવેશની બહેન ગીતાએ રોહિત, ગૌતમ અને મિતેષ સામે હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

 20 ,  1