ઐસા ભી હોતા હૈ… સંતાન મેળવવા પત્નીને કરી બીજાને હવાલે..!

પિડિત મહિલાએ પતિ અને બીજા સામે નોંધાવી ફરિયાદ..

સંતાન પ્રાપ્તિ ન થતી હોય ત્યારે લોકો ઘણી દવાઓ કરાવતા હોય છે અને માનતાઓ પણ રાખતા હોય છે. જોકે, સંતાન પ્રાપ્તિની આશામાં કેટલાક લોકો ધૂતારાઓના હાથે લૂંટાયા હોવાના કિસ્સા પણ સામે આવ્યા છે. પરંતુ, ઉત્તર પ્રદેશના મેરઠમાં સંતાન પ્રાપ્તિ માટે એક પતિની ખૂબ જ શરમજનક કરતૂત સામે આવી છે. સંતાનની ઘેલછામાં પતિએ પોતાની પત્નીને એક ધૂતારાના હવાલે કરી દીધી. સંતાન પ્રાપ્તિ માટે વિધિ કરવાના બહાને આ ધૂતારાએ દુષ્કર્મ કરતા મહિલાએ આ ધૂતારા અને તેના પતિ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ બંનેની ધરપકડ કરી જેલમાં ધકેલી દીધા છે.

મેરઠની મહિલાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેના લગ્ન બે વર્ષ પહેલા તાહિર નામના યુવક સાથે થયા હતા. 2 વર્ષ દરમિયાન કોઈ સંતાન ન થતાં બંને વચ્ચે ઝઘડા શરૂ થઈ ગયા હતા. તે પછી તાહિર ઈસ્માઈલ ઉર્ફે ભૂરા નામના એક શખસના સંપર્કમાં આવ્યો હતો. તેણે તાહિરને સંતાન પ્રાપ્તિ માટે જે રસ્તો બતાવ્યો તે ઘણો જ શરમજનક હતો, પરંતુ તાહિર પૂરેપૂરો તેની વાતોમાં આવી ગયો હતો. તે પછી તાહિરે સંતાન સુખના સપના બતાવી પત્નીને ઈસ્માઈલ પાસે લઈ ગયો હતો. તે પછી ધૂતારા ઈસ્માઈલે એના જ ઘરમાં વિધિ કરવાનો ડ્રામા કર્યો હતો. મહિલાના આરોપ મુજબ, બાદમાં ઈસ્માઈલે તેના પર દુષ્કર્મ કર્યુ હતું.

મહિલાના આરોપ મુજબ, ઈસ્માઈલની આ કરતૂતમાં તેના પતિની પણ સંમતિ હતી. બાદમાં મહિલાએ તેના પતિ અને ઈસ્માઈલ સામે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે મહિલાના પતિ તાહિર અને ઈસ્માઈલ ઉર્ફે ભૂરાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

જોકે, સંતાન પ્રાપ્તિની લાલચ આપી મહિલાનું શારીરિક શોષણ કરવાની આવી ઘટનાઓ પહેલા પણ સામે આવી ચૂકી છે. સંતાન થવું કે ન થવું એ કોઈ મનુષ્યના હાથની વાત નથી એ વાત બધા જાણતા હોવા છતાં આવા ધૂતારાઓની જાળમાં લોકો ફસાતા રહે છે. આજના આધુનિક યુગમાં પણ લોકો આવી અંધશ્રદ્ધામાં વિશ્વાસ રાખે છે તે ખરેખર શરમજનક બાબત છે.

 80 ,  1