સિવિલ હોસ્પિટલના સ્પાઇન તબીબોએ યુવકને સંપૂર્ણપણે પીડા મુક્ત કર્યો

ગરદનમાં અતિગંભીર ઇજાનું સિવિલમાં સફળ ઓપરેશન

ઉત્તરપ્રદેશ અયોધ્યાના 22 વર્ષીય શ્યામને થોડા દિવસ અગાઉ એકાએક માર્ગ અકસ્માત સર્જાતા ગરદનના ભાગમાં ગંભીર ઇજા થઇ હતી. ઉત્તર પ્રદેશની સરકારીથી લઇ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે જતા ત્યાના તબીબોએ અતિગંભીર ઇજા જણાવી સારવાર અત્યંત ખર્ચાળ કહી. ઘણાય તબીબોએ તો સારવાર શક્ય ન હોવાનું પણ કહ્યુ હતુ. ત્યારબાદ તેને સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. જ્યાં તેનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું છે.

શ્યામને અકસ્માત બાદ તેને જુદી જુદી જગ્યાએ બતાવ્યું હતું પરંતુ તેનો યોગ્ય ઇલાજ થઇ રહ્યો ન હતો. ઉપરાંત ખાનગી હોસ્પિટલનો ખર્ચ તેને પોસાય તેમ ન હતો. આ દરમિયાન અમદાવાદ ખાતે રહેતા ભાઇ મોહને સિવિલ આવવા કહ્યું હતું. જેથી શ્યામ પોતાના સગા સાથે સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે આવી પહોંચ્યા. અહીંના ઓર્થોપેડિક વિભાગમાં તેમની શારિરીક તપાસ કરાવતા ગરદનના મણકાના ભાગમાં ગંભીર ઇજા થયેલ હોવાના જાણવા મળ્યુ. ઇજાની ગંભીરતા સમજવા માટે દર્દીના X-RAY, MRI તથા CT SCAN જેવા વિવિધ રીપોર્ટ કરાવવામાં આવ્યા. આ રીપોર્ટમાં જાણવા મળ્યુ કે શ્યામને C1-C2 ભાગમાં મણકો ખસી જવાથી ફ્રેક્ચર છે. ગરદનના પહેલા મણકામાં ભંગાણ થયેલ હોવાના કારણે નસ પર દબાણ ઉદભવ્યુ હતુ જેના કારણે સમયસર સારવાર ન મળે તો હલન-ચલન પણ બંધ થઇ શકે તેમ હતુ.

અતિગંભીર પ્રકારની સર્જરી જણાઇ આવતા અમદાવાદ સિવિલ હોસ્પિટલના સ્પાઇન વિભાગના વડા અને સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ ડો. જે.વી. મોદી અને તેમની ટીમ દ્વારા સમગ્રતયા સર્જરી હાથ ધરવામાં આવી. એનેસ્થેસિયા વિભાગના સહયોગથી હાથ ધરાયેલ આ સર્જરીમાં ન્યુરોમોનીટરીંગ પણ જરૂર જણાઇ આવતા તેમની મદદથી સમગ્ર સર્જરી સફળતાપૂર્વક પાર પાડવામાં આવી. આ પ્રકારની સર્જરી નાના મગજની ખૂબ જ નજીક હોવાથી ધ્યાન રાખવામાં ન આવે તો નાના મગજને ઇજા પહોંચવાની સંભાવનાઓ પ્રબળ રહેલી હોય છે પરંતુ તબીબોએ સમગ્ર સર્જરી ધ્યાનપૂર્વક કરીને શ્યામને સંપૂર્ણપણે પીડામાંથી મુક્ત કરવામાં આવ્યો.

હાલ 22 વર્ષીય શ્યામ સંપૂર્ણપણે સ્વસ્થ અને પીડામુક્ત છે. સારી રીતે હલન-ચલન કરી શકે છે. જેના કારણોસર તેમના પરીવારજનોમાં હર્ષની લાગણી અનુભવી છે અને સમગ્ર પરિવારજનોએ અમદાવાદ સિવિલ હોસ્પિટલના સ્પાઇન તબીબો, સ્ટાફ મિત્રો અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો છે.

કોરોના કાળમાં પણ 220 જેટલી ગંભીર સર્જરી સફળતા પૂર્વક કરાઇ- સુપરિન્ટેન્ડેન્ટ

અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડો.જે.વી. મોદી કહે છે કે સિવિલ હોસ્પિટલમાં કોરોના કામગીરીની સાથે સાથે હોસ્પિટલના સ્પાઇન સર્જરી વિભાગમાં સામાન્ય થી લઇ અતિગંભીર પ્રકારની સર્જરી હાથ ધરવામાં આવી છે. કોરોના કાળમાં સિવિલ હોસ્પિટલના સ્પાઇન વિભાગમાં 220 થી વધારે સર્જરી કરવામાં આવી છે. જેમાં કાઇફોસીસ, પોસ્ટરીરઓર ફિક્સેશન, ડીફોર્મેટીવ કરેક્શન, લેમીનેક્ટોમી જેવી વિવિધ સર્જરીઓનો સમાવેશ થાય છે.

 23 ,  1