અમદાવાદમાં તસ્કરો બન્યા બેફામ ! શિવરંજની ચાર રસ્તા પાસે એકસાથે 7 દુકાનોના તાળા તૂટ્યા

વકીલની ઓફિસમાંથી રોકડ 30 હજારની ચોરી,  સેટેલાઈટ પોલીસે હાથ ધરી તપાસ

ચોર સીસીટીવીમાં થયો કેદ

અમદાવાદ શહેરમાં તસ્કરો બેખૌફ બન્યા હોય તેમ શિવરંજની ચાર રસ્તા પાસે આવેલ એક કોમ્પલેક્ષમાં એકસાથે 7 દુકાનોના તાળા તૂટતા પોલીસની કામગીરી પર સવાલો ઉઠ્યા છે. આનંદનગરના ઈન્ચાર્જ પીઆઈની નાઈટ પેટ્રોલિંગની રાતે જ ચોરીનો બનાવ બન્યો હોવાનું ચર્ચાઇ રહ્યું છે. છતાં આ મામલે પોલીસ બેખબર હોય તેમ જણાવી રહ્યું છે. તસ્કરે વકીલની ઓફિસમાંથી 30 હજાર રૂપિયા રોકડાની ચોરી કરી હતી. જે અંગે વકીલે વકીલે સેટેલાઈટ પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ચોર સીસીટીવીમાં કેદ થયો હોવાનું સામે આવ્યું છે. આ મામલે પોલીસે ચોરને ઝડપી પાડવા વધુ તજવીજ હાથ ધરી છે.

વકીલે નોંધાવેલી ફરિયાદ મુજબ, સેટેલાઈટમાં આવેલા શ્રેયસ પાર્ક સોસાયટીમાં રહેતા લાલસિંહ વાઘેલા શિવરંજની ચાર રસ્તાની બાજુમાં આવેલા સિલિકોન વેલી કોમ્પલેક્ષમાં લાલસિંહ આર વાઘેલા નામની ઓફિસ ધરાવી અમદાવાદ ગ્રામ્ય કોર્ટ મીરઝાપુર ખાતે છેલ્લા 25 વર્ષથી વકીલાતની પ્રેક્ટિસ કરે છે. ગત 13 માર્ચના રોજ તેઓ ઓફિસનું કામ પતાવી સાંજના ઓફિસ બંધ કરી લોક મારી ઘરે ગયા હતા. સવારે તેઓ ઘરે હતા ત્યારે આ જ કોમ્પલેક્ષમાં એક દુકાનના માલિક વિવેકભાઈનો લાલસિંહ પર ફોન આવ્યો હતો. વિવિકભાઈએ જણાવ્યું કે તેમની ઓફિસ અને બીજી આજુબાજુની દુકાનોના તાળા તૂટ્યા છે.

જેથી લાલસિંહ તાત્કાલિક ઓફિસે ગયા હતા ઓફિસે જઈને જોયું તો તેમની ઓફિસનું શટર અર્ધ-ખુલ્લી હાલતમાં હતું અને ઓફિસનું લોક પણ  તૂટેલું હતું. ઓફિસમાં જઇને ટેબલના ડ્રોઅરમાં જોતા પાકિટમાં મૂકેલા 30,000 જણાયા ન હતા અને ઓફિસની ફાઈલો વેરવિખેર પડી હતી. બાદમાં ઓફિસની બાજુમાં આવેલી દુકાન રાજદીપ ફેબ્રિક અને વસંત એન્ડ કંપનીની દુકાન તથા અન્ય દુકાનોમાં તપાસ કરતાં તે દુકાનોના શટર પણ તૂટેલા હતા. જેથી આ તમામ સાતેય દુકાનોના માલિકોએ પોતાની દુકાનમાં ચોરી થઇ હોવાની જાણ થતાં જ તેઓ તાત્કાલિક પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જ્યાં સેટેલાઈટ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં ચોર સીસીટીવીમાં કેદ થયો છે. ત્યારે સીસીટીવી આધારે પોલીસે તસ્કરને ઝડપી પાડવા વધુ તજવીજ હાથ ધરી છે.

 53 ,  1