તો આ રીતે અનાથ બાળકોને મળશે સરકારી સહાય…

ગુજરાત સરકારે આ અંગેનો કર્યો ઠરાવ

તાજેતરમાં જ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોનાકાળમા અનાથ થયેલા બાળકો માટે બાળ સેવા યોજના જાહેર કરી હતી.શુક્રવારે સામાજિક ન્યાય અધિકારિતા વિભાગે તેનો ઠરાવ પ્રસિધ્ધ કર્યો છે.આ ઠરાવ અનુસાર માતા કે પિતા બેમાંથી એકનું કોરોના અગાઉ એટલે કે માર્ચ- ૨૦૨૦ પહેલા અને બીજાનું કોરોનાકાળમાં મૃત્યુ થયુ હશે તો મહિને રૂ.૪,૦૦૦ની રોકડ સહાય સહિતના લાભો મળશે.

મળતી સમગ્ર વિગતોમાં , કોરોનાકાળમાં એટલે કે માર્ચ- ૨૦૨૦થી અત્યાર સુધીમાં માતા- પિતા બંનેની છત્રછાયા ગુમાવનારા અનાથ બાળકોને લાભ આપવાનુ નક્કી થયુ હતુ. જો કે, સામાજીક ન્યાય અધિકારીતા વિભાગના નાયબ સચિવ જી.પી.પટેલની સહીથી પ્રસિધ્ધ ઠરાવમાં સરકારે વધુ ઉદારતા દર્શાવી છે. જેમાં બાળકના એક વાલી એટલે કે માતા કે પિતા કોરોના મહામારી પહેલા અગાઉ અવસાન પામ્યા હોય અને બીજા વાલી એટલે કે માતા કે પિતા કોરોના કાળમાં મૃત્યુ પામે તો તેવા કિસ્સામાં પણ નિરાધાર બનેલા બાળકને આ યોજનાનો લાભ આવક મર્યાદાને ધ્યાને લીધા સિવાય મળવાપાત્ર થશે.

વિશેષમાં ,આ યોજના હેઠળ મળતી અરજીઓ પરત્વે સમાજ કલ્યાણ કચેરી સહિતની સ્પોન્સરશીપ એન્ડ ફોસ્ટર કેર એપ્રુવલ કમિટીને અરજી મળ્યાના ૭ જ દિવસમાં તેનો નિર્ણય કરવાનો રહેશે.આ યોજના કોરોના મહામારીના અંત સુધી અમલમાં રહેશે. અનાથ બાળક ૧૦ વર્ષથી નાની વયનુ હશે તો તેના ઉછેરની જવાબદારી જેમણે ઉપાડી હોય તેમના બેંક એકાઉન્ટમાં સહાય જમા થશે. ૧૦ વર્ષથી વધુ વયના બાળકના નામના જ બેંક એકાઉન્ટમાં સીધી સહાય જમા કરાવાશે. સરકારે જ્યાં સુધી અનાથ બાળકનું શિક્ષણ ચાલુ રહે અથવા ૨૪ વર્ષની વયમર્યાદા એ બેમાંથી જે વહેલુ હોય તેને ધ્યાને રાખીને સમાજ કલ્યાણ વિભાગની યોજનાઓનો લાભ આપવાનું નક્કી કર્યુ છે.

મહત્વનું છે કે ,બાળ સેવા યોજનાની જાહેરાત બાદ નિર્ણયમાં ફેરફારથી અનેક અનાથ બાળકોને રાહત થશે. અગાઉ કોરોનામાં માતા- પિતા બંને ગુમાવ્યા હોય તેમને સહાયની જાહેરાત થઈ ત્યારે ગુજરાતમાંથી ૪૪ બાળકો મળ્યા હતા. એમ કહેતા ટોચના અધિકારીએ કહ્યુ એકાદ સપ્તાહમાં સમાજ કલ્યાણ અધિકારીઓ કોરોના અગાઉ એકનું અને કોરોના બાદ બીજાનું મૃત્યુ થયુ હોય તેવા બાળકોને શોધીને અરજીઓ કરાવવાની પ્રક્રિયા શરૂ કરશે.

 48 ,  1