સોમભઇ, આવી અંચઇ ના ચાલે, કેમેરા જુઠ ના બોલે રે…!!

સોમવારની સોમવાણીઃ કોઇએ ટિકિટ માટે સોદો કર્યો તો કોઇએ પૈસા માટે અને 10 કરોડથી વધારે કોઇને મળ્યા જ નથી….!!

સ્ટીંગ વિડિયોના પગલે શિયાળાની ઠંડીમાં પંજામાં કંકક જોર આવ્યું….

જ્યાં 10-10 કરોડ મળતા હોય તેઓ પંજો તો શું ગંજો થઇ જવા તૈયાર થઇ જાય….

ભાજપમાં ઝીણો ઝીણો ગણગણાટઃ સોમભઇના સ્ટિગિયા વિડિયો પછી અમારી બે બેઠકો ઘટી ગઇ…?

(નેટ ડાકિયા-ખાસ અહેવાલ)

ભાજપમાં જ્યારે જે તે વખતે શંકરસિંહ વાઘેલાબાપુએ બળવો કર્યો ત્યારે તેમની સાથે ખજૂરોહો જનારા ધારાસભ્યોમાં સોમભાઇ ગાંડાભાઇ પટેલ(કોળી) પણ હતા. શરીરે હઠાકઠ્ઠા એવા સોમભઇ એમ કહેતા કે હું બાપુને હનુમાન છું. સોમભઇ ત્યારબાદ કોંગ્રેસ, ફરી ભાજપ , ફરી અપક્ષ અને છેલ્લે કોંગ્રેસમાં ચૂંટાઇને , તેરી દુનિયા મેં દિલ લગતા નહીં…..એમ કહીને રાજ્યસભાની ચૂંટણી વખતે કોંગ્રેસનો પંજો છોડ્યો.

એમ લાગ્યું તેમને જાણનારાઓને કે તેઓ ફરી કમળની પાંદડીઓ પર બેસશે. પરંતુ એવુ ના થયું. ઘણાંને નવાઇ લાગી કે બીજા બધા પંજો છોડનારા ભાજપમાં ગોઠવાઇ ગયા તો સોમભઇ કેમ નહીં…..

હવે તેનો ખુલાસો થયો એક સ્ટીંગ ઓપરેશન દ્વારા. જેમાં પગ ઉપર પગ ચઢાવીને સોફા પર બેઠેલા સોમભઇ સામાવાળાને કહી રહ્યાં છે કે કોઇએ ટિકિટ માટે સોદો કર્યો તો કોઇએ પૈસા માટે અને 10 કરોડથી વધારે કોઇને મળ્યા જ નથી….!! 20 કરોડ આપ્યાની વાત ખોટી….

કોંગ્રેસના નેતા અમિત ચાવડા બિચારા તેમના ધારાસભ્યોના એક પછી એક રાજીનામાથી પરેશાન હતા પણ તેમણે 8 બેઠકોની પેટા ચૂંટણીના મતદાન પહેલાં જ લોહા ગરમ હૈ…માર દો હથોડા…ની જેમ સોમભઇનો વિડિયો સિનેમાની પટ્ટી સરરર ઉતરે તેમ મેદાનમાં ઉતારીને પાતાની કાબેલિયત પૂરવાર કરી કહેવાય. કેમ કે તેમના ધારાસભ્યોના રાજીનામાથી તેમની નેતાગીરી સામે સવાલો થતાં હતા કે તમે પક્ષના સભ્યોને સાચવી શકતા નથી…પણ જ્યાં 10-10 કરોડ મળતા હોય તેઓ પંજો તો શું ગંજો થઇ જવા તૈયાર થઇ જાય. એટલે વાંક અમિતભાઇનો નહોતો. પણ વાંક ગાંધીજી છાપ નોટોનો હતો. જેને જોઇને તેમના સભ્યો તેલિયા રસ્તા પર લપસી પડીએ એમ સરરરરર….. કરતાં લપસીને પહોંચ્યા હતા સીધા કમલમ….!!

સ્ટીંગિયો વિડિયો બહાર આવ્યાં બાદ સોમભઇએ ખુલાસો કર્યો- ખોટુ છે…ખોટુ છે…અમને કોઇ પૈસા આપ્યા નથી અને આ કોળી સમાજનું અપમાન છે, વિડિયોમાં હું છુ જ નહીં….તમે ખોટા છો…તમે ખોટા છો…એમ કહીને બચાવ તો કર્યો પણ અખબારી ભાષામાં કહેવાય કે તેમનો બચાવ લૂલો બચાવ છે. વિડિયોમાં તેઓ ખંધુ હસતા હસતા કહી રહ્યાં છે કે મને 20 કરોડ આપ્યાની વાત ખોટી છે, 10 કરોડથી ઉપર કોઇને આપ્યાં જ નથી……!!

કોંગ્રેસને તો ભાવતુ મળી ગયું. પક્ષપલટુઓ તેમના માટે એક પડકાર બની ગયા છે અને સોમભઇની કહેવાતી કબૂલાત બાદ કોંગ્રેસે ગાજી ગાજીને કહ્યું- અમે અગાઉ કહ્યું જ હતું કે ભાજપે નાણાંના જોરે અમારા ધારસભ્યોને ખરીદ્યા છે. અને સ્ટીંગ બતા રહા હૈ કી હમને જો કહા વહ સહી હૈ….સહી હૈ…સહી હૈ…!! ચલો, અચ્છા હૈ. સ્ટીંગ વિડિયોના પગલે પંજામાં કંકક જોર આવ્યું અને ભાજપમાં કેટલાક દબાતા અવાજે એમકહી રહ્યાં છે કે સોમભઇના સ્ટિગિયા વિડિયો પછી અમારી બે બેઠકો ઘટી ગઇ…!!

અને હાં, કોળી સમાજનો સવાલ એ છે કે સોમભઇ, વિડિયો બહાર પડ્યા પછી તમે ઉવાચઃ આ કોળી સમાજનું અપમાન છે. તો ભાઇ સોમજી, કોંગ્રેસમાંથી હોંશે હોંશે રાજીનામુ આપતા પહેલા તમે કોળી સમાજની મંજૂરી મેળવી હતી…?! તે વખતે કોળી સમાજ નહીં પણ ગાંધીજીની નોટોની ટોળી દેખાતી હતી કે શું…?!

નેતાઓનો સ્વભાવ છે- કેમેરાની સામે ખુલ્લેઆમ બોલ્યા હોય અને પછી વિવાદ જાગે એટલે- આઇલા….નકો રે બાબા…..વો મૈં નહીં થા…( તો કૌન તુમ્હારા જુડવા થા કી તુડવા થા…).પણ કેમેરાની સામે બોલ્યા પછી પણ ફરી જતાં નેતાઓનો ખુલાસો એ જ કેમેરા દ્વારા થાય છે અને મિડિયાલોગ પણ મનમાં મરક મરક એવા ફિરતુ નેતાઓ પર હસી લેતા હોય છે.

સ્ટીંગ ઓપરેશન કોઇ નવી બાબત નથી. તહલકાએ એનડીએના શાસનમાં દેશના સંરક્ષણ વિભાગમાં કેવી લાલિયાવાડી ચાલે છે તે બહાર લાવીને તહલકો મચાવ્યો હતો. ત્યારબાદ તહલકાના તેજપાલ જાતિય સતામણી કેસમાં જેલમાં બંધ છે એ એક અલગ તહલકા છે….!! ગોધરા કાંડ બાદ કેટલાક સ્ટીંગ ઓપરેશનો બહાર આવ્યાં હતા અને એ સ્ટીંગયા કબૂલાતના આધારે કેટલાક દોષિત પણ ઠર્યા. સોમભઇ દોષિત ઠરશે ?

કોંગ્રેસ છોડ્યા બાદ સોમભઇને ભાજપે લીધા નથી અને પેટા ચૂંટણીમાં ટિકિટ આપવાનો સવાલ જ નથી ત્યારે સોમભઇના સ્ટિંગિયા શબ્દોમાં કહીએ તો- કીસીને ટિકિટ કે લિયે તો કીસીને પૈસે કે લિયે સોદા કિયા….સોમભઇ…ગુજરાતની પ્રજા કોનું માને….તમારૂ કે કેમેરાનું…?!

ગુજરાતના સીએમ રૂપાણીજીએ હમણાં જ એમ કહ્યું કે અમે કોંગ્રેસના ધારાસભ્યોને કોઇ 25 કરોડ આપ્યા નથી, કોંગ્રેસવાળા જુઠા છે,, અરે, 25 કરોડમાં તો આખી કોંગ્રેસને ખરીદી લઇએ…..!! સોમભઇએ 10 કરોડની વાત કહી એટલે એક રીતે સીએમજી સાચા છે કે કોઇને 25 કરોડ અપાયા જ નથી. અને રહી વાત કોંગ્રેસને ખરીદવાની તો 25 કરોડમાં કોંગ્રેસ ખરીદી જ લો….ટુકડે ટુકડે ધારાસભ્યોને એક પછી એક લેવા કરતાં એક સાથે આખી કોંગ્રેસ કમલમમાં…….

અને હાં, ગાંધીજીએ તો કહ્યું જ હતું કે આઝાદી બાદ કોંગ્રેસને વિખેરી નાંખજો…તો 25 કરોડમાં પંજાંવાળી દુકાન લઇને પાડી દો રાજીવ ગાંધી ભવનનું શટરપટર….! કમ સે કમ ગાંધીજીના તો આશિર્વાદ મળશે….અને ગાંધીજીના “ઇકોનોમિયા” આશિર્વાદ માટે તો આ બધો ખેલ થયો તો તેનો પણ આવશે અંત…..!! તો કરો કંકુના…! .ભાર…..ત માતા કી જે…..!!

-દિનેશ રાજપૂત

 67 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર