રાજકોટમાં નિવૃત્ત SRP જવાનના પુત્રનો આપઘાત

લમણે પિતાની રિવોલ્વોરમાંથી ગોળી મારી કર્યો આપઘાત

રાજકોટના ભકિતનગર સર્કલ વિસ્તારમાં યુવકના આપઘાતની ઘટના સામે આવી છે. નિવૃત્ત SRP જવાનોના પુત્રએ પિતાની જ રિવૉલ્વરથી જાતને ગોળી મારી જ મોતને વહાલું કર્યું છે. આપઘાતની આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. યુવકને મોડી રાત્રે યુવકના આપઘાતથી પરિવારમાં મોતનો માતમ અને શોકનો માહોલ છવાઈ ગયો છે.  

પ્રાપ્ત વિગતો અનુસાર ભકિતનગર સર્કલ નજીક જલારામ ચોક પાસે પટેલ વાડીની સામે ગાયત્રીનગર શેરી નં.5માં રહેતા યુવરાજસિંહ ઘનશ્યામસિંહ ચુડાસમા રાત્રે પોતાના ઘરે નીચેના રૂમમાં પિતા ઘનશ્યામસિંહ લાખુભા ચુડાસમા તથા માતા અને બહેન સાથે ટીવી જોતા હતા. રાત્રે 12 વાગ્યા આસપાસ પરિવારજનો સુવા માટે ઉપરના રૂમમાં જતા પહેલા યુવરાજસિંહને પૂછતા ‘તમે જાવ હું ટીવી જોઇને આવું છું’ તેમ કહેતા પરિવારજનો ઉપરના રૂમમાં સુવા માટે ગયા હતા. પુત્ર સુવા ન આવતા પિતા તેને બોલાવવા માટે નીચે ઉતરતા યુવરાજસિંહ સેટી ઉપર લોહી-લુહાણ હાલતમાં જોવા મળતા પિતાએ દેકારો મચાવતા પરિવારજનો તથા આસપાસના લોકો દોડી આવ્યા હતા.

સેટીની બાજુમાં પિતાની શોર્ટગન પડેલી જોઇ યુવરાજસિંહએ શોર્ટ ગનથી પોતાની છાતીની ડાબી બાજુ ફાયરીંગ કરી આપઘાત કરી લીધો હતો. બાદ પરિવારજનોએ તાકિદે 108માં જાણ કરતા 108ના ઇએમટી મીતેશભાઇ મોરી અને પાઇલોટ ગોપાલભાઇ ડાંગરે તાકીદે સ્થળ પર પહોંચી તપાસ કરતા યુવાનનું મૃત્યુ નિપજ્યું હોવાનું જાણવા મળતા પોલીસને જાણ કરવામાં આવી હતી.

જાણ થતાં ભકિતનગર પોલીસ મથકના સ્ટાફે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી અને યુવાનના મૃતદેહને ફોરેન્સીક પોસ્ટમોર્ટમ કરાવવા માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. મૃતક યુવરાજસિંહ એક ભાઇ અને એક બહેનમાં નાના હતા. બંને અપરણીત છે. પિતા એસઆરપીમાં ફરજ બજાવતા હતા તે નિવૃત્ત થયા બાદ SBI બેંકમાં સિકયુરીટીગાર્ડ તરીકે નોકરી કરતા હોવાથી તેની પાસે પરવાનાવાળી શોર્ટ ગન છે.

પુત્ર યુવરાજસિંહ સરકારી નોકરી માટે પરિક્ષાની તૈયારી કરતા હતા. તેણે અગાઉ આર્મીની પરિક્ષા પણ આપી હતી. તે રાત્રે પરિવારજનો સાથે ટીવી જોતા હતા. પરિવારજનો ઉપરના રૂમમાં સુવા માટે ગયા બાદ પાછળથી તેણે આ પગલુ ભરી લીધું હતું. પરિવારજનો જાગી ન જાય તે માટે ટીવીનો અવાજ ફુલ રાખ્યા બાદ શોર્ટ ગનથી ભડાકો કર્યો હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. તેણે કયા કારણોસર આ પગલુ ભર્યુ તે અંગેનું ચોક્કસ કારણ જાણવા ભકિતનગર પોલીસ મથકના પીએસઆઇ આર.જે.કામલીયા સહિતે તપાસ હાથ ધરી છે. યુવાન પુત્રના મૃત્યુથી ચુડાસમા પરિવારમાં ગમગીની છવાઇ છે.

 50 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી