બોલો, ઓક્સીજન બંધ કરીને જોવા માંગતા હતા કે કેટલા દર્દીઓ બચશે.?.ઓ માય ગોડ…!

આગરામાં એક જાણીતી હોસ્પિટલના માલિકે હાથ ધરી મોક ઓક્સીજન ડ્રીલ..!

7 દર્દીઓ માર્યા ગયાની તો કરી કબૂલાત, પણ 22 દર્દીઓના જીવ ગયા..?

ઓક્સીજનની તંગી વખતે કરાયો ખતરનાક પ્રયોગ..વિડિયો થયો વાઇરલ

તપાસ માટે સમિતિ…અપાશે અહેવાલ અને પછી…?

વિદેશમાં આવા કેસમાં થાય સીધી ફાંસી…!

આવી તે કાંઇ જીવલેણ મોક ડ્રીલ કરાતી હશે..?!

(ખાસ અહેવાલ- દિનેશ રાજપૂત)

પોલીસ કન્ટ્રોલ રૂમમાં મેસેજ આવ્યો કે એરપોર્ટ પર આતંકી હુમલો થયો છે અને તરત જ તેનો સામનો કરવા પોલીસ, કમાન્ડો અને અન્ય દળોના જવાનો, અધિકારીઓ અતિઆધુનિક સાધનસામગ્રી સાથે એરપોર્ટ પહોંચે છે. સામ સામે ગોળીબારો થાય છે અને આતંકીઓનો સફાયો કરી દેવામાં આવે છે.

વાસ્તવમાં આ એક મોકડ્રીલ હતી. જેને નકલી અભ્યાસ કહેવામાં આવે છે. ભવિષ્યમાં આવી કોઇ આતંકી હુમલાની ઘટના બને તો તેનો સામનો કરવા માટે આપણીં વિવિધ એજન્સીઓ કેટલી તૈયાર છે તેનો અભ્યાસ અને મૂલ્યાંકન કરવામાં આવે છે. આ પ્રકારની મોક ડ્રીલ સામાન્ય રીતે એરપોર્ટ ઉપરાંત જ્યાં જ્યાં આતંકી હુમલાઓ થયા છે અથવા આતંકીઓ કોને નિશાન બનાવી શકે છે તેવા સ્થળોએ અવારનવાર થતાં હોય છે. એજન્સીઓ દરેક બાબતની ચકાસણી કરે છે કે કોણ ક્યાં કેટલીવારમાં પહોંચ્યો અને કઇ રીતે સામનો કર્યો. આ પ્રકારની મોક ડ્રીલ હુમલાખોરોનો સામનો કરનાર વિવિધ દળોના જવાનો-કમાન્ડોને હર હંમેશ ખડે પગે રાખવા માટે જરૂરી હોય છે.

પરંતુ કોઇ હોસ્પિટલમાં મોક ડ્રીલ થાય..? કોઇ હોસ્પિટલના સત્તાવાળાઓ એમ વિચારે કે આપણે આઇસીયુમાં ઓક્સીજન પર રહેલા દર્દીઓનો ઓક્સીજન બંધ કરી દઇએ તો શું થાય…? ક્યા દર્દીને શું અસર થાય અને કેટલા દર્દી મોતને ભેટે..? કેટલા બચી જશે…? સાંભળીને અને તેની કલ્પના કરીને ધ્રુજારો આવી જાય…શરીર કાંપવા લાગે કે આવી તે કાંઇ મોક ડ્રીલ હોતી હશે અને તે પણ આઇસીયુમાં ઓક્સીજન પર રહેલા અને જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતાં કોવિડ સંક્રમણના દર્દીઓ પર આવો મોક ડ્રીલ એટલે કે નકલી અભ્યાસનો પ્રયોગ કરાતો હશે..????????

યસ, આવી મોક ઓક્સીજન ડ્રીલ થઇ અને તેમાં 22 દર્દીઓ માર્યા ગયાનો દાવો કરાયો છે…! આ ઘટના 26 એપ્રિલના રોજ કે જ્યારે દેશ આખામાં કોરોનાની બીજી લહેર તબાહી મચાવી રહી હતી અને ઓક્સીજનના એક એક પ્રવાહી ટીપા માટે લોકો ટટળતા હતા…દર્દીઓના સગાઓ ઓક્સીજનના બાટલા લઇને ભટકતા હતા તેવા સમયે યુપીના આગરા શહેરમાં સારી નામના ધરાવનાર જાણીતી પારસ હોસ્પિટલના માલિક અરીણજય જૈને આ ખતરનાક પ્રયોગ કર્યો હોવાનો વિડિયો વાઇરલ થયો છે…

આ વિડિયોમાં ખુદ હોસ્પિટલાના માલિક જેન પોતે કહી રહ્યાં છે કે તેમણે ઓક્સીજન સપોર્ટ પર રહેલા દર્દીઓ પર આ પ્રકારનો પ્રયોગ એટલે કે મોક ઓક્સીજન ડ્રીલ કર્યો કે જો તેમનો ઓક્સીજન સપ્લાય પાંચ મિનિટ માટે અટકવા દેવામાં આવે તો શું થાય..? અને તેમાંથી કોણ કોણ બચી શકે તેમ છે…! કેમ કે તે વખતે આ હોસ્પિટલને પણ ઓક્સીજનની તંગીનો સામનો કરવો પડી રહ્યો હતો.

વિડિયોમાં હોસ્પિટલા માલિક જૈન કહી રહ્યાં છે કે ઓક્સીજન સપ્લાય બંધ કર્યા બાદ 22 દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ શરૂ થઇ અને તેમના શરીરનો રંગ વાદળી થઇ ગયો..અને અમને સમજાયુ કે જો સપ્લાય નહીં હોય તો તેઓ બચી શકે તેમ નથી અને તરત જ હોસ્પિટલના આઇસીયુ વોર્ડમાં સારવાર લઇ રહેલાં અન્ય 74 દર્દીઓના સગાઓને કહી દેવામાં આવ્યું કે તેઓ તેમના દર્દી માટે ઓકસીજનની વ્યવસ્થા કરે.

વિડિયો વાઇરલ થયા બાદ જૈન ખુલાસો કરતાં કહે છે કે, હાં વિડિયો ક્લીપમાં તેઓ પોતે જ છે અને તે વખતે તેમની હોસ્પિટલને પણ ઓક્સીજનનો પુરતો પુરવઠો મળતો નહોતો. તેથી તેમણે દર્દીઓના સગાઓને કહ્યું કે તેઓ તેમના દર્દીને બીજે લઇ જાય. પરંતુ કોઇ જવા તૈયાર ના થયા તેથી તેમણે નક્કી કર્યું કે ઓક્સીજન મોક ડ્રીલ યોજવી જોઇએ. તેઓ મોક ઓક્સીજન ડ્રીલ એટલા માટે યોજવા માંગતા હતા કે કયો દર્દી ઓક્સીજન ન મળે તો પણ બચી શકે તેમ છે જેથી અમે તેમની સારી સારવાર કરી શકીએ મોક ડ્રીલ 26મીએ સવારે 7 વાગે યોજવામાં આવી. જેમાં 5 મિનિટ માટે ઓક્સીજન પુરવઠો અટકાવી દેવામાં આવ્યો હતો..! અને 26મીએ 4 અને 27મીએ 3 દર્દીઓના મોત થયા હતા..! તેમને મિડિયા દ્વારા સવાલ કરાયો કે શું એ વાત સાચી છે કે 22 દર્દીઓ માર્યા ગયા…? જવાબમાં તેઓ કહે છે કે ચોક્કરસ આંકડો તેમને ખબર નથી..!.

વિડિયો વાઇરલ થયા બાદ યુપી સરકારના આરોગ્ય વિભાગે તેની તપાસ માટે સમિતિની રચના કરી છે અને હોસ્પિટલના માલિક તથા અન્ય સ્ટાફ, ડોક્ટરો વગેરે.ના નિવેદનો લેવાશે. સ્થ તપાસ કરાશે. અને સરકારને અહેવાલ અપાશે. બની શકે કે વિડિયો વાઇરલ થયા બાદ 26મી એપ્રિલે આ હોસ્પિટલમાં જે દર્દીઓ માર્યા ગયા તેમના સગાઓ વાઇરલ વિડિયોના આધારે હોસ્પિટલના માલિકની સામે વળતર માટે કેસ કરી શકે અથવા ફોજદારી ફરિયાદ પણ કરી શકે. સવાલ એ છે કે આવો ખતરનાક પ્રયોગ કરી શકાય..? જેઓ આઇસીયુમાં છે, ઓક્સીજન સપોર્ટ પર છે, ક્રિટીકલ છે તેમને એક મિનિટ પણ ઓક્સીજન ના મળે તો તેઓ હતા ન હતા થઇ જાય તેવી ગંભીર સ્થિતિમાં ઓક્સીજન પુરવઠો અટકાવી દેવામાં આવે તો પરિણામ સામેની દિવાલ પર લખાયેલું જ છે. છતાં આવા ખતરનાક મોક ડ્રીલનો પ્રયોગ થાય..?

કાયદો તો એમ કહે છે કે વાઇરલ વિડિયો અને હોસ્પિટલના માલિકની ખુદની કબૂલાત કે મોક ઓક્સીજન ડ્રીલમાં કુલ 7 દર્દીઓ માર્યા ગયા તેના આધારે પ્રાથમિક રીતે તેમની સામે હત્યાનો ગુનો બને છે. તે બદલ તેમના માટે ડેથ વોરંટ તો નક્કી જ કહી શકાય..પણ શું એવુ થશે…? 22 દર્દીઓ માર્યા ગયા તેમના સગાઓ પર વિડિયો પર વાઇરલ થયાં બાદ શું વીતતી હશે..?! પારસમાં એટલી તાકાત હોય છે કે જો તે લોખંડને અટકે તો લોખંડ સોનુ બની જાય. આગરાની પારસ હોસ્પિટલમાં તેના માલિકનો હાથ ઓક્સીજન સપ્લાય બંધ કરવાના સાધન પર અડક્યો અને 22 જિંદગીઓ નિર્જીવ બની ગઇ…! હોસ્પિટલનો વગદાર, દમદાર પૈસાવાળો માલિક 22 મહિના જેલમાં રહે તો પણ ગમીનત સંમજો…ભયો..ભયો..!

 58 ,  1