રાષ્ટ્રપતિમહોદયશ્રી, ભારતના લશ્કરમાં ભાગલા પડાવવાનું મહાષડયંત્ર ચાલે છે..!? કંઈક કરો..

ભારતના લશ્કરમાં “મુસ્લિમ રેજીમેન્ટ” નામની કોઇ રેજીમેન્ટ જ નથી, છતાં તેના નામે ચાલી રહ્યો છે કૂપ્રચાર…

“આ રેજીમેન્ટના જવાનોએ 1965માં પાકિસ્તાન સામે લડવાનો કર્યો હતો ઇન્કાર”- આ છે ઝેરી પ્રચાર

ભારતના જવાનોમાં શંકાના બીજ રોપવાનો 2013થી ચાલી રહ્યો છે સોશ્યલ મિડિયામાં કારસો…

120 જેટલા નિવૃત ઉચ્ચ લશ્કરી અધિકારીઓએ મહામહિમને કરી વિનંતી- આ ઝેરી પ્રચારને રોકો

ફેસબુક અને ટ્વીટર સામે આંગળી ચિંધવામાં આવી….

(નેટડાકિયા-ખાસ અહેવાલ)

ભારતના લશ્કરની બહાદૂરી અને શૂરવિરતાનો પરચો પાકિસ્તાનને બરાબરનો મળી ગયો છે. પાકિસ્તાન ઉપરાંત હવે લાલપ્રેમી ચીનને પણ જવાબ આપવા માટે દેશના જવાનો લદાખ સેક્ટરમાં સરહદે ખડે પગે તૈયાર છે અને ચીન દ્વારા કોઇપણ અડપલુ થાય તો ડ્રેગનને પણ કચડી નાંખવા તૈયાર છે. ભારતના લશ્કરના જવાનોની એકતા અને વફાદરી સામે કોઇ આંગળી ચિંધી નથી. દેશના જવાનો પછી ભલે તેઓ અલગ અલગ રાજ્યના કે જાતિ-વર્ણના હોય છતાં દેશની રક્ષા માટે એક પરિવારની જેમ દુશ્મનોનો મુકાબલો કરે છે. વિશ્વના દેશો જેમના વખાણ કરે છે એ ભારતીય લશ્કરમાં ધર્મના આધારે ભાગલા પાડીને આપણાં જવાનોની તાકાતને ઓછી કરવાનું એક મહાષડયંત્ર તો ચાલી રહ્યું નથી ને…એવી ચોંકાવનારી રજૂઆત અન્ય કોઇ નહીં પરંતુ નૌકાદળના નિવૃત પૂર્વ વડા એડમિરલ એલ.રામદાસ સહિત નિવૃત 120 જેટલા ઉચ્ચ સેના અદઇકારીઓએ દેશના મહામહિમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને કરી છે.

દેશના લશ્કરને ધર્મના આધારે કથિત રીતે તોડવાની આટલી ગંભીર બાબત છતાં મુખ્યપ્રવાહના મિડિયામાં તેને કેટલુ સ્થાન મળ્યું તે કહેવાની ભાગ્યે જ જરૂર છે. બોલિવુડ ડ્રગ્સના રવાડે ચઢી ગયું, એ મુદ્દે દિવસો સુધી ટીવી ડિબેટ થશે પરંતુ કેટલાક દેશવિરોધી પરિબળો દેશના જવાનોને ધર્મના નામે ભડકાવવાનું અને એકબીજાને ધર્મના નામે શંકાની નજરથી જુએ એવી મેલી રમત રમી રહ્યાં છે તેની ડિબેટ માટે સમય નથી.

પૂર્વ એડમિરલ સહિત જે 120 અધિકારીઓએ આ બાબત મહામહિમ સમક્ષ જાહેર કરી છે તેમાં 24 અધિકારીઓ તો બે અને ત્રણ સ્ટાર ધરાવનાર જનરલ કક્ષાના છે, એટલે કે 24 લશ્કરી અધિકારીઓ એવા છે કે જેમણે મહત્વના સ્થાનોએ ઉચ્ચકક્ષાએ દેશની સેવા કરી છે. આ 120 પૂર્વ લશ્કરી અધિકારીઓના મતે, મે, 2013થી કેટલાક ચોક્કસ સોશ્યલ મિડિયામાં એવો કૂપ્રચાર ચાલી રહ્યો છે કે ભારતમાં “મુસ્લિમ રેજીમેન્ટ”ના જવાનો(દેખીતી રીતે જ આ રેજીમેન્ટમાં મુસ્લિમ જ હોય)એ 1965માં પાકિસ્તાન સામનેના યુધ્ધમાં ભાગ લેવાનો ઇન્કાર કર્યો હતો…. એટલે કે પાકિસ્તાન સામે ગોળી ચલાવવાનો ઇન્કાર કર્યો હતો… હકીકત એ છે કે ભારતના લશ્કરમાં મુસ્લિમ રેજીમેન્ટનું કોઇ અસ્તિત્વ જ નથી…..!

જે રેજીમેન્ટ ભારતના લશ્કરમાં છે જ નહીં તેના વિશે કૂપ્રચાર અને બનાવટી સમાચાર મે.,2013થી આજદિન સુધી સોશ્યલ મિડિયામાં ફેલાવવામાં આવી રહ્યાં છે. હકીકત એ છે કે 1965માં પાકિસ્તાન સામેના યુધ્ધમાં ભારતના જવાન હવાલદાર અબ્દુલ હમિદ પાકિસ્તાન સામે એવી શૂરવિરતાથી લડ્યા અને શહિદ થયા કે તેમને મરણોત્તર પરમવીર ચક્રથી નવાજવામાં આવ્યાં હતા. મેજર મોહમ્મદ ઝાકી અને મેજર અબ્દુલ રફી ખાનને 1965ના પાકિસ્તાન સામેના યુધ્ધમાં શૂરવીરતા માટે વીર ચક્ર પદકો એનાયત કરાયા હતા. ભારતના લશ્કરમાં ઘણાં લઘુમતિ સમાજના જવાનો ભારતમાતાની રક્ષા કરી રહ્યાં છે. તેમના વિશે આવો દૂષપ્રચાર બદઇરાદાપૂર્વક સોશ્યલ મિડિયા જેમ કે ફેસબુક અને ટ્વીટરના માધ્યમથી ફેલાવીને દેશના સામાન્ય નાગરિકો અને ભારતીય લશ્કરના જવાનો મુસ્લિમો પ્રત્યે શંકાના નજરે જુએ અને તેમને નફરત કરે તો શું પરિણામ આવી શકે તેની તો કલ્પના જ કરવી રહી.

એડમિરલ સહિતના સેના અધિકારીઓને આશંકા છે કે પાકિસ્તાનની ભાંગફોડ એજન્સી આઇએસઆઇ દ્વારા ભારતમાં કેટલાક તત્વોને હાથ પર લઇને 2013થી એવા ફેક ન્યૂઝ સોશ્યલ મિડિયામાં ચલાવવામાં આવી રહ્યાં છે અને હજુ પણ તેનો ફેલાવો થઇ રહ્યો છે ત્યારે મહામહિમ તેને ગંભીરતાથી લે અને ફેસબુક સહિતના સોશ્યલ મિડિયા પ્લેટફોર્મના સત્તાવાળાઓને તાકીદ અને ચેતવણી આપે કે આ પ્રકારના ખોટા સમાચાર અને માહિતી કે મેસેજને રોકવામાં આવે અને એવા મેસેજવાળી પોસ્ટ કોણ મૂકે છે, કોણ કોણ તેને આગળ મોકલે છે અને તેમાં કેવી કોમેન્ટ લખવામાં આવે છે તેની તમામ માહિતી કેન્દ્ર સરકાર મેળવે અને તેના મૂળ સુધી પહોંચીને મહાષડયંત્રનો પર્દાફાશ કરે.એવી લાગણી છે કે કેન્દ્ર સરકાર તમામ રાજ્યોને પણ આવા મેસેજનો ફેલાવો કરનારાઓને ઓળખીને તેમની સામે કાયદાકિય કાર્યવાહી થાય.

ભારતના લશ્કરને હાલમાં બે મોરચે સામનો કરવો પડે તેમ છે. પાકિસ્તાન ઉપરાંત હવે ચીનની સામે પણ મોરચો માંડવામાં આવ્યો છે લદાખ સેક્ટરમાં. ત્યાં સ્થિતિ એવી છે કે ભારતના જવાનો માટે 14 મહિના ચાલે એટલો પુરવઠો લદાખમાં પહોંચાડવામાં આવ્યો છે. જેથી ટૂંક સમયમાં શરૂ થનારા કાતિલ શિયાળામાં લેહ-લદાખના રસ્તાઓ બરફને કારણે બંધ થઇ જાય અને ચીન અડપલું કરે તો મહિનાઓ સુધી જવાનોને કોઇ મુશ્કેલી ના પડે.

ચીને ભારતની લેહ-લદાખ સરહદે 60 હજાર સૈનિકો તૈનાત કર્યા હોવાના અહેવાલ છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ભારત કા નમક ખાને કે બાદ ભી…..પોતાના સૈનિકોને ભારતની સામે યુધ્ધ માટે તૈયાર રહેવા જણાવ્યું છે. આ છે ચીનની નમકહરામી. ભારતે કેટલા પ્રેમથી તેમને ભાવતા ભોજનિયા ખવડાવ્યાં, તેમને સારૂ લાગે એવું ઘણુબધુ ભારતે તેમની દરેક મુલાકાત વખતે કર્યું. પરંતુ વિસ્તારવાદી વિદેશનીતિમાં માનનાર ચીને જીસ થાલી મેં ખાયા ઉસી મેં છેદ કર….ભારતના 20 સૈનિકોની ગલવાન સેક્ટરમાં 15 જૂનના રોજ હત્યા કરી નાંખી. અચ્છા સિલા દિયા તુને મેરે પ્યાર કા…દોસ્ત ને હી લૂંટ લિયા ઘર યાર કા…..!

ભારતને હવે બે દુશ્મનો સામે લડવાનું છે અને બન્ને દુશ્મનોમાં ચીન પાસે સૈનિકોની એટલી ફોજ છે કે સરહદે તેના જેટલા સૈનિકો મરે તેના કરતાં બમણાં સૈનિકો તરત જ હાજર થઇ જાય… એવા દુશ્મન સામે લડવા દેશના જવાનો સીના તાન કે ખડે હૈ…ત્યારે ભારતના લશ્કર અંગેના ઝેરી પ્રચારને રોકવા માટે એડમિરલ સહિતના 120 નિવૃત ઉચ્ચ અધિકારીઓને મહામહિમને વિનંતી કરીને પોતાની ફરજ નિભાવી. હવે દડો મહામહિમના પક્ષમાં છે.

મહામહિમ રાષ્ટ્રપતિએ આ ચોંકાવનારા મહાષડયંત્રને રોકવા કેન્દ્ર સરકારનું ચોક્કસ ધ્યાન દોર્યું જ હશે. કેમ કે આ કોઇ રાજકારણની બાબત નથી. રજૂઆત કરનારા અને દેશના લશ્કરની ચિંતા કરનારા નિવૃત લશ્કરી અધિકારીઓએ તેમની પાસે રહેલી જાણકારીના આધારે રજૂઆત કરી હોવાથી સંબંધિત સત્તાવાળાઓ ફેસબુક અને ટ્વીટર પાસેથી એ ડેટા માંગે કે જેનું કોઇ ગઠન જ નથી એવા “મુસ્લિમ રેજીમેન્ટ” અંગેની માહિતી કે પોસ્ટ જેમણે મૂકી હોય તેનો તમામ ડેટા ભારત સરકારને આપે અને ભારત સરકાર આ ડેટા લઇને દેશના છુપા દુશ્મનો સામે કાર્યવાહી કરશે.

તંત્રી – દિનેશ રાજપૂત

 36 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર