સૃષ્ટિ રૈયાણી હત્યા કેસ : સીઆર પાટીલે પરિવારની લીધી મુલાકાત

હત્યારાને ફાંસીના માચડે ચડાવવાની માંગ સાથે લોકોમાં ઉગ્ર રોષ

જેતપુર તાલુકાના જેતલસરમાં એકતરફી પ્રેમમાં પાગલ યુવકે સૃષ્‍ટિ નામની યુવતિની હત્‍યા કર્યા બાદ ગામેગામ હત્‍યા કરનાર શખ્‍સ સામે ભારે રોષ છવાયો છે ત્‍યારે આજે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ જેતલસર ખાતે સૃષ્‍ટિ રૈયાણીના પરિવારજનોને સાત્‍વના આપવા માટે આવ્‍યા હતા. તેઓની સાથે રાજ્‍ય મંત્રી જયેશભાઇ રાદડિયા, જસુમતિબેન કોરાટ, ડો. ભરતભાઇ બોઘરા સહિતના જોડાયા હતા અને સૃષ્‍ટિને શ્રધ્‍ધાંજલિ અર્પણ કર્યા બાદ પરિવારજનોને ન્‍યાય મળશે તેવી ખાત્રી આપી હતી.

રાજકોટના જેતલસરની સૃષ્ટિ રૈયાણીની હત્યાનો મામલો રાજ્યભરમાં ગાજી રહ્યો છે. લોકો આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગણી કરી રહ્યા છે. આ તરફ ઘટનાને લઈ પટેલ સમાજમાં રોષ જોવા મળ્યો છે. સોશ્યલ મિડિયા પર આ પ્રકરણ ટ્રેંડ થઈ રહ્યું છે. દિકરીને ન્યાય અપાવવા જબરી માંગ ઉઠી છે. લોકરોષને સમજી કેબીનેટ મંત્રી, તુરત ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને મળ્યા હતા. જે બાદ સરકારે આ કેસ માટે સ્પેશ્યલ પીપીની નિમણુંક કરી છે. સાથે આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવા નિર્ણય લીધો છે. તેમજ કેસની તપાસ પણ જિલ્લા પોલીસ વડા બલરામ મીણાને સોંપી છે.

એક તરફી પ્રેમમાં સગીરાની હત્યા કરનાર જયેશ ગીરધર સરવૈયા હાલ પોલીસ રીમાન્ડ પર છે. તા.24 સુધી તેના રીમાન્ડ ચાલુ રહેશે. અગાઉ પોલીસે જયેશનું ગામમાં સરઘસ કાઢી ઘટનાનું રિ-ક્ધસ્ટ્રકશન કરાવ્યું હતું. ઘટનાને લઈ સમગ્ર સૌરાષ્ટ્રમાં લોકરોષ જોવા મળતા તુરત સરકારે કેટલાંક નિર્ણયો લીધા છે જેમાં હવે આ કેસની તપાસ રાજકોટ એસપી બલરામ મીણા ચલાવી રહ્યા છે. રીમાન્ડના ત્રીજા દિવસે એસપીએ આરોપીની પૂછપરછ કરી હતી પણ ક્રુર આરોપી ચૂપ થઈ ગયો છે અને હવે કંઈ બોલી રહ્યો નથી. તેમ જેતપુર તાલૂકા પીએસઆઈ પી.જે.બાંટવાએ જણાવ્યું છે.

સનકી આશિકે જાહેરમાં સગીરાને માર્યા હતા છરીના 32 ઘા

એકતરફી પ્રેમમાં પાગલ 24 વર્ષના યુવકે સગીરાને ઘરમાંથી કાઢીને જાહેરમાં છરીના ઘા મારી રહેંશી નાખી હતી. પ્રેમમાં અંધ બનેલા કાતિલે છરીના ઉપરાછાપરી 32 ઘા માર્યા હતા. એટલું જ નહીં સગીરાને બચાવવા માટે વચ્ચે પડેલા 14 વર્ષના ભાઈને પણ હુમલાખોરે છરીના ઘા ઝીંકી દીધા હતા.

મંગળવારે બપોરના સમયે ભાઇ બહેન ઘરમાં એકલા હતા તે દરમિયાન આરોપી યુવક આવી પહોંચ્યો હતો. અને સગીરાને બહાર ઢસડીને કાઢી હતી. ‘તું મારી સાથે લગ્ન કર’ તેવું કહી આરોપી યુવકે ઢોરમાર માર્યો હતો અને પછી જાહેરમાં છરી કાઢીને તેના શરીરે અસંખ્ય ઘા માર્યા હતા.

 79 ,  1