અમદાવાદ : ઓઢવમાં જાહેરમાં ચાલતા દેશી દારૂના અડ્ડા પર સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા

ઓઢવ પોલીસ સ્ટેશનના હદમાં CMC કેનાલ નજીક જાહેરમાં દેશી દારૂનું વેચાણ

અમદાવાદ શહેરમાં દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ હવે બેફામ રીતે વધી ગઈ છે. છેલ્લા બે અઠવાડિયામાં ગાંધીનગર સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમ દ્વારા અમદાવાદ શહેરમાં ચાલતી દારૂ અને જુગારના અડ્ડા પર દરોડા પાડવામાં આવી રહ્યાં છે. ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સરખેજમાં ચાલતા જુગારધામને ઝડપયા બાદ ઓઢવ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં CMC કેનાલ નજીક ખુલ્લી જગ્યામાં જાહેરમાં બુટેલગર રંગીલા જગરૂપ યાદવના દેશી દારૂના અડ્ડા પર મોડી સાંજે દરોડો પાડી અને 130 લીટર દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો.

પોલીસે બુટલેગર રંગીલાના માણસ પ્રવીણ રાજપૂતની ધરપકડ કરી હતી. છેલ્લા ત્રણ મહિનાથી આ દેશી દારૂનો અડ્ડા પર કામ કરતો અને દારૂ ખૂટે તો તાત્કાલિક પહોંચાડી પણ દેવાતો હતો. પોલીસે 130 લીટર દારૂ કબ્જે કરી બૂટલેગર રંગીલા યાદવની ધરપકડ કરવા તજવીજ શરૂ કરી છે.

ગાંધીનગર સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમને વોટ્સએપ પર માહિતી મળી હતી કે અમદાવાદના ઓઢવ પોલીસ સ્ટેશનનો હદમાં CMC કેનાલ નજીક જાહેરમાં દેશી દારૂનું વેચાણ થાય છે. જેના આધારે પોલીસે તપાસ કરતા રંગીલા યાદવ નામના શખ્સનો દારૂનો અડ્ડો ચાલતો હોવાની હકીકત જણાતાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે શનિવારે સાંજે અડ્ડા પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમ્યાન પોલીસે પ્રવીણ રાજપૂત નામના શખ્સને એક કોથળામાં દેશી દારૂ વેચતા ઝડપી લીધો હતો. આરોપીની પૂછપરછ કરતા વધુ દેશી દારૂનો જથ્થો કચરાના ઢગલામાં સંતાડી રાખ્યા હોવાનુ જણાવ્યું હતું જેથી તપાસ કરતા 13 પ્લાસ્ટિકના થેલામાં કુલ 130 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

આરોપી પ્રવીણની વધુ પૂછપરછ કરતા રંગીલો યાદવ આ દેશી દારૂનો જથ્થો વેચવા માટે આપી ગયો હતો. છેલ્લા ત્રણ મહિનાથી રંગીલાના ત્યાં રોજના 500 રૂપિયામાં નોકરી કરે છે. રોજ રાતે 9 વાગ્યે રંગીલા દારૂના વેચાણના પૈસા આવીને લઇ જાય છે. જ્યારે પણ દારૂ ખૂટે ત્યારે ફોન કરતા રંગીલા આવીને દારૂ આપી જાય છે. પોલીસે આરોપી પ્રવીણના મોબાઇલની ડિટેલ્સ પણ તપાસી હતી. આ ઉપરાંત સરખેજ વિસ્તારમાં પણ ગાંધીનગર સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે મકરબા રોડ પર તારા ગરબાવાના ખાડામાં ચાલતા વરલી મટકાના જુગારધામ પર દરોડા પાડ્યા હતા. અને જુગારધામ ચલાવનાર મહંમદ વસીમ મલેક તેના બે રાઇટર અને આંક લખાવવા આવેલા ગ્રાહકો સહિત 7 લોકોની ધરપકડ કરી હતી.

 47 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી