PI પ્રમોશનના નવા નિયમોથી રાજ્યના PSI નારાજ…!

રાજ્ય સરકારે શુક્રવારે પીઆઈ તરીકે પ્રમોશન આપવાના નવા નિયમ કર્યા હતા જાહેર

નવા નિયમ અનુસાર ભરતી સમયની તમામ પ્રક્રિયા –પરીક્ષા આપવી પડશે

૨૦૧૦-૧૧ની ભરતીના પ્રમોશનથી વંચિત ૩૦૦ જેટલા પીએસઆઈ નારાજ

રાજ્ય સરકારે પોલીસ ઇન્સ્પેક્ટર (પીઆઈ) તરીકે પોલીસ સબ ઇન્સ્પેક્ટર (પીએસઆઈ)ને પ્રમોશન આપવાના નવા નિયમો અંગે ગુરુવારે પરિપત્ર બહાર પાડ્યો હતો.જે અંગે ૨૦૧૦ -૧૧ની ભરતીના પ્રમોશનથી વંચિત રહી ગયેલા ૩૦૦ જેટલા પીએસઆઈમાં વિરોધનો ગણગણાટ શરુ થઇ ગયો છે. તેમનું કહેવું છે કે અમારી બેચના ૩૮૦ જેટલા લોકોને પ્રમોશન આપીને પીઆઈ બનાવી દેવામાં આવ્યા છે અને અમારે હવે નવેસરથી પરીક્ષા આપવાની જે અન્યાય છે.

રાજ્ય સરકારે શુક્રવારે બહાર પાડેલા એક પરિપત્રથી કોરોના કાળમાં પણ નિષ્ઠાથી ફરજ બજાવી રહેલા અંદાજે ૩૦૦ જેટલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર નારાજ થયા છે.શુક્રવારના રોજ રાજ્ય સરકારે પોલીસ સબ ઇન્સ્પેક્ટરથી પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે પ્રમોશન આપવા માટે હવે નવા નિયમો અમલી બનાવતો પરિપત્ર પ્રસિદ્ધ કર્યો છે.જેને લઈને હવે છેલ્લાં બે વર્ષથી પીઆઈ બનવાના સપના જોઈ રહેલા અંદાજે ૩૦૦ જેટલા પીએસઆઈ નિરાશ થયા છે.

મળતી માહિતી અનુસાર વર્ષ ૨૦૦૮માં લેવામાં આવેલા પરીક્ષા બાદ ઉતીર્ણ થયેલા ૬૮૦થી લોકોને વર્ષ ૨૦૧૦-૧૧ના ઓક્ટોબર થી માર્ચ દરમિયાન ટ્રેનીંગ માટે મોકલવામાં આવ્યા હતા.જ્યાં એક વર્ષમાં ટ્રેનીંગનો ગાળો પૂર્ણ કર્યા બાદ યોજાયેલ પરીક્ષા ઉતીર્ણ કરનાર લોકોને ગયા વર્ષ ૨૦૧૨થી ફિલ્ડમાં એટલે કે જુદી જુદી જગ્યાએ પોસ્ટીંગ આપવામાં આવ્યું હતું તેની સાથે જ તેઓ પીએસઆઈ તરીકે પોલીસ વિભાગમાં કાર્યરત થઇ ગયા હતા.ત્યારબાદ પીએસઆઈ માંથી પીઆઈ તરીકે પ્રમોશન આપવા માટે અમલી નિયમ અંતર્ગત પ્રવાર્તા યાદી બનાવાય હતી. જેમાં કમાન્ડો ટ્રેનીંગ કરેલ હોય, ફરજમાં ૭ વર્ષ પૂર્ણ કર્યા હોય અને એલએમવી લાયસન્સ ધરાવતા હોય તેમજ અને કોઈ પણ પ્રકારની એસીબી ફરિયાદ કે ગેર શિસ્ત અંગેની ખાતાકીય તપાસ ચાલતી ના હોય તેવી બધી બાબતોને ધ્યાનમાં રાખીને મેરીટ લીસ્ટ તૈયાર કરાયું હતું. ત્યારબાદ વર્ષ ૨૦૧૯ના અંતમાં વર્ષ ૨૦૧૦-૧૧ની ભરતીના ૬૮૦ પીએસઆઈ પૈકી ૩૮૦ને પીઆઈ તરીકે પ્રમોશન આપવામાં આવ્યું હતું. જયારે ૩૦૦ જેટલા પીએસઆઈ પ્રમોશનથી વંચિત રહ્યા હતા.

હવે રાજ્ય સરકારે શુક્રવારેપ્રમોશન અંગે જે નવો પરિપત્ર બહાર પાડ્યો છે તે અનુસાર પીઆઈ તરીકે પ્રમોશન મેળવવા માટે ૬૦૦ ગુણની લેખિત પરીક્ષા અને બે રાઉન્ડ ૮૦૦ મીટર દોડવાના રહેશે.પ્રમોશનથી વંચિત પીએસઆઈ લોકોનું માનવું છે કે આ નવા નિયમ અમારા માટે અન્યાય છે. કારણ કે અમારી બેચના ૫૦ ટકાથી વધારે લોકોને જુના નિયમ અનુસાર પ્રમોશન આપી દેવાયું અને અમારે હવે જે પરીક્ષા અમે ભરતી સમયે તેમજ ટ્રેનીગ બાદ આપી ચુક્યા છીએ તે ફરીથી આપવાની થશે.

પીઆઈના પ્રમોશનથી વંચિત રહેલા એક પીએસઆઈએ નામ ના આપવાની શરતે કહ્યું હતું કે ભરતી સમયે પહેલા પ્રિલિમિનરી પરીક્ષા આપી ત્યારબાદ મેઈન પરીક્ષા આપી હતી. તે પછી પ્રેક્ટીકલ પરીક્ષા એટલે કે ગ્રાઉન્ડ પરીક્ષા આપી અને છેલ્લે ઇન્ટરવ્યુ પણ લીધું ત્યારબાદ ટ્રેનીગ અર્થે મોકલ્યા.ટ્રેનીગ પૂર્ણ કર્યા બાદ પણ એ જ આઈપીસી અને સીઆરપીસી તેમજ પોલીસ મેન્યુઅલના ત્રણ ભાગની લેખિત પરીક્ષા અને દોડ સહિતની પ્રેક્ટીકલ પરીક્ષા પાસ કરી ત્યારબાદ પોસ્ટીંગ એટલે કે ફિલ્ડમાં મોકલ્યા હતા. ત્યારે હવે ફરીથી અમારે એ જ એકડો ફરી ઘુટવાનો વારો નવા નિયમ બાદ આવ્યો છે જે અન્યાયી છે.

આમ આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા છેલ્લાં દોઢ બે વર્ષથી પીઆઈ બનવાનું સપનું નિહાળી રહેલા અંદાજે ૩૦૦ જેટલા પીએસઆઈ લોકોને રડવાનો વારો આવ્યો છે,

 32 ,  1