સ્ટેટ GSTના રાજ્ય વ્યાપી દરોડા, માધવ કોપર લિમિટેડની 137 કરોડની ગેરરીતિ ઝડપાઈ

મિલ્કતને ટાંચમાં લેવા GST વિભાગની કવાયત

ફરાર નિલેષ પટેલ સામે સમન્સ ઇશ્યુ કરાયુ

રાજ્યમાં કરોડો રૂપિયાની કિંમતના બોગસ બિલિંગનો પર્દાફાશ. પાંચ દિવસથી ચાલતી સ્ટેટ GST વિભાગના રાજ્ય વ્યાપી દરોડાની કામગીરીમાં એક સાથે 71 સ્થળોએ દરોડા પાડ્યા. સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, સુરત, રાજકોટ અને પ્રાંતિજના જુદા જુદા એકમો પર દરોડા પાડવામાં આવ્યા હતા. ભાવનગર ખાતે ગત બુધવારથી આરંભેલી દરોડાની કાર્યવાહી સતત છઠ્ઠા દિવસે ચાલુ રહી હતી. તો બીજી તરફ માધવ કોપર લિમિટેડની ખોટી વેરા શાખનો આંકડો 137 કરોડે પહોંચ્યો છે.

જ્યારે અન્ય કૌભાંડી અફઝલ સાદીકઅલી સવજાણીના વધુ બે દિવસના રીમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે. દરમિયાન ભાવનગરમાં વધુ 9 સ્થળોએ સ્ટેટ જીએસટીની ટીમો દ્વારા સોમવારે દરોડા પાડવામાં આવ્યા છે.

સ્ટેટ GST વિભાગ દ્વારા રાજ્ય વ્યાપી દરોડાની કામગીરીમાં માધવ કોપર લીમીટેડ દ્વારા મોટા પ્રમાણમાં ગેરરીતિ આચરી હોવાનું સામે આવ્યું છે. 9 જુલાઈથી ચાલી રહેલ તપાસમાં સામે આવ્યું છે કે માધવ કોપર લીમીટેડ દ્વારા અત્યાર સુધીમાં બોગસ બીલિંગ કરીને 137 કરોડની ખોટી વેરાશાખ મેળવીને રાજ્ય સરકારને નુકસાન પહોંચાડયું છે. હજુ પણ આ વેરાશાખની રકમમાં વધારો નોંધાઇ શકે છે.

જેને કારણે સ્ટેટ GST વિભાગ દ્વારા માધવ કોપર લીમીટેડ ના ચેરમેન નિલેશ પટેલને હાજર થવા સમન્સ પાઠવવામાં આવ્યું છે સાથે જ માધવ કોપર લિમિટેડની મિલકતો ટાંચમાં લેવાની કામગીરી હાથ ધરાઈ છે. પ્રાથમિક તબક્કે સ્ટેટ GST વિભાગ દ્વારા માધવ કોપર લિમિટેડનો 10 કરોડનો સ્ટોક, સ્ટાફ કોલોનીના 2 પ્લોટ તેમજ કંપનીની મિલકતો કામપુરતી ટાંચમાં લેવામાં આવી છે.

માધવ કોપર લિમિટેડના ચેરમેન નિલેષ પટેલ ઉર્ફે ભાણો સતત 6 દિવસથી ફરાર છે અને જીએસટી તંત્ર તેને શોધી રહ્યું છે. ફરાર નિલેષ પટેલ સામે તંત્ર દ્વારા સમન્સ પણ ઇશ્યુ કરવામાં આવ્યુ છે. નિલેષ પટેલ મળી આવ્યા બાદ સમગ્ર કૌભાંડમાં વધુ પેઢીઓ, વ્યક્તિઓની સંડોવણી પણ ખુલી શકે તેમ છે.

માસ્ટર માઈન્ડ અફઝલ સાદિકઅલી સવજાણી અને મીનાબેન રંગસિંહ રાઠોડ (ઝાલા)ની પૂછપરછમાં મોટા ભાગની પેઢીઓમાં કરચોરી કરવામાં બંનેની સંડોવણી હોવાનું સામે આવ્યું હતું. અફઝલ સજાવણીએ ભાવનગર,અમદાવાદ,રાજકોટ અને ગાંધીનગરની કુલ 25 પેઢીઓમાં તેમજ મીનાબેન રંગસિંહ રાઠોડ (ઝાલા) દ્વારા 24 પેઢીઓમાં કરચોરી કરી હોવાના પુરાવા મળી આવ્યા હતા.

મહત્વનું છે કે 9મી જુલાઈએ સ્ટેટ GST વિભાગની અલગ અલગ 80 ટિમ દ્વારા ગુજરાતની અલગ અલગ 36 કંપનીઓ તેમજ પેઢીઓના અલગ અલગ 71 સ્થળો પર દરોડા પાડીને 1300 કરોડથી વધુની કરચોરી ઝડપી પાડી છે. જેના સંદર્ભમાં આજે વધુ 9 પેઢીઓ દ્વારા કરચોરી કરી હોવાંનું સામે આવતા સ્ટેટ GST દ્વારા ભાવનગરની વધુ 9 પેઢીઓ સામે દરોડાની કામગીરી હાથ ધરી છે.

 76 ,  1