ખેતીમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ બંધ કરો – મોદીની હાંકલ

આણંદમાં પ્રિ-વાઇબ્રન્ટ ઈવેન્ટમાં વડાપ્રધાનનું વર્ચ્યુઅલ સંબોધન

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કૃષિને કેમિકલની પ્રયોગ શાળામાંથી બહાર કાઢી પ્રકૃત્તિની પ્રયોગ શાળા સાથે જોડવાનું દેશના ખેડૂતોને આહવાન કર્યું છે. સમગ્ર વિશ્વ અત્યારે ગ્‍લોબલ વોર્મિંગના સંક્રમણકાળમાંથી પસાર થઇ રહ્યું છે. જળવાયુ પરિવર્તનો ખતરો તોળાઇ રહ્યો છે. તેના ઉપચારાત્મક પગલાં રૂપે જમીન અને કૃષિમાં રાસાયણિક ખાતરો અને કિટનાશકોનો વપરાશ બંધ કરી પ્રકૃતિ તરફ પાછા વળવા તેમણે આગ્રહ કર્યો છે. ઉદ્યમી અન્નદાતાની આવક વધે તથા કૃષિક્ષેત્રે સંશોધનને પ્રોત્સાહન મળે તે માટે એગ્રો અને ફૂડ પ્રોસેસિંગના રાષ્ટ્રીય પરિષદમાં નેચરલ ફાર્મિંગ ઝીરો બજેટ ખેતી અંગે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ નવી દિલ્હીથી વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું.

આણંદ ખાતે દેશની સર્વ પ્રથમ પ્રાકૃત્તિક ખેતીની રાષ્ટ્રીય પરિષદને વર્ચ્યુઅલ સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ઉક્ત સંદર્ભે ઉમેર્યું કે, ભારતે ક્લાયમેટ ચેન્જ સમિટમાં જીવનને વૈશ્વિક અભિયાન બનાવવાનું આહવાન કર્યું હતું. ૨૧મી સદીમાં તેનું નેતૃત્વ ભારત અને ભારતના ખેડૂતો કરવાના છે. જણાવ્યું કે, આઝાદી પછીના દાયકાઓમાં કૃષિનો વિકાસ જે રીતે અને જે દિશામાં થયો છે એ આપણે સૌએ જોયું છે. આઝાદીના ૧૦૦માં વર્ષ સુધી કૃષિ ક્ષેત્રે નવી જરૂરિયાતો અને નવા પડકારો અનુસાર કૃષિને ઢાળવી પડશે.

તેમણે કહ્યું કે, છેલ્લા સાત વર્ષમાં બિયારણથી લઇ બજાર સુધીની, માટી પરિક્ષણથી લઇ નવા બીજ નિર્માણ સુધી, પીએમ કિસાન સન્માન નિધિથી લઇ પોષણક્ષમ ભાવ દોઢ ગણા વધારવા તેમજ સિંચાઇના મજબૂત માળખાથી લઇ કિસાન રેલ સુધી ખેડૂતોની આવક બમણી કરવા માટે અનેકવિધ પગલાં લેવામાં આવ્યા છે. આપણા દેશના કૂલ ખેડૂતોમાંથી ૮૦ ટકા ખેડૂતો નાના અને સિમાંત પ્રકારના છે. ત્યારે, પ્રાકૃતિક ખેતીનો સૌથી વધુ ફાયદો આ વર્ગના ખેડૂતોને થશે. તેઓ પ્રાકૃતિક ખેતી તરફ વળશે તો તેમની આર્થિક સ્થિતિ અને જીવન વધુ બહેતર બનશે.

વડાપ્રધાનએ દેશના દરેક રાજ્ય અને સરકારોને પ્રાકૃતિક ખેતીને જન આંદોલન બનાવવાનું આહવાન કરતા જણાવ્યું કે, દેશ આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે. ત્યારે, દરેક પંચાયતનું ઓછામાં ઓછું એક ગામ કુદરતી ખેતી સાથે જોડાય તેવા સર્વગ્રાહી પ્રયાસો હાથ ધરવા જોઇએ. તેમણે કૃષિલક્ષી પ્રાચીન ભારતીય જ્ઞાનનું મહાત્મ્ય જણાવતા કહ્યું કે, ભારતમાં બે હજાર વર્ષ પૂર્વે થયેલા ઋષિઓ અને સંતોએ કેવી રીતે ખેતી કરવી તેનું વિપુલ જ્ઞાન આપણને આપ્યું છે. કૃષિ અંગે ઋગવેદ અને અર્થવવેદથી લઇ પુરાણો સુધી આપણા ઋષિ મુનીઓએ ભરપૂર સમજ આપી છે. તેમાં મૌસમ, પાણી અને જમીનની સારી માહિતી હોય તો ખેડૂત ક્યારેય ગરીબ રહે નહીં, એવું કહેવામાં આવ્યું છે. હવે, આ પ્રાચીન જ્ઞાનને આધુનિક ટેક્નોલોજી સાથે વિનિયોગ કરી વધુ અસરકારક રીતે અમલમાં મૂકી શકાય એમ છે. આપણી પાસે ટેક્નોલોજી અને સાધનોની ઉપલબ્ધી છે. માત્ર પ્રાચીન જ્ઞાન અનુસાર કુદરતી રીતે ખેતી કરવાની જરૂરત છે. પ્રાકૃતિક ખેતી તરફ વધુમાં વધુ ખેડૂતો જોડાય તે માટે શોધ અને સંશોધનો માત્ર કાગળ ઉપર રહી ન જાય એની તકેદારી રાખવાનું જણાવી શ્રી મોદીએ કહ્યું કે, હવે આ શોધોને લેબથી લેન્‍ડ સુધી લાવવાની આપણી યાત્રા હોવી જોઇએ.

ભારતની વિકાસ યાત્રા સાથે ખેતીનો પણ બહુ જ વિકાસ થયો હતો. રાસાયણિક ખાતરો અને દવાઓથી હરિત ક્રાંતિ આવી હતી, એ વાત સાચી છે. એની સાથે ખાતર અને કિટકનાશકોના વધુ પડતા ઉપયોગથી જમીન, પાણી, વાતાવરણ અને સ્વાસ્થ્યને પણ નુકસાન થયું છે, એ વાત આપણે સૌ સારી રીતે જાણીએ છીએ, પ્રકૃતિને નુકસાન પહોંચાડતી આ ભૂલને સુધારવાનો આ જ સાચો સમય છે. તેમ જણાવી વડાપ્રધાનએ આઝાદીના અમૃત મહોત્સવ દરમિયાન મા ભારતીને રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવામુક્ત બનાવવા સૌને સંકલ્પબદ્ધ થવા તેમણે હાંકલ કરી હતી.

કેન્દ્ર સરકાર દ્વારા કૃષિકારોના કલ્યાણ માટે અનેક પગલાં લેવામાં આવી રહ્યા છે, તેની ભૂમિકા સ્પષ્ટ કરતા મોદીએ જણાવ્યું કે, આત્મ નિર્ભર ભારત અભિયાન હેઠળ ખેડૂતો માટે અનેક ભૌતિક સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. સુદ્રઢ કોલ્ડ ચેઇન, સ્ટોરેજ, ટ્રાન્સપોર્ટેશન અને ફૂડ પ્રોસેસિંગ માટે કરોડો રૂપિયાની જોગવાઇ પણ કરવામાં આવી છે. માત્ર ખેતી જ નહીં, તેની આનુષાંગિક બાબતો ઉપર પણ લક્ષ્ય આપવામાં આવી રહ્યું છે. ખેતી સાથે પશુપાલન, મધમાખી ઉછેર, મત્સ્ય પાલન, સૌર ઊર્જા અને બાયો ફ્યુઅલ જેવા વિકલ્પો આપીને ખેડૂતોની આવક બમણી કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

દેશ અને વિદેશમાં જૈવિક અને પ્રાકૃતિક પદ્ધતિથી પકાવેલા ખેત પેદાશોની માંગ સતત વધી રહી છે. સમગ્ર વિશ્વનું બજાર તેનું રાહ જોઇ રહ્યું છે. હવે, ભારતના ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અને સ્વાસ્થ્યપ્રદ ખેતઉપજોમાં સમગ્ર વિશ્વનું નેતૃત્વ કરવાનું છે. તેની સાથે આ ક્ષેત્રમાં રોકાણની પણ વિપુલ તકો નિર્માણ થઇ છે. ખાદ્ય સંસ્કરણ અને તેની પ્રક્રીયાના આવિષ્કારમાં રોકણનો હાલમાં ઉત્તમ સમય છે. વડાપ્રધાન મોદીએ આત્મ નિર્ભર ભારતના સપનાને સાકાર કરવા કૃષિ અને કૃષિકારોને આત્મ નિર્ભર બનાવવા સાથે પ્રાકૃતિક ખેતીને મહત્વ આપી જનજનનું આંદોલન બનાવવા અપીલ કરી હતી.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત : ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે એગ્રિ પ્રિ-વાઇબ્રન્ટ સમીટ-૨૦૨૧ના સમાપન સમારોહમાં સંબોધન કરતા જણાવ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિ આત્મનિર્ભર ખેડૂતોથી આત્મનિર્ભર ભારતના નિર્માણનું જનઅભિયાન છે.

રાજ્યપાલએ પ્રાકૃતિક કૃષિને રાસાયણ કૃષિના મજબૂત વિકલ્પ તરીકે ગણાવી ઉમેર્યું હતું કે, રાસાયણિક કૃષિ એ સ્વતંત્રતા સમયે હરિત ક્રાંતિ માટે સમયની માંગ હતી પરંતુ હવે રાસાયણિક કૃષિના દુષ્પરિણામથી વિશ્વ આખું ત્રસ્ત છે, ત્યારે પ્રાકૃતિક કૃષિ આ દુષ્પરિણામથી મુક્તિ માટે મજબૂત વિકલ્પ છે. પ્રાકૃતિક કૃષિથી જળ-જમીન અને પર્યાવરણની રક્ષા થાય છે. જમીનની ફળદ્રુપતા વધે છે, દેશી ગાયનું જતન સંવર્ધન થાય છે, કૃષિ ખર્ચ ઘટતા અને પ્રાકૃતિક કૃષિના ઉત્પાદનોના ભાવ પ્રમાણમાં વધારે મળતા ખેડૂતોની આર્થિક સ્થિતિ મજબૂત થાય છે. ગામના પૈસા ગામમાં રહે છે, શહેરના પૈસા પણ ગામમાં આવે છે.

રાજ્યપાલએ જણાવ્યું હતું કે, એક દેશી ગાયના છાણ અને ગૌમૂત્રથી ૩૦ એકર જમીનમાં પ્રાકૃતિક કૃષિ કરી શકાય છે. જેમાં ઉપયોગી દેશી ગાયના છાણ-ગૌમૂત્ર સાથે બેસન-ગોળ અને માટીના મિશ્રણથી બનતા જીવામૃત અને ઘનજીવામૃતને અસરકારક કલ્ચર ગણાવતા રાજ્યપાલશ્રીએ જમીનમાં ભેજનું પ્રમાણ જાળવવાથી લઈને આચ્છાદનના મહત્વને સમજાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, રાસાયણિક ખાતરો અને ઝેરી જંતુનાશકોને કારણે ખેતરમાં મિત્ર જીવોનો ક્ષય થાય છે જ્યારે જીવામૃત-ઘનજિવામૃત અને આચ્છાદનથી અળસિયા જેવા મિત્ર જીવોની વૃદ્ધિ થાય છે જે કૃષિ પાકને પોષણ આપે છે. વાતાવરણમાં નાઇટ્રોજનને જમીનમાં સ્થાપિત કરે છે આ તકેરાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે વૈજ્ઞાનિકોને જુદા જુદા સંશોધનો દ્વારા આગળ આવવા અનુરોધ પણ કર્યો હતો.

કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ : કેન્દ્રિય ગૃહ અને સહકારીતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે જણાવ્યું કે, દેશના ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રાકૃતિક ખેતીને પુનઃ જીવિત કરવાનું મોટું અભિયાન ઉપાડ્યું છે. તેમણે જણાવ્યું કે, દેશના ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તે માટે સહકારીતા વિભાગ દ્વારા ખેડૂતોને તેમની ખેત પેદાશોના યોગ્ય ભાવ અને વૈશ્વિક બજાર મળે તેમજ બ્રાન્ડ સ્થાપિત થાય તે દિશામાં કાર્ય થઈ રહ્યું છે.

પ્રાકૃતિક ખેત ઉત્પાદનો કરતા ખેડૂતોને યોગ્ય બજાર મળી રહે તે માટે અમૂલ સહિત વિવિધ સંગઠનોના સહયોગથી માર્કેટિંગ ચેઈન ઉભી કરવામાં આવી રહી છે. વર્ષ ૨૦૧૪ થી દેશની અર્થવ્યવસ્થામાં ખેડૂતોને કેન્દ્રબિંદુમાં રાખવામાં આવ્યા છે, તેનો સવિશેષ ઉલ્લેખ કરતા કેન્દ્રિય મંત્રી શ્રી અમિતભાઈ શાહે જણાવ્યું કે, પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં દેશના ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવી રાસાયણિક ખાતર મુક્ત કૃષિ ઉપજ પેદા કરી વિશ્વને દિશા દર્શન કરાવશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ : નેશનલ કોન્કલેવ ઓન નેચરલ ફાર્મિંગને સંબોધન કરતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું કે સરદાર સાહેબની દ્રઢ ઇચ્છાશક્તિ અને નિર્ધારથી એક અને અખંડ રાષ્ટ્રનું નિર્માણ થયું. હવે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇના સંકલ્પથી અનેકતામાં એકતા સાથે આત્મનિર્ભર ભારતનું નિર્માણ થઇ રહ્યું છે. ગુજરાત આત્મનિર્ભર ભારતના નિર્માણમાં આત્મનિર્ભર ગુજરાતથી પોતાનું યોગદાન આપવા કટિબદ્ધ છે. પ્રધાનમંત્રીની પ્રેરણાથી યોજાનારી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ર૦રરની થીમ પણ આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત રાખવામાં આવી છે.

પ્રાકૃતિક ખેતી માટે મોટાપાયે કિસાનોને પ્રેરિત કરવા બાયસેગ સેટેલાઈટ અને ઇ-ગ્રામ સેન્ટર જેવા માધ્યમથી અત્યાર સુધી આઠ લાખ વીસ હજાર ધરતીપુત્રોને માર્ગદર્શન આપવામાં આવ્યું છે તેમ તેમણે ઉમેર્યું હતું. આદિજાતિ વિસ્તાર અને રાજ્યમાં છેક છેવાડાના જિલ્લા ડાંગને ૧૦૦ ટકા પ્રાકૃતિક ખેતીયુક્ત જિલ્લો બનાવી દીધો છે તેમ તેમણે જણાવ્યું હતું. પ્રધાનમંત્રીના માર્ગદર્શન અને પ્રેરણાથી પ્રાકૃતિક ખેતીની દિશામાં આપણે જેટલા આગળ વધીશું તેટલા ખેડૂત અને ખેતી સમૃદ્ધ થશે – આત્મનિર્ભર બનશે એમ જણાવતાં મુખ્ય મંત્રીશ્રીએ કહ્યું કે ‘વોકલ ફોર લોકલ’ના મંત્ર સાથે પ્રાકૃતિક ખેતીથી ઉત્પન્ન થયેલું અન્ન અને ઉત્પાદનો વિશ્વ સમક્ષ પહોંચાડી ભારતને જગતગુરુ બનાવવાની નેમ સાકાર થશે.

નરેન્દ્રભાઈએ ૨૦૧૯માં સ્વાતંત્ર્ય દિવસે લાલ કિલ્લાની પ્રાચીર પરથી આપણને પ્રાકૃતિક ખેતી તરફ વળવાનું આહ્વાન કર્યું છે. આઝાદીનો અમૃત મહોત્સવ આપણે તેમના નેતૃત્વમાં ઉજવી રહ્યા છીએ ત્યારે ખેડૂતો પોતાના ખેતરમાં રાસાયણિક ખાતરોનો ઉપયોગ ઓછો કરી ખેતીને પણ અમૃતમય બનાવે તેવા સ્વપ્નને સાકાર કરવા સૌ કોઈ આગળ આવે તે જરૂરી છે.

કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર : કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું કે, ગુજરાતની ભૂમિ પ્રેરણાદાયી છે. આ ધરતી પર ગાંધીજીએ જન્મ લીધો હતો અને તેમણે દેશની આઝાદીની રાહ કંડારી હતી. આ જ ભૂમિના રત્ન સરદાર સાહેબે દેશી રાજ્યોના એક કરી ભારતને અખંડ બનાવ્યું હતું. હવે ગુજરાતના જ પનોતા પુત્ર શ્રી નરેન્દ્રભાઇ મોદી સમગ્ર ભારતને વિકાસની નવી રાહ આપી છે. આ વાતની સાબિતી વારાસણી સ્થિત ભગવાન કાશી વિશ્વનાથ મંદિરનું પુનઃનિર્માણ, કાયાકલ્પ કરીને આપી છે.

ગુજરાતે પ્રધાનમંત્રીની પ્રેરણાથી આગવી પહેલ કરી કૃષિ અને ખાદ્ય પ્રસંસ્‍કરણ એગ્રી પ્રિ વાયબ્રન્ટ સમિટનું આયોજન આણંદમાં કર્યું છે. જેમાં ૧૭ રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશો સહિત જર્મની, ફ્રાન્સ અને અમેરિકાની સંસ્થાઓ અને તજજ્ઞો જોડાયા છે. જેમાં પ્રાકૃતિક ખેતી અંગે સકારાત્મક ચર્ચા વિચારણા કરવામાં આવી છે. આણંદમાં ૭૨૦૦ વર્ગ મીટરમાં યોજાયેલ કૃષિ પ્રદર્શનમાં ૩૦૦ જેટલા સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે.

આ પ્રસંગે ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ, રાજ્યમંત્રી સર્વ જગદીશભાઈ પંચાલ, મુકેશભાઈ પટેલ, દેવાભાઇ માલમ, બિહારના કૃષિ મંત્રી અમરેન્દ્ર પ્રતાપ સિંઘ, ત્રિપુરાના સહકાર મંત્રી શ્રી રામપ્રસાદ પોલ અને પશુપાલન મંત્રી ભગબાન દાસ, સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ, ધારાસભ્યો, પદાધિકારીઓ, ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝના એમડી શ્રી મહેશ સિંઘ, કેન્દ્રીય સહકાર સચિવ ડી. કે. સિંઘ, રાજ્યના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના સચિવ મનીષ ભારદ્વાજ, સહકાર વિભાગના સચિવ નલિન ઉપાધ્યાય, સહકાર રજીસ્ટ્રાર દેવાંગ દેસાઈ, સંશોધન વૈજ્ઞાનિક સર્વ ડો. બલજીત સિંઘ, ટી. વિજય કુમાર, રાજેશ્વર ચંડેલ, કલેકટર મનોજ દક્ષિણી, કેન્દ્ર અને રાજ્ય સરકારના અધિકારીઓ તથા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

 41 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી