અમદાવાદમાં ફાયર વિભાગની આકરી કાર્યવાહી, 250થી વધુ શાળાઓને ક્લોઝર નોટિસ ફટકારી

શાળાના સંચાલકોને 7 દિવસનો સમય આપવામાં આવ્યો

અમદાવાદ ફાયર વિભાગ એક્શનમાં આવી NOC વગરની શાળાઓ સામે કડક કાર્યવાહી કરી રહ્યું છે. અગાઉ 37 શાળાઓને ક્લોઝર નોટિસ આપ્યા બાદ હવે 200થી વધુ શાળાઓ સામે ફાયર વિભાગે ગાળીયો કસ્યો છે. કુલ મળી 250થી વધુ શાળાઓને ક્લોઝર નોટિસ ફટકારી દીધી છે. અનેકવાર ફાયર NOC મેળવી લેવા માટે ઇન્ટિમેશન આપ્યા બાદ પણ રીઢા થઈ ગયેલા શાળાના સંચાલકોએ આવી નોટિસોને કાને ના ધરતા ફાયર વિભાગે શાળાઓ બંધ કરવા મામલે નોટિસ આપી દીધી છે.

રાજ્યમાં સુરતમાં તક્ષશિલા ક્લાસિસમાં બનેલી આગની ઘટના બાદ ફાયરને લઈને પૂરેપૂરી સેફટીના નિયમોના પાલન થાય તેવો આગ્રહ રાખવામાં આવે છે. આ ઘટનાએ સમગ્ર તંત્રની આખો ખોલી નાખી હતી. આ ઘટના બાદ અનેકવાર અમદાવાદ ફાયર વિભાગે શહેરની અલગ અલગ શાળાઓને ફાયર NOC મેળવી લેવા અને શાળાઓમાં ફાયર સેફટીની સુવિધા ઉભી કરવાની નોટિસો આપી છે. અનેકવાર સમાચાર પત્રોમાં જાહેર ખબરમાં માધ્યમથી શાળાના સંચાલકોને અવગત કરવાનો પ્રયાસ થઈ ચૂક્યો છે છતાં કોઈ નોટિસને શાળાના સંચાલકોએ ધ્યાને લીધી નથી.

અમદાવાદ ફાયર વિભાગના ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટે જણાવ્યું હતું કે સંચાલકોને અગાઉ અપાયેલી નોટિસ તેઓએ અવગણી છે. જેને લીધે હવે ક્લોઝર નોટિસ આપવાની ફરજ પડી છે. અઠવાડિયા અગાઉ 37 અને ત્યારબાદ અલગ અલગ વિસ્તાર 200થી વધુ શાળાઓને હવે ક્લોઝર નોટિસ અપાઈ ચૂકી છે. શાળાના સંચાલકોને નોટિસ આપવા સાથે 7 દિવસનો સમય આપવામાં આવ્યો છે. સાત દિવસમાં જો કોઈ કામગીરી નહીં થઈ હોય તો કાર્યવાહી કરવામાં આવશે. ફાયરની આ કામગીરી અંતર્ગત ઇલેક્ટ્રિસિટી કનેક્શન કાપવા, પાણી કનેક્શન કાપવા, સીલ કરવાં અને મેટ્રો કોર્ટમાં શાળાઓ વિરુદ્ધ ફરિયાદ કરવા સુધીના લેવાઈ શકે છે. ફાયર વિભાગની આ ક્લોઝર નોટિસ અંગેની તમામ વિગતો જિલ્લા શિક્ષણ અધિકારીને મોકલી આપી છે.

 18 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી