સિવિલ હોસ્પિટલમાં હડતાળને પગલે ઓપીડી સેવા બંધ: બી.જે મેડીકલ કોલેજ ખાતે દેખાવો

પશ્ચિમ બંગાળમાં ડોકટરો સાથે થયેલી હિંસાના મુદ્દે હવે દેશભરમાં વિરોધની આગ ભભૂકી ઉઠી છે. દેશભરમાં અલગ અલગ જગ્યાએ ડોકટરો દ્વારા હડતાળનું એલાન આપવામાં આવ્યું છે ત્યારે અમદાવાદની બી.જે મેડીકલ કોલેજ ખાતે મેડીકલના વિદ્યાર્થીઓ અને ડોકટરો દ્વારા દેખાવો અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. આ માટે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ બી.જે મેડીકલ કોલેજના કેમ્પસ ખાતે ભેગા થયા હતા. અને કપાળ પર સફેદ પટ્ટી બાંધી ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો.

આ વિદ્યાર્થીઓએ કોલકાતામાં ડોકટરો પર હુમલો કરનાર તમામ સામે પગલા લેવાવા જોઈએ, આ ઉપરાંત હોસ્પિટલોને સેફ ઝોન બનાવવી અને ડોકટરોની સુરક્ષાની જવાબદારી સરકારે લેવી જોઈએ તેવી માંગણી કરી હતી. વિરોધ માટે વિદ્યાર્થીઓ દ્વારા એક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું.

તો બીજી તરફ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પણ સુપ્રિન્ટેન્ડન્ટ ડો. એમ. એમ. પ્રભાકરની આગેવાનીમાં તમામ વિભાગોના સીનીયર ડોકટરોની એક બેઠક મળી હતી.

ઇન્ડિયન મેડીકલ એસોસિએશનના આહ્વાનને પગલે દેશભરમાં લગભગ 5 લાખ જેટલા ડોકટરો હડતાળ પર છે. તમામ સરકારી અને પ્રાઈવેટ હોસ્પિટલો, મેડીકલ કોલેજોમાં કામકાજ ઠપ જોવા મળી રહ્યું છે. ઓપીડી સેવાઓ પણ બંધ કરી દેવામાં આવી છે. આનાથી લાખો દર્દીઓને અસર પહોંચવાની શક્યતાઓ છે.

ઉલ્લેખનીય છે કે કોલકાતામાં એક 75 વર્ષના વૃદ્ધનું હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નીપજતા તેમના પરિવારજનોએ હોસ્પીટલમાં હોબાળો મચાવ્યો હતો અને ડોકટરોને મારપીટ કરી હતી. આ બનાવને પગલે સમગ્ર પશ્ચિમ બંગાળમાં વિરોધનો વંટોળ ઉઠ્યો હતો જે આજે સમગ્ર દેશમાં ફેલાયો છે.

 37 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી