વડોદરામાં ધોરણ-12માં ભણતા જોડિયા ભાઈઓનો આપઘાત, એકનું મોત

આ જિંદગીની પરીક્ષા નથી, નાસીપાસ ન થાવ…! ભણતરનો ભાર ક્યાં સુધી….

સંસ્કારી નગરી વડોદરા શહેરમાં સોમવારે સાંજે બે જોડિયા ભાઈઓએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. જોકે, એક ભાઈનું મોત નિપજ્યુ છે જ્યારે બીજાની સ્થિતિ ગંભીર બતાવવામાં આવી રહી છે. આ બનાવની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. પોલીસની પ્રાથમિક રિપોર્ટ અનુસાર બંન્ને જોડિયા ભાઈઓએ પરીક્ષાના ડરથી આપઘાત કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટનામાં લક્ષ્મીપુરા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, વડોદરામાં ન્યુ અલકાપુરી વિસ્તારમાં આવેલ શાંતનું એપાર્ટમેન્ટમાં પરિવાર સાથે બંને જોડિયા ભાઈઓ રહે છે. બંને જોડિયા ભાઈઓ હાલ ધોરણ 12 સાયન્સમાં ભણતાં હતાં. બે દિવસ બાદ બંનેની પરીક્ષા હતી. જેના કારણે પોતાના ઘરે ગઈ કાલે સાંજે સ્ટડી રૂમમાં એક જ પંખે એક સાથે ગળેફાંસો ખાધો હતો. પરીક્ષાના ડરના કારણે ભાઈઓએ આપઘાત કર્યાનું પોલીસનું અનુમાન છે. બંને જોડિયા ભાઈઓના માતા-પિતા શિક્ષક છે.

નોંધનીય છે કે, તાજેતરમાં જ હિંમતનગરમાં 9 વર્ષની બાળકીએ કોઈ અગમ્ય કારણસર આપઘાત કર્યો હતો જ્યારે રાજકોટમાં ધોરણ-5માં ભણતી વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઇને જીવન ટૂંકાવ્યું હતું. ત્યારે હવે લોકોના મનમાં સવાલ એ સર્જાય છે કે, બાળકો આવું પગલું કેમ ભરી રહ્યા છે?

 20 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી