હાય મહંગાઇ, તું કહાં સે આઇ-પેટ્રોલ, ડિઝલ બાદ હવે દૂધના ભાવમાં પણ વધારો

સુમુલ ડેરીએ વધાર્યા દૂધના ભાવ.., 20 જૂનથી અમલમાં આવશે

મોંઘવારીના મારથી ત્રસ્ત લોકોના ખિસ્સા પર વધુ એક વાર ભારણ પડવા જઈ રહ્યું છે. સુરતની સુમુલ ડેરી દ્વારા દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. પેટ્રોલ-ડિઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે દૂધના ભાવમાં પણ વધારો કરવાની ફરજ પડી છે. અઢાર મહિના પછી સુમુલ ડેરી દુધના ભાવ વધારવા જઈ રહી છે. આ ભાવ વધારો 20 જૂનથી અમલમાં આવશે.

પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થતાં સુમુલ ડેરીમાં પેકેજીંગ ખર્ચમાં 42 ટકા, પ્રોસેસિંગ અને ઇનપુટ કોસ્ટ 28 ટકા, જ્યારે મિલ્ક હેન્ડલિંગ અને પરિવહન ખર્ચમાં 30 ટકાનો વધારો થયો છે. જેના કારણે દૂધના ભાવમાં 2 રૂપિયા લીટરનો વધારો કરવામાં આવ્યો છે.

સુમુલ ડેરીના ડિરેકટર જયેશ પટેલે જણાવ્યું હતું કે સુમુલ ડેરીમાં દર મહિને 12 લાખ લીટર દુધનું વેચાણ થતું હોય છે. હજી 7 લાખ જેટલા પર પ્રાંતિયો સુરત પરત આવ્યા નથી. એટલે હજી 10.40 લાખ દુધનું જ વેચાણ થઈ રહ્યું છે.

18 મહિના પહેલા ડિસેમ્બર 2019માં ભાવવધારો કરવામાં આવ્યો હતો. કોરોના સમયમાં પણ લોકોની પરિસ્થિતિ ધ્યાનમાં રાખીને ભાવવધારો કરવામાં આવ્યો ન હતો. પરંતુ હવે જે પ્રમાણે પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે તે જોતા દૂધ ઉત્પાદન ખર્ચ પણ વધી રહ્યો છે. જેના કારણે દુધનો ભાવ વધારો અમલી બનવા જઇ રહ્યો છે.

સુરતમાં દરરોજ 22 થી 25 લાખ લોકો સુધી સુમુલ દ્વારા દૂધ પહોંચાડવામાં આવે છે. હવે પ્રતિ લિટરે 2 રૂપિયાનો વધારો થતાં લોકોનાં ખિસ્સા પર અસર પડશે. ખાસ કરીને ગૃહિણીઓએ હવે બજેટ મેનેજ કરવું અઘરૂ થઇ પડશે.

 24 ,  1