રાજ્યસભા ચૂંટણી: ઉમેદવારી પત્ર ભરે તે પહેલા SCએ કોંગ્રેસને આપ્યો મોટો ઝાટકો

ગુજરાતમાં રાજ્યસભાની બન્ને બેઠકોની અલગ અલગ બેલેટથી ચૂંટણી કરાવવા મામલે સુપ્રીમ કોર્ટે કોંગ્રેસને કોઈ રાહત આપી નથી. સુપ્રીમ કોર્ટે કોંગ્રેસની અરજી ફગાવી ચૂંટણીપંચના નિર્ણયને માન્ય રાખ્યો છે. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટમાં કેસ દાખલ કરવા જણાવ્યું છે. તેમજ દિલ્હી અને બોમ્બે હાઈકોર્ટના ચુકાદાનો હવાલો આપી આ ચુકાદો આપ્યો છે. આ નિર્ણયથી 5 જુલાઈના રોજ યોજાનારી આ બન્ને બેઠકો પર ભાજપની જીત નક્કી થઈ ગઈ છે.

ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલા જવાબમાં જણાવ્યું હતું કે 1957થી પંચ રાજ્યસભાની બે અલગ અલગ બેઠકો પર અલગ અલગ ચૂંટણી કરાવતું આવ્યું છે અને દિલ્હી હાઈકોર્ટ તથા બોમ્બે હાઈકોર્ટે પણ ગત વર્ષોમાં ચુકાદા આપ્યા છે જેમાં અલગ અલગ બેઠકો પર અલગ અલગ ચૂંટણી કરાવવાની વાતને યોગ્ય ઠેરવી હતી.

સુપ્રીમ કોર્ટે આ મામલે કોંગ્રેસની અરજી ફગાવતા ચૂંટણીની કાર્યવાહીમાં દખલ દેવાનો ઇન્કાર કરી દીધો હતો. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ હવે ગુજરાત રાજ્યસભાની બંને બેઠકો માટે ભાજપના બંને ઉમેદવારોની જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે.

કેન્દ્રિય ચૂંટણી પંચે બંને બેઠકોની ચૂંટણીની પ્રક્રિયા એકસાથે પરંતુ મતદાન અલગ અલગ યોજવાનું જાહેરનામુ બહાર પાડતા ગુજરાતમાં પ્રથમ વખત એક જ દિવસે થનારી ચૂંટણી બે અલગ અલગ ચૂંટણી ગણાશે. પરંતુ આ મામલે કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જેથી આજે સુપ્રીમે કોંગ્રેસની અરજી ફગાવી ચૂંટણીપંચનો નિર્ણય માન્ય રાખ્યો હતો.

 31 ,  1