“સુપ્રિમ” સવાલ-મિ.પરમબીરસિંગ, એ તો કહો તમે છો ક્યાં..?

100 કરોડની વસૂલીનો કેસ-આરોપી હાજર, ફરિયાદી ગુમ…

પરમબીરે રીટ કરી- માય લોર્ડ..મને રક્ષણ આપો, આ લોકો મને…

સુપ્રિમ કોર્ટથી પણ આઇપીએસ પરમબીરે પડદો રાખ્યો…

નિરવ-મેહુલ-માલ્યા સીધી રીતે પાછા આવો, નહીંતર…

તો શું પરમબીરે પુરાવા વગર જ આરોપો કર્યા..?

શરદ પવાર અસ્સલ મરાઠા મૂડમાં-ચુન ચુન કે..

(ખાસ અહેવાલ-દિનેશ રાજપૂત)

ભારતમાંથી આર્થિક ગુનાઓ કરીને વિદેશમાં લીલાલહેર કરતાં ભાગેડુઓને ભારત સરકારે ચેતવણી આપી છે કે સીધી રીતે ભારત આવીને શરણે થઇ જાઓ, તમને પરત લાવીને કોર્ટના કઠેરામાં ઉભા કરવા સરકાર કાયદાકીય અને ડિપ્લોમેસી એમ તમામ રસ્તાઓ અપનાવી રહી છે. ભારતમાં બેંકો સાથે હજારો કરોડોની ઠગાઇ કરીને વિદેશ ભાગી ગયેલા નિરવ મોદી લંડનમાં છે, વિજય માલ્યા પણ લગભગ લંડનમાં જ રહે છે અને તેઓ તો બ્રિટીશ નાગરિક છે. નિરવ અને તેની સાથે ફરાર મેહુલ ચોકસીના વિદેશના ઠેકાણાં અંગે સરકાર જાણે છે અને તેમને લાવવા તમામ પ્રયાસો ચાલી રહ્યાં છે. વિદેશમાં કાયદાકીય છટકબારીઓનો લાભપૂરો થશે એટલે તેઓ ભારતની જેલમાં ગીત ગાતા હશે-રબ કો યાદ કરૂ… એક ફરિયાદ કરૂ…

ભારતમાંથી ભાગી ગયેલાઓનો અત્તોપત્તો મળે પણ ભારતના જ એક આઇપીએસ અધિકારી અને તે પણ મુંબઇના પોલીસ કમિશનરપદે રહ્યાં હોય તેઓ ક્યાં છે તેની પૂછપરછ મહારાષ્ટ્ર પોલીસની સાથે દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રિમ કોર્ટે પણ પૂછ્યું-અમે તમને તમારી માંગણી મુજબ રક્ષણ આપીએ, પણ અરદાર મહાશય પહેલા એ તો કહો કે તમે છો ક્યાં..?!

આ આઇપીએસનું નામ છે પરમબીરસિંગ. મૂળ પંજાબ ચંદીગઢના. બધુ બરાબર ચાલી રહ્યું હતું. પણ એક બનાવે મહારાષ્ટ્રના વર્તમાન રાજકારણમાં ઉથલપાથલ મચાવી છે. 25 ફેબ્રુઆરી, 2021ની એટલે 10 મહિના પહેલાની મુંબઇની એક એન્ટેલિયા ઘટનામાં ઉપયોગમાં લેવાયેલા અને દારૂગોળા તરીકે ઓળખાતા જીલેટીનની સ્ટીકમાં રહેલ વિસ્ફોટક સામગ્રીમાંથી ફૂસ્સ…નો અવાજ પણ ના આવ્યો અને એ પછી તો એવા રાજકિય બોંબધડાકા થયા કે એક આઇપીએસને પોતાની ધરપકડથી બચવા મહિનાઓ સુધી સંતાઇને રહેવુ પડ્યું….અને હજુ પણ તેઓ લાપતાગંજ જ છે. 3-4 મહિના પહેલાં પોતે જે પોલીસના મુખિયા હતા તે મુંબઇની પોલીસ મને પકડીને હેરાન કરશે તેથી માય લોર્ડ મને રક્ષણ આપો…હું તમારી ગાય…..!! એવી રીટ સુપ્રિમ કોર્ટમાં કરી.

ઠાકરે સરકારે પોતાના તત્કાલિન હોમ મિનિસ્ટર અનિલ દેશમુખની સામે 100 કરોડની વસૂલીનો સન…સન..કરતો સનસનાટીભર્યો પત્ર લખનાર મુંબઇના પોલીસ કમિશનર પરમબીરસિંગના આરોપોની તપાસ માટે આયોગની રચના કરી. આયોગે આરોપ મૂકનાર આઇપીએસને વારંવાર સત્તાવાર જાણ કરી કે તમે પત્ર લખીને 100 કરોડની વસૂલીનો દાવો કરો છો તો તેના પુરાવા આપો..! તે અગાઉ મુંબઇ અને ઠાણેમાં પરમબીરની સામે ખંડણી વસૂલીના અલગ અલગ પાંચ કેસો નોંધાઇ ગયા. એટલે એ પોલીસ મથકોથી તેમની ધરપકડની કાયદાકીય પ્રક્રિયા હાથ ધરાઇ. પરમબીર ક્યાં છે કોઇ જાણ નહીં. દેશમાં છે કે વિદેશમાં…? આખરે કોર્ટે તેમને ભાગેડુ જાહેર કર્યા. આયોગ સમક્ષ પરમબીરે પોતાના વકીલ દ્વારા જાણ કરી કે મારી પાસે કોઇ પુરાવા નથી અને મારે કોઇ પુરાવા આપવા નથી…!

મુંબઇ પોલીસ તેમની પાછળ જ છે. અને ગમે ત્યારે પકડાઇ જાય તેમ હોવાથી જેમ અર્નબ ગોસ્વામીને તેના ઘરેથી ઢસડીને લઇ જવાયા તેમ પોલીસ મારી સાથે પણ એવુ જ કરે એવી શંકા-કૂશંકાને જોતાં આઇપીએસ અધિકારીએ સુપ્રિમમાં ધા નાંખી…મને રક્ષણ આપો….! પરમબીર પોતે સદેહે કોર્ટમાં હાજર રહ્યાં નથી પણ પોતાના વકીલ દ્વારા આ બધુ કરી રહ્યાં છે અને સ્વાભાવિક પણ છે. પરંતુ સુપ્રિમ તો સુપ્રિમ છે.

રીટ જોઇ..વાંચી…વકીલને પૂછ્યું-અરજદાર ક્યાં છે…?! સવાલના જવાબમાં શું કહ્યું હશે તે સમજી શકાય તેમ છે કેમ કે તે પછી કોર્ટે કહ્યું-ઓકે…તમને રક્ષણ માટે સહમત…પણ મહાશય એ તો કહો કે તમે છો ક્યાં…?! અને જ્યાં સુધી કોર્ટમાં રૂબરૂ નહીં થાઓ ત્યાં સુધી કોઇ રાહત નહીં મળે….!!

IPS officers

સર્વોચ્ચ અદાલતે જે સવાલો કર્યા તે પછી ભારતના એક આઇપીએસ અધિકારી કે જેઓ આખા આઇપીએસ કેડરને શરમમાં મૂકી રહ્યાં છે તેમની પાસે હવે બહાર આવવા સિવાય બીજો કોઇ રસ્તો બચ્યો નથી….એટલે ટૂંક સમયમાં મિડિયામાં પરમબીરસિંગની ધપરકડની તસ્વીરો પ્રથમ પાને જોવા મળશે અથવા તેઓ નિરવ મોદી-મેહુલ અને માલ્યાની જેમ ક્યાં છે તેનો અત્તો-પત્તો મળશે…જો હજુ પણ બહાર નહીં આવે તો દેશમાંથી ભાગેડુ જાહેર અને તેની સંપત્તિઓ જપ્ત…!

કાયદાના નિષ્ણાતો કહે છે કે પરમબીર પાસે પોલીસ સામે હાજર થવા સિવાય હવે બીજો કોઇ જ રસ્તો નથી. ઉપરાંત તેમણે જેમની સામે આરોપ મૂક્યા તે હોમ મિનિસ્ટર-હવે પૂર્વ- અનિલ દેશમુખ પણ પરમબીરની જેમ સંતાકૂકડી રમ્યા બાદ હાજર થઇ ગયા અને કેન્દ્રીય તપાસ એજન્સીના કસ્ટડીમાં છે. એટલે આરોપી હાજર થઇ ગયા તો ફરિયાદી-પરમબીરસિંગ-એ પણ બહાર આવવુ જ પડે. અને 100 કરોડની વસૂલીના પુરાવા આપવા પડે. તેઓ કાંઇ રાજકારણી નથી અને તેમણે કાંઇ ચૂંટણી જંગના મેદાનમાં 100 કરોડની વસૂલીના આરોપો કર્યા નથી.

રાજકારણીઓએ ચૂંટણીમાં કરેલા આરોપો-આક્ષેપોનો જવાબ પણ એવો જ મળે અને ચૂંટણી પૂરી એટલે બધુ માફ…! પણ સીએમ ઉદ્ધવ ઠાકરે પોતાની સરકારના મંત્રી પર 100 કરોડની ખંડણી વસૂલીનો આરોપ અને તે પણ કોઇ રાજકારણી દ્વારા નહીં પણ મુંબઇના પોલીસ કમિશનરે કરીને તેમને જે રાજકિય નુકશાન પહોંચાડ્યું હોય તો બની શકે કે તેઓ અને દેશમુખ જે પાર્ટીના છે એ એનસીપીના સુપ્રિમો શરદ પવાર પરમબીરને માફ કરવા તૈયાર નથી…

મરાઠાકિંગ શરદ પવારે તો ત્યાં સુધી કહ્યું કે દેશમુખને જેટલા હેરાન કરવાં આવી રહ્યાં છે તેના એક-એક દિવસ અને એક-એક કલાક વસૂલવામાં આવશે….ઇંટ કા જવાબ પત્થર સે દિયા જાયેંગા..અન્ય શબ્દોમાં કહીએ તો બદલા…..રિવેન્જ…..અને પરમબીર બરાબર જાણે છે કે. તેમના ભાથાંમાંથી છૂટેલુ 100 કરોડના આરોપોવાળુ તીર પરત આવી શકે તેમ નથી, તેમના તીરથી દેશમુખની હોમ મિનિસ્ટરની ગાદી વિંધાઇ ગઇ એટલે કાં તો તેઓ વિદેશમાં હશે તો મહારાષ્ટ્રમાં અન્ય પક્ષની સરકાર આવે ત્યાં સુધી ત્યાં જ રહેવુ પડે અથવા સુપ્રિમ કોર્ટની ફટકાર બાદ હાજર થઇને ઠાકરે સરકારનો સામનો કરવો પડે….! બન્ને વિકલ્પો તેમની પાસે છે. ચલો લગાવો શરત…પરમબીરસિંગ કયો વિકલ્પ અપનાવશે..? લુકાછુપી કે પકડમપકડી…..?!! દેશમુખે 100 કરોડ વસૂલ્યા કે નહીં એ તો પરમબીર જાણે પણ પોલીસમાં હાજર થવાને બદલે સંતાતા ફરતાં આઇપીએસ પરમબીરસિંગને એ કહેવત યોગ્ય બંધ બેસે છે- આ બેલ મુઝે માર…!! કાં તો બેલ કાં તો જેલ….?!

 21 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી