સુરત અગ્નિકાંડ: 59 દિવસ બાદ ક્રાઇમ બ્રાન્ચે કોર્ટમાં 4275 પાનાની ચાર્જશીટ રજૂ કરી

તક્ષશિલા અગ્નિકાંડમાં બિલ્ડર-પાલિકા-ફાયર અને ડીજીવીસીએલની ગંભીર લાપરવાહીને કારણે 22 વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યો હતો. આ કેસમાં ક્રાઈમબ્રાંચે 11 આરોપીઓ વિરૂધ્ધ 4275 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે.

સરથાણા જકાતનાકા પાસે તક્ષશિલા આર્કેડમાં 24 મે શુક્રવારે આગની ઘટના બની હતી. જેમાં 22 માસૂમોનો જીવ ગયો હતો. આ ઘટનામાં ગંભીર બેદરકારી બહાર આવતા સરથાણા પોલીસમાં જવાબદારો સામે ગુનો નોંધાયો હતો. જેની તપાસ ક્રાઇમબ્રાંચના એસીપી આર.આર.સરવૈયાને સોંપવામાં આવી હતી

ક્રાઈમબ્રાંચ દ્વારા પહેલા જ દિવસથી કલાસના સંચાલકથી લઈને બિલ્ડર, પાલિકાના અધિકારીઓ, ફાયરના અધિકારીઓ અને જીઈબીના અધિકારીઓ સહિત કુલ 11 આરોપીઓ દર્શાવ્યાં છે. આ કેસમાં કુલ 251 લોકોને સાક્ષી તરીકે લઈને દળદાર 4275 પાનાની ચાર્જશીટ તૈયાર કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાંચે આ કેસમાં ત્રણ આરોપીઓને ભાગેડુ દર્શાવ્યાં છે.

અત્યાર સુધીમાં ક્રાઇમબ્રાંચે ડ્રોઇંગ કલાસીસના સંચાલક ભાગર્વ મનસુખ બુટાણી, હરસુખ કાનજી વેકરીયા, જીગ્નેશ સવજી પાઘડાળ, જીગ્નેશના પિતા સવજી પાઘડાળ, બિલ્ડર રવિન્દ્ર ઘનશ્યામ કહાર, પાલિકાના કાર્યપાલક ઈજનેર પરાગ મુનશી, જયેશ સોલંકી, ફાયર બ્રિગેડના એસ.કે આચાર્ય અને કિર્તી મોઢ ડેપ્યુટી ઈજનેર વિનુ પરમાર, ડીજીવીસીએલના નાયબ ઈજનેર દિપક ઈશ્વરલાલ નાયકની ધરપકડ કરી છે.

પોલીસ કમિશનર સતિષ શર્માએ જણાવ્યું હતું કે, હજુ ધરપકડનો દોર ચાલુ રહેશે. 60 દિવસમાં ચાર્જશીટ રજૂ કરવાની હોય છે તે નિયમ અનુસાર સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ કરી છે. વોન્ટેડ આરોપી ભાગેડુ જાહેર કરવાની કામગીરી કરવામાં આવશે.સમગ્ર ઘટનામાં હજુ તપાસ ચાલુ છે. સતિષ શર્માએ જણાવ્યું હતું કે, આ ગંભીર ઘટના હતી. 22 માસૂમોના મોત થયા હતાં. અમે આ મૃતકોને ન્યાય અપાવવા માટે તત્પર છીએ. અમે બારીકાઈપૂર્વક અને વૈજ્ઞાનિક ઢબે તપાસ કરી છે.

 56 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી