ભટાર વિસ્તારમાં આવેલા આઝાદનગર ખાતેના બાલક્રિષ્ના કોમ્પલેક્સમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી થેલીઓ બનાવવાની દુકાનમાં આગ ફાટી નીકળી હતી. ત્યાર બાદ કોમ્પ્લેક્સમાં નાસભાગ મચી ગઈ હતી. આગ ફાટી નીકળતાં થેલી બનાવવાના કારખાના ઉપર જ ચાલતી જ્ઞાન ગંગા સ્કૂલના વિદ્યાર્થીઓને સલામત રીતે બહાર ખસેડવામાં આવ્યાં હતાં. આગ વિકરાળ ન હોવાથી ફાયરબ્રિગેડની પાંચ જેટલી ગાડીઓએ આગ પર કાબુ મેળવી લીધો હતો.
મળતી માહિતી અનુસાર 250 બાળકોને હેમખેમ રીતે બચાવી લેવામાં આવ્યા છે. તે સ્કૂલમાં ફાયર સેફટીની કોઈ વ્યવસ્થા ન હોવાથી તંત્રએ આ બનાવ બાદ સ્કૂલને સીલ મારી દીધું છે.
શોપિંગ કોમ્પલેક્સમાં ચાલતી સ્કૂલ અંગે ડીઈઓ રાજ્યગુરૂએ જણાવ્યું હતું કે, યોગ્ય તપાસ કરીને નોટિસ આપવાથી લઈને પગલાં લેવામાં આવશે. જો કે આગની દુર્ઘટનામાં સ્કૂલના કોઈપણ બાળકોને કઈ થયું નથી. આગ લાગી તે દૂરની દુકાનમાં લાગી હતી. તેમ છતાં યોગ્ય તપાસ કરીને પગલાં લેવામાં આવશે.
45 , 1