સુરત ભાજપમાં ભડકો, નારાજગીના દોરમાં ટપોટપ રાજીનામા પડ્યાં

કાર્યકર્તાઓએ વિરોધ દર્શાવ્યો, આપ્યા રાજીનામ

મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને ભાજપે ઉમેદવારોના નામ જાહેર કરતાં સુરત શહેરમાં રાજકીય ગરમાવો આવી રહ્યો છે. સુરતમાં નામ જાહેર થતા જ ભાજપમાં ભડકો થયો છે. અનેક કાર્યકર્તાઓએ વિરોધ દર્શાવ્યો છે. તો આ સંદર્ભમાં ટપોટપ રાજીનામા પણ પડી રહ્યાં છે.

સરથાણા વિસ્તારમાં કાર્યકર્તાઓએ ભારે વિરોધ દર્શાવ્યો છે. ભાજપના ધારાસભ્ય વી. ડી. ઝાલાવાડિયાની ઑફિસ બહાર મોટાપાયે કાર્યકર્તાઓ પહોંચ્યા હતા. ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર કરી કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો છે. સ્થાનિક લોકોને ટિકિટ ન આપવામાં આવતા લોકોએ વિરોધના રસ્તે જવું પડ્યું. ત્યારે ધારાસભ્યએ લોકોને સમજાવવાનો પ્રયાસ કરવો પડ્યો હતો. 

સુરતમાં ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડના નિયોમોનું ભંગ થયું છે તેવું કાર્યકર્તાઓએ જણાવ્યું. પક્ષે પોતે જ બનાવેલા નિયમોને ભૂલીને સંબંધી અને 60 વર્ષ વધુ ઉંમરનાને ટિકિટ આપી છે તેવું કાર્યકર્તાઓનું કહેવું છે. સુરતમાં પ્રદેશ મહામંત્રીના સગાને ટિકિટ આપી છે. વોર્ડ નંબર-10માં ઉર્વશી પટેલને ટિકિટ આપી છે. વોર્ડ નંબર-6માં 61 વર્ષના અનિતા દેસાઈને ટિકિટ આપી છે તે વાતે કાર્યકર્તાઓએ વિરોધ દર્શાવ્યો છે. 

સુરતમાં વોર્ડ નંબર 27 માં ભડકો જોવા મળ્યો હતો. આ વોર્ડમાં એક પણ ગુજરાતીને ટિકિટ આપવામાં આવી નથી. આ વોર્ડમાં મરાઠી અને ઉત્તર ભારતીય ઉમેદવારોને ટિકિટ અપાઈ છે. તો સુરતમાં મોટા પ્રમાણમાં ઓરિસ્સાના લોકો પણ રહે છે. આવામાં તેમના ઉમેદવારને ટિકિટ ન આપતા ઓરિસ્સાના વતનીઓએ મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે. ઓરિસ્સા સમાજના લોકો ભાજપ કાર્યાલય પહોંચ્યા હતા. 120 બેઠકમાંથી 1 પણ બેઠક માટે સમાજના ઉમેદવાર ન હોવાથી નારાજગી દાખવી છે. મોટી સંખ્યામાં સમાજના લોકો ભાજપ કાર્યાલય પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે, સુરતમાં લાખોની સંખ્યામાં ઓરિસ્સા સમાજના લોકો રહે છે. તેથી ઓરિસ્સાવાસીઓ ભાજપ કાર્યાલય બહાર દેખાવો કરીને ઘરણા પર બેસ્ય હતા. ‘ટિકિટ નહિ તો મત નહિ’ તેવી માંગણી સાથે તેઓએ વિરોધ દર્શાવ્યો છે. 

 90 ,  1