સુરત: 17 વર્ષીય સ્તુતિએ દિક્ષા લેતા પહેલાં સચિનની ‘ફેરારી’ કારમાં કરી સવારી

વેસુ જૈન સંઘના ટ્રસ્ટી અને ગોપીપુરા જૈન સંઘમાં રહેતી 17 વર્ષીય સ્તુતિ સચિન તેંડુલકરની ફેરારી કારમાં દીક્ષાનું મુહૂર્ત લેવા વરઘોડા સાથે નીકળી હતી. સ્તુતિ કૈલાસનગરના મહેતા પાર્કથી નીકળી સ્નેહમિલન ગાર્ડનના વિસ્તારોમાં ફરીને કૈલાસનગર જૈન સંઘના ઉપાશ્રયમાં પહોંચી હતી. મૂળ સચિન તેંડુલકરે સુરતમાં વેચેલી ફેરારીમાં દિક્ષાની શોભાયાત્રા નીકળતા અનેક લોકોના ટોળા એકઠા થયા હતા.

ધોરણ-10ની પરીક્ષા પાસ કર્યા બાદ તેણે પોતાના માતાપિતા સામે દીક્ષા લેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેના બાદ માતાપિતાએ પણ તેના આ નિર્ણયનો સ્વીકાર કર્યો હતો. તેના પિતા સુરેશભાઈએ કહ્યું કે, દીકરી દીક્ષા લઈ રહી છે તેનો આનંદ છે. આવા પ્રસંગમાં તમામ સંબંધીઓએ હાજરી આપી છે. મારી ઈચ્છા હતી કે તેની દરેક ઈચ્છા પૂરી કરું. તેથી સચીન તેંડુલકરની ફેરારી લાવવામાં આવી છે.

10 દેશોનો પ્રવાસ કરનારી સ્તુતિ રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ નૃત્યાંગના પણ રહી હતી જોકે, તેણે સંસારના તમામ સુખો ત્યજી અને સંયમનો માર્ગ અપનાવાનું નક્કી કર્યુ છે. સંયમના માર્ગે જનારી દીકરીની દિક્ષા મહૂર્ત માટે નીકળનારી શોભાયાત્રા ફેરારીમાં નીકળે તેવી સ્તુતિના પિતાની ઇચ્છા હતી.

સુરતના રિયલ એસ્ટેટ ગ્રુપ રાજહંસનાં જયેશ દેસાઈએ સચીન તેંડુલકરની ફેરારી કાર ખરીદી હતી. 2002માં આ ફેરારી સચિન તેંડુલકરને ડોન બ્રેડમેનની 29 સદીની બરાબર કરવા પર ફોમ્યુંલા નંબર 1ના ડ્રાઈવર માઇકલ સુમારકરનાં હસ્તે અપાય હતી. સ્તુતિના પિતા સુરેશભાઈએ પોતાની ઈચ્છા તેમની સામે વ્યક્ત કરતા તેમણે પોતાની ફેરારી દીક્ષા સમારોહ માટે આપી હતી.

સ્તુતિ શાહે જણાવ્યું હતું કે મેં જીવનમાં તમામ મોજ મસ્તી કરી અને તમામ શોખ પૂરા કર્યા હતા પરંતુ મને અંતે સમજાયું કે જીવનો સાચો માર્ગ સંયમનો માર્ગ છે તેથી મેં તમામ સુખો ત્યજી સંયમના માર્ગે જવાનો નિર્ણય લીધો છે.

 36 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી