સુરત : પિતરાઈ ભાઈ-બહેન વચ્ચે પ્રેમ, પરિવારે એક થવા ન દેતા સજોડે કર્યો આપઘાત

બન્નેએ આત્મહત્યા કરી ફાની દુનિયાને અલવિદા કરી

સુરત શહેરમાં પ્રેમી પંખીડાનો આપઘાતનો મામલો સામે આવ્યો છે. બન્ને સજોડે એક સાથે ગળેફાંસો ખાઇ મોતને વહાલું કરતા ચકચાર મચી ગઇ હતી. આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સચિન જીઆઈડીસીની શિવાંજલી સોસાયટીમાં પ્રેમી પંખીડાઓએ હુકમાં દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. પિતરાઈ ભાઈ-બહેન પ્રેમમાં પડ્યા બાદ લગ્ન માટે રૂપિયા ભેગા થાય પછી લગ્ન કરાવવાની પરિવારે વાત કરતા આપઘાતનો રસ્તો અપનાવ્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. પિતરાઈ ભાઈ-બહેન વચ્ચેના પ્રેમ બાદ બન્નેએ આત્મહત્યા કરી દુનિયાને અલવિદા કરી દેતા ચર્ચાનો વિષય બન્યો છે. સચિન જીઆઈડીસી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

વિગત મુજબ, સંતરામ રામસેવક નિસાદ (ઉ.વ. 19, રહે. નેમારામની ચાલ શિવાનજલી સોસાયટી સચિન જીઆઈડીસી) ચાર ભાઈઓમાં ત્રીજા નંબરનો ભાઈ હતો. મૂળ યુપીના રહેવાસી છે. સંતરામ સચિન જીઆઈડીસીમાં જરી મશીન ઓપરેટર તરીકે કામ કરતો હતો. તમામ ભાઈ સહિત 6 જણા એક જ રૂમમાં એટલે કે રૂમ નંબર 13માં જ રહેતા હતા.

સવારે કામ પર ગયા બાદ સાંજે સાત વાગે રૂમ પર પરત આવ્યો ત્યારે દરવાજો ખુલ્લો હતો. અંદર પ્રવેશ કરતા બન્ને એક હુક સાથે દુપટ્ટો અને કપડું બાંધી લટકતી હાલતમાં જોયા બાદ ડરના મારે બહાર દોડી આવી ગયો હતો. ત્યારબાદ પોલીસને જાણ કરી હતી. ઘટના સ્થળે આવેલી પોલીસે પેપર વર્ક કરી બન્નેના મોબાઈલ જપ્ત કર્યા હતા. બન્ને લગભગ 4-5 મહિનાથી જ એકબીજાને ઓળખતા હોવાનું અને પ્રેમમાં હોવાનું ઇન્દરે જણાવ્યું હતું.

હાલ આ મામલે પોલીસે ગુનો નોધી આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.

 86 ,  1