માસ્કને મજાક બનાવનાર સુરતનાં મેયર હેમાલીબેન બોઘાવાલા થયા કોરોનાગ્રસ્ત

મેયર ઉપરાંત 4 કોર્પોરેટર પણ પોઝિટિવ આવ્યા

બે દિવસ પહેલા માસ્ક ન પહેરનારા સામે દંડ નહીં લેવાય તેવી વિવાદીત જાહેરાત કરનાર સુરતનાં મેયર હેમાલીબેન બોઘાવાલા કોરોનાગ્રસ્ત થયા છે. પહેલા તેમણે રેપિડ ટેસ્ટ કરાવ્યો હતો. તે નેગેટીવ આવતા આરટીપીસીઆર કરાવ્યો જેમાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સુરત ભાજપના બીજા 4 કોર્પોરેટર પણ પોઝિટિવ આવ્યા છે.

ગુજરાતમાં કોરોનાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. જેમાં સુરત અને અમદાવાદની સ્થિતિ વધારે ગંભીર છે. ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરતમાં  છેલ્લા 15 દિવસમાં કોરોના બેકાબૂ બનતા 5370 વ્યક્તિને ભરડામાં લીધા છે. જેમાં 24 વ્યક્તિના મોત થયા છે.

સુરત શહેરમાં ચૂંટણી બાદ કોરોના કેસમાં ધાણીફૂટ વધારો નોંધાયો છે. સુરતમાં સતત બીજા દિવસે 600થી વધારે કેસ નોંધાયા છે. ત્યારે માસ્કને મજાક બનાવનાર સુરતના મેયર હેમાલી બોઘાવાલાને પણ ચેપ લાગ્યો છે.

મેયર ઉપરાંત ભાજપના કોર્પોરેટર્સ રાજન પટેલ, હિમાંશુ રાઉલજી, ગૌરી સાપરિયા અને મનીષા મહાત્માના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા છે. આ ઉપરાંત આમ આદમી પાર્ટીના નગર સેવક કે.કે ધામી પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. તેઓ વોર્ડ નંબર ૫ના નગર સેવક છે. સુરત શહેરમાં કોરોનાનું સંક્રમણ અંકુશમાં આવવાનું નામ નથી લઈ રહ્યું. આરોગ્ય વિભાગ દ્વારા તમામ પ્રયાસો કરવા છતાં પણ કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે.

 72 ,  1