સુરત : નાના ભાઈ-બહેનોને રમતા છોડી સગીરાએ ફાંસો ખાઇ કર્યો આપઘાત

સુરતમાં વધુ એક આપઘાતની ઘટના સામે આવી છે. ધોરણ 12માં અભ્યાસ કરતી સગીરાએ કોઇ કારણોસર આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ હતી. આપઘાત પાછળનું કારણ જાણી શકાયું નથી. માતા પિતાની ગેરહાજરીમાં સગીરાએ આ પગલું ભર્યું હતું. એટલું જ નહીં સગીરાન નાના ત્રણ ભાઇ બહેનો પણ ઘરે હાજર હતા. નાના બાળકો કઇ સમજે તે પહેલા સગીરાએ મોતને વહાલું કર્યું હતું. હાલ આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ઘટનાની વિગત મુજબ, શહેરના સચિન વિસ્તારમાં આવેલા જલારામનગરમાં સવિતા નામની 17 વર્ષીય વિદ્યાર્થિનીએ નાના ભાઈ-બહેનોને રમતા છોડી ફાંસો ખાઈ આપઘાત કરી લેતાં ચર્ચાનો વિષય બન્યો હતો. સવિતા હાલ જ ધોરણ 12ની પરીક્ષા પાસ કરી આગળનો અભ્યાસ કરવાની તૈયારી કરી રહી હતી. માતા-પિતાની ગેરહાજરીમાં મોતને વહાલું કરનાર સવિતાના આપઘાત પાછળનાં કારણો જાણવા પોલીસે તેનો મોબાઇલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે.

વિદ્યાર્થિનીના પિતાએ જણાવ્યું હતું કે 5 વર્ષના નાના પુત્ર અને સવિતાના ભાઈએ દોડીને આવીને માતાને કહ્યું- મમ્મી, બહેન પંખા સાથે લટકી રહી છે. આ સાંભળી પત્ની તાત્કાલિક ઘરે દોડીને જોયું તો દીકરી લટકતી હાલતમાં મળી આવી હતી. સવિતાના આપઘાત પાછળનું કોઈ કારણ જાણી શકાયું નથી. એક અઠવાડિયા પહેલાં જ બ્યૂટિપાર્લરનું શીખવાની વાત કરતાં તેને સામાન અપાવ્યો હતો.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઘટના રવિવારની સાંજે 7:30 વાગ્યાની આસપાસની છે. હું પણ મારા ગેરેજ પર હતો અને રવિવાર હોવાથી પત્ની ઈંડાંની લારી પર હતી. 4 સંતાનમાં સવિતા મોટી દીકરી હતી. ચારેય સંતાન ઘરમાં જ રમતાં હતાં. અચાનક સવિતાએ આવું પગલું ભરી લેતાં કંઈ સમજ પડતી નથી. હાલ સચિન પોલીસ તપાસ કરી રહી છે.

 63 ,  1