સુરત : ‘લોકો મને જીવવા નથી દેતા, ટોર્ચર કરે છે..’ વ્યાજખોરોના ત્રાસથી વેપારીએ કર્યો આપઘાત

વ્યાજનાં ખપ્પરમાં વધારે એક જીવ હોમાયો: સુરતનાં વેપારીએ ઝેરી દવા પીને કર્યો આપઘાત

દિનપ્રતિદિન વ્યાજખોરોનો ત્રાસ વધતો જતો હોય તેવું લાગી રહ્યું છે. પોલીસ આવા વ્યાજખોરો પર સંકજો કસવા કડક કાર્યવાહી કરી રહી છે. છતાં વ્યાજખોરો બેફામ બની રહ્યા છે. ત્યારે સુરતમાં વધુ એક યુવાને વ્યાજખોરના આતંક અને ત્રાસના કારણે આપઘાત કરી લીધો હતો. આ ઘટનામાં આપઘાત પહેલા કેતન સોપારીવાળા નામના વેપારીએ 6 વ્યાજખોરોના ત્રાસથી કંટાળી જઈ આ પગલું ભર્યું હોવાનું સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરવામાં આવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

ઘટનાની વિગત મુજબ, સુરતના અડાજણ ખાતે રહેતા અને ચોકબજાર ખાતામાં કાપડની લેવેચ સાથે બાયો ડીઝલનો પંપ ચલાવતા કેતન સોપારીવાળા નામના યુવાને થોડા સમય પહેલા વેપાર માટે કેટલાક લોકો પાસેથી રૂપિયા વ્યાજે લીધા હતા. જોકે, વ્યાજખોરોની કડક ઊઘરાણી સાથે મારી નાખવાની ધમકીને લઇને ત્રાસી ગયેલા યુવાન ઘરથી છેલ્લા 10 દિવસ પહેલાં ગુમ થયા બાદ આજે સુરતના છેવાડે આવેલ હજીરા ખાતે તેની લાશ મળી આવી હતી. જોકે આ યુવાને આપઘાત પહેલાં વ્યાજખોર જે ત્રાસ આપતા હતા તેમના નામ સુસાઇડ નોટમાં લખ્યા હતા.

મૃતક વેપારીએ પૈસા સમય મર્યાદામાં ચૂકવી પણ દીધા હતા. જો કે 3.50 લાખનું વ્યાજ બાકી હોવાનું કહી વ્યાજખોરો તેમને સતત હેરાન પરેશાન કરવા સાથે માનસિક ત્રાસ આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા.

તારીખ 8 ઑક્ટોબરના રોજ વ્યાજખોર મનહરનો ભત્રીજો તેના મળતિયાયા લઈને આવીને કેતન ભાઈને ધમકાવી ગયો હતો જેને લઈનેતે પોતાની ઓફિસથી નીકળી ગયા બાદ ગુમ થઈ ગયા હતા. જોકે આ મામલે પરિવાર દ્વારા ચોકબજાર પોલીસમાં તેમની ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.

જો કે 10 દિવસ બાદ ગુમ થયેલા કેતન ભાઈની છેવાડે આવેલ હજીરા ખાતેથી લાશ મળી આવી હતી. પોલીસ તપાસમાં ઝેરી દવા પીને આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. કેતન ભાઈની લાશ ડીકંપોઝ હાલતમાં મળી આવી હતી, તેમની પાસેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી. જેમાં તેમને રૂપિયા માટે વ્યાજખોર હેરાન કરતા હતા તેમનું નામ  મનહર ઘીવાલા, કૈલાસ બેન ઘીવાલા, વિપુલ ઘીવાલા મિહિર વિરાણી, આશિષ તમાકુવાલા સંજય ભાઈના નામનો ઉલ્લેખ કર્યો હતો.

હાલ આ મામલે પોલીસે સુસાઇડટ નોટ કબજે કરી આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે.

વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવા DGPના આદેશ

રાજ્યમાં વ્યાજખોરોના આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. જેને લઈને થોડા મહિનામાં જ કેટલાય લોકોએ આપઘાત કર્યો છે. આ વાતની ગંભીરતાને લઈને ડીજીપી આશીષ ભાટીયાએ કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે.

રાજ્યમાં વ્યાજખોરીનું દૂષણ દૂર કરવા અને લોન શાર્ક જેવા લોકો દ્વારા વ્યાજની વસૂલીના નામે લોકોને પાયમાલ કરવામાં ન આવે તે માટે રાજ્ય સરકાર કટિબધ્ધ છે. આ માટે હાલમાં જ સરકાર દ્વારા કાયદામાં પણ સુધારા કરીને ગુંડા એક્ટ અને પાસા એક્ટમાં વ્યાજખોરીના ગુનાને પણ આવરી લેવામાં આવ્યા છે. જેથી હવે વ્યાજખોરીની ગેરકાયદેસરની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકોને પણ પાસા હેઠળ જેલ હવાલે કરી શકાય છે.

આ અનુસંધાને વ્યાજખોરો દ્વારા વ્યાજના પૈસા માટે થતી લોકોની કનડગત સામે કડક કાર્યવાહી કરવા રાજ્ય પોલીસ દ્વારા આદેશ બહાર પાડવામાં આવ્યો છે. જરૂરીયાતમંદ લોકોને ગેરકાયદેસર રીતે ઉંચા વ્યાજે નાણાંનુ ધીરાણ કરીને, બાદમાં ધીરવામાં આવેલ નાણાનું ગેરકાયદેસર રીતે અનેક ગણું વ્યાજ વસૂલવા માટે ધાક –ધમકી આપી બળજબરી કરવામાં આવતી હોવાના ઘણા બનાવો બને છે. ઘણી વખત દેણદારની મિલ્કત પણ બળજબરીથી લખાવી લેવામાં આવે છે. પરિણામે આવા ઘણા બનાવોમાં ભોગ બનનાર દ્વારા આત્મહત્યા કરવા સુધીના પગલાં લેવામાં આવે છે. આ બદીને ડામવા માટે એક ખાસ આદેશ કરીને રાજ્ય પોલીસ વડા આશીષ ભાટિયા દ્વારા તમામ જીલ્લા/શહેરની પોલીસને આવા બનાવોમાં તાત્કાલીક ફરિયાદ દાખલ કરી કાયદેસરના પગલાં લેવા જણાવવામાં આવેલ છે.

 71 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર