સુરેન્દ્રનગર : પોલીસ ભરતીના કોલલેટરમાં છેડછાડ કરનાર પાંચ ઉમેદવારોની ધરપકડ

ખોટા લેટર બનાવી આપી હતી પરીક્ષા, ચેકીંગમાં ભાંડો ફૂટ્યો

પોલીસ ભરતીને લઈને શારિરીક કસોટી ચાલી રહી છે. ત્યારે સુરેન્દ્રનગરમાં શારિરીક કસોટીના કોલ લેટરમાં છેડછાડ કરનાર પાંચ લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે પાંચેય આરોપીઓની ધરપકડ પણ કરી લીધી છે.

સુરેન્દ્રનગરના જવાહર ગ્રાઉન્ડ ખાતે શારીરિક કસોટી યોજાઈ હતી. જેમાં આરોપી પાંચ યુવાનોએ ખોટા લેટર બનાવી અને પરીક્ષા આપી હતી. જોકે ત્યાર બાદ ચેકિંગ દરમિયાન ભાંડો ફૂટ્યો હતો. તમામ ખોટા કોલલેટર બનાવી અને પરીક્ષા આપનાર 5 આરોપીની ધરપકડ કરાઈ હતી. આ યુવાનોએ સમય સુધારો કરી અને પરીક્ષા આપી હતી. આરોપી પૈકી 4 રાજકોટ જિલ્લાના અને એક યુવાન બોટાદ જિલ્લાનો હોવાનું જાણવા મળે છે.

સુરેન્દ્રનગર પોલીસે આ અંગે માહિતી આપી છે કે, આજરોજ સવારે 5 વાગ્યે શારિરીક કસોટીની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી અને 6 વાગ્યાના સમયની લાઇનના ઉમેદવારોને કોલલેટરમાં જણાવેલી સુચના મુજબ પ્રવેશ આપવાની કાર્યવાહી ચાલુ હતી તે દરમ્યાન ફરજ પરના અધિકારીઓએ ઉમેદવાર આશીષકુમાર પાતુભાઇ ગઢવીનો કોલ લેટર ચેક કરતાં તેની પાસે બે કોલ લેટર મળી આવ્યા જેમાં એક કોલ લેટરમાં 6 વાગ્યાનો સમય લખ્યો હતો તથા બીજા કોલ લેટરમાં 8 વાગ્યાનો સમય હતો. જેથી તેમાં ગેરરીતી થઈ હોવાની શંકા જતા રનીંગ ટ્રેક તેમજ ડી.રજીસ્ટ્રેશન તથા પી.એસ.ટી. કાર્યવાહીના જવાબદાર અધિકારીઓને આ બાબતે ધ્યાન દોરતા ત્યાં ફરજ પર રહેલા પીએસઆઈએ ચેકીંગ કરતાં આવા કોલ લેટરમાં સમયમાં છેડછાડ કરનાર બીજા ઉમેદવારો મહેશ દિનેશભાઇ સેગલીયા (રહે. મુંજકા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે, રાજકોટ), જયદિપસિંહ નટુભાઇ ગોહીલ (રહે.ગામ – પીપરડી તા.વીંછીયા જિ.રાજકોટ) પ્રવિણભાઇ કરમશીભાઇ સાકરીયા (રહે.ગામ – ફુલજર તા.વીંછીયા જિ.રાજકોટ) કિશન વજાભાઇ રાઠોડ (રહે. પાળીયાદ જસરામની વાડીમાં, જિ.બોટાદ) પણ આવી જ ગેરરિતી કરતા મળી આવ્યા હતા.

ઉપરોકત ઉમેદવારો ભરતી શારીરીક કસોટી દરમ્યાન પોતાને ભરતી બોર્ડ તરફથી અપલોડ થયેલ કોલલેટરના સમયમાં ચેડા કરી આ કોલ લેટર દ્વારા પોતાને પ્રવેશ મેળવવા માટેનો અધિકાર મળતો હોય તેવી કિંમતી જામીનગીરી હોય તે વાત જાણવા છતા તેમાં ફેરફાર કરી ખોટો દસ્તાવેજ (કોલ લેટર) બનાવી પોતાને અંગત દોડવામાં ફાયદો થાય તે હેતુથી તેનો ખરા તરીકે ઉપયોગ કરી ઠગાઇ કરી ગુન્હો કર્યો હોય જેથી તેઓ વિરૂધ્ધ સુ.નગર સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ ૪૧૭, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧ મુજબનો ગુન્હો દાખલ કરી આગળની તપાસ ઇન્ચાર્જ પીઆઇ વી.વી.ત્રિવેદીએ હાથ ધરી છે.

 30 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી